ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમે તથ્ય પટેલને જામીન આપ્યા:પોણા ત્રણ વર્ષ પછી તથ્ય જેલમાંથી પહેલીવાર રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે
સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. તથ્યના વકીલે કરી વાતની પુષ્ટિ કરી છે.લગભગ પોણા ત્રણ વર્ષ પછી તથ્ય જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 સાહેદ તપાસવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. તથ્ય પટેલની જામીન અરજી તેના વકીલ આઈ.એચ.સૈયદ અને ઝીલ શાહે સુપ્રીમ સમક્ષ રજૂ કરી હતી. 191 સાક્ષી પૈકી આંખે દેખ્યા લગભગ 29 જેટલા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ હોવાની સુપ્રીમ સમક્ષ રજૂઆત કરી હતી. જ્યારે બાકીના સાક્ષીઓ તપાસવાના બાકી છે. ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમે નોંધ્યું કે તથ્ય ઉપર IPC 304ની કલમ લાગેલી છે ,પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી તથ્યએ લગભગ 02 વર્ષ અને 10 મહિના જેલમાં કાઢ્યા છે.જ્યારે મૃતકોના પરિવારને વળતર વિશે સુપ્રીમે કહ્યું કે, અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે છે. તથ્ય આજીવન વાહન ચલાવી શકશે નહીં
અમદાવાદના સાબરમતી RTO દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (જીવનભર માટે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. લાયસન્સ કાયમી ધોરણે રદ થવાને કારણે તે હવે ભારતમાં સત્તાવાર રીતે ક્યારેય પણ કોઈ વાહન ચલાવી શકશે નહીં. 1684 પાનાની ચાર્જશીટ
તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPCની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે. કુલ 14 દસ્તાવેજી પુરાવા,191 સાક્ષી
2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 છે. સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 08 વ્યક્તિનાં નિવેદન લેવાયાં છે, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 08 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા છે. FSLના 15 રિપોર્ટ રજૂ કરાયા હતા. શું છે સમગ્ર ઘટના?
19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. ત્યાર બાદ તથ્ય પટેલને સાબરમતી જેલ ભેગો કરવામાં આવ્યો હતો.
Read Original Article →