મ્યૂલ હંટ 2.0:‘સાઈબર ફ્રોડ-ડ્રગ્સ કનેક્શનની સાથે તપાસ?’, જવાબ: અમે નાક દબાવીશું તો જ મોંઢુ ખુલશે

Gujarat6/5/2026, 12:00:00 AM
મ્યૂલ હંટ 2.0:‘સાઈબર ફ્રોડ-ડ્રગ્સ કનેક્શનની સાથે તપાસ?’, જવાબ: અમે નાક દબાવીશું તો જ મોંઢુ ખુલશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓને બોલાવી મીટીંગ કરી અને મ્યૂલ હંટ 2.0 લોન્ચ કરીને સાઈબર ફ્રોડનો ગાળીયો વધુ કસવા હુકમ કર્યો. આ મુદ્દે સાઈબર એક્સિલન્સના સિનિયર એસ.પી ડો.રાજદીપસિંહ ઝાલા સાથે મ્યૂલ હંટ 1.0 થી માંડીને સાઈબરના વિદેશી નેટવર્ક, ડ્રગ્સના કારોબર સાથે જોડાયેલા ફન્ડિંગ અને લોકોની મહેનતની મૂડી બચાવવાની યોજનાઓ પર ચર્ચા કરી હતી. ભાસ્કર ઈન્ટરવ્યૂ સવાલ | મ્યૂલ હંટ 2.0 માં નવું શું હશે? જવાબ | મ્યૂલ હંટ 1.0 ગત ડિસેમ્બર મહિનામાં માત્ર 12 દિવસ ચલાવ્યું, જેમાં રાજ્યભરમાં 656 પોલીસ ફરિયાદ થઈ, નવા-જુના મળી કુલ 4052 ગુના ડિટેક્ટ થયાં અને 2289 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડના વ્યવહારો મળ્યાં જેમાંથી પોલીસ સરેરાશ 40 ટકા રકમ પીડિતોને પરત અપાવવામાં સફળ રહી. હવે, સરકાર સાઈબર ફ્રોડનો રેસીયો તળીયે લઈ જવા માંગે છે માટે 2.0 લોન્ચ કરાયું છે જેમાં ભાડે અપાયેલા કે ભુતિયા બેન્ક એકાઉન્ટની જેમ જ બોગસ નામે એક્ટિવ કરાવેલા સીમકાર્ડ પણ ટાર્ગેટ પર હશે. સવાલ | ફ્રીઝ કરેલા એકાઉન્ટની તપાસ બેન્કિંગ એક્સપર્ટ્સ કરે છે કે પોલીસ? જવાબ | 12 દિવસ ચાલેલા મ્યુઅલ હંટ 1.0 માં 2289 કરોડના ફ્રોડની તપાસ ટ્રેઈન્ડ પોલીસે કરી. નવી ભરતીના અધિકારીઓ વેલ એજ્યુકેટેડ આવ્યાં છે, કોઈ એન્જિનિયર તો કોઈ બેન્કિંગ ક્ષેત્રના અભ્યાસ કરીને આવ્યાં છે. આ ઉપરાંત તેમને એકાઉન્ટ એનાલીસીસની સ્પેશિયલ 20 દિવસની ટ્રેનિંગ અપાય છે. પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન પણ સાઈબર ફ્રોડ ડિટેક્શનની ટ્રેનિંગ અપાય છે. ઉપરાંત અમારી પાસે એડવાન્સ સોફ્ટવેર છે જે એકાઉન્ટનું એનાલીસીસ કરી આપે છે. સવાલ | સાઈબર ફ્રોડના રૂપિયા ડ્રગ્સ કાર્ટેલ પાસે જાય છે આ વાતમાં કેટલુ તથ્ય? જવાબ | અમારી એક ખાનગી તપાસ ચાલી રહી છે અને જેમાં સાઈબર ફ્રોડના રૂપિયા વિદેશી ડ્રગ્સ માફિયાઓ સુધી અલગ અલગ ચેનલ થ્રુ પહોંચ્યા હોવાની વિગતો મળી છે. રાજ્ય સરકાર આવા ન્યૂસન્સને ડામવા માટે સાઈબર ડિટેક્શન માટે વધુ ભાર આપી રહી છે. મ્યૂલ એકાઉન્ટ અને બોગસ સીમકાર્ડને ડામીશું તો ડ્રગ્સ કાર્ટેલ પણ કંટ્રોલમાં આવશે, ટૂંકમાં અમે નાક દબાવીશું તો તેમને મોંઢું ખોલ્યા વિના છૂટકો નહીં રહે. સવાલ| ખોટા સીમકાર્ડ કેવી રીતે ઓળખાશે ? જવાબ| સાઈબર એક્સિલન્સ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં 6000 બોગસ સીમકાર્ડ બ્લોક કરાવ્યાં છે. સવાલ| નિર્દોષોના એકાઉન્ટ બંધ થઈ જાય છે અને પછી પરેશાન થાય છે જવાબ| હાં, સાચી વાત છે, ઘણીવાર સાઈબર ગઠિયા ફ્રોડના રૂપિયાથી કોઈ વેપારીને ત્યાં મસમોટી વસ્તુ કે સેવા લઈ ઓનલાઈન પેમેન્ટ કરે છે. જ્યારે આ ગઠિયાનું એકાઉન્ટ બંધ થાય તો જે-તે વેપારીના એકાઉન્ટ સુધીની લિન્ક મળે અને તેનું પણ એકાઉન્ટ બંધ થતુ હોય છે. આ વાત ધ્યાને આવતા અમે એક QR કોડથી લિન્ક આપી છે. જેમાં વેપારી પોતાની વિગતો અને બેન્ક સ્ટેટમેન્ટ આપશે એટલે અમે તેમનું બેન્ક એકાઉન્ટ શક્ય એટલા વહેલા અનફ્રિઝ કરીને પૂર્વવત કરી દઈશું. સવાલ | ઘણીવાર ખોટી માહિતી આપીને બેન્ક અકાઉન્ટ બંધ કરાવી દેવામાં આવે છે? આ અંગે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? જવાબ| ખોટી માહિતી આપીને ખાતુ બંધ કરાવવું એ આ સજાપાત્ર ગુનો છે. અમે આ પ્રકારની ફરિયાદ બાદ ગુનો પણ નોંધ્યો છે. ઘણીવાર ધંધાકીય અદાવત માટે આવી ફરિયાદ કરવામાં આવી હોવાના બનાવ આવ્યા છે. આ પ્રકારના કેસમાં ભૂતકાળમાં અમે કાર્યવાહી પમ કરી છે. ભવિષ્યમાં આ અંગે કાયદો વધુ કડક થશે, જેમાં આ બાબતને લઈને પણ વિશેષ જોગવાઈ કરવામાં આવશે.
Read Original Article →