ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:વીમા કૌભાંડ; ઘરમાં ખાવાનું નથી પણ ઇન્સ્યોરન્સ 1.5 કરોડથી વધુના

Gujarat5/19/2026, 12:00:00 AM
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:વીમા કૌભાંડ; ઘરમાં ખાવાનું નથી પણ ઇન્સ્યોરન્સ 1.5 કરોડથી વધુના
અજય રાવત / જસરાજ ઓઝા | ભીલવાડા ગરીબ, બીમાર અને અસહાય... પરંતુ જ્યારે આ લોકોનું મૃત્યુ થાય છે ત્યારે 25 લાખ, 50 લાખ, 80 લાખ અને કરોડો રૂપિયાના વીમા ક્લેમ સામે આવે છે. વાસ્તવમાં, ગુજરાત અને રાજસ્થાનમાં વીમા એજન્ટોની એક ગેંગ સક્રિય છે. તેઓ એવા જ લોકોને શોધે છે, જેમને દારૂની લત હોય અથવા કિડનીની કોઈ બીમારી હોય. પહેલા તેઓ આ લોકોનો વિમો ઉતારે છે, પ્રીમિયમના હપ્તા પણ પોતે જ ભરે છે, પછી જ્યારે તેમનું સામાન્ય મૃત્યુ થાય છે, ત્યારે તેને અકસ્માત ગણાવીને એક્સિડન્ટ ક્લેમ મેળવે છે. ભાસ્કરની ટીમ તપાસ માટે અમદાવાદ પહોંચી હતી. અહીં 15 કાચી વસાહતો (ઝૂંપડપટ્ટીઓ) માં 71 લોકોના નકલી વીમા મળ્યા. વીમા એજન્ટો નશાખોરો અને અસહાય લોકોને નિશાન બનાવે છે, જેઓ મૃત્યુના આરે હોય છે. અમદાવાદના સાબરમતીમાં ભાવેશભાઈના ઘરે ગયા, તો ચાલીની બહાર એક દુકાનદાર મળ્યો. તેણે કહ્યું, આ લોકો દારૂ પીએ છે. તેથી તેમનો વિમો કરાવીને ક્લેમ મેળવે છે. રાજસ્થાનમાં અકસ્માત વીમાના અલગથી 5 લાખ મળે છે. તેથી તેઓ ત્યાં કરંટ લાગવો અથવા કૂવામાં પડવું એવું કારણ બતાવે છે. ભીલવાડાના માંડલમાં જે દીપકનો કેસ પકડાયો, તેમાં પણ કરંટ લાગ્યો હોવાનું બતાવવાની જ યોજના હતી. પોસ્ટમોર્ટમ ક્યાં થશે, તે પણ નક્કી હતું. પરંતુ એક ડોક્ટરે આ બાબત પકડી પાડી અને પોલીસ બોલાવી લીધી. તપાસ મુજબ, આરોપીઓ આ લોકોની આવકના પુરાવા માટે નકલી આઈટીઆર (ઈનકમ ટેક્સ રિટર્ન) રજૂ કરી દેતા હતા. આરોપી આ છે... અમદાવાદના વીમા એજન્ટ સૂરજનો રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં નેટવર્ક આ અમદાવાદનો વીમા એજન્ટ સૂરજ વિશ્વાસ છે. તેણે ભીલવાડા અને અમદાવાદના 6 લોકોની 36 પોલિસીઓ કરાવી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર પણ આ ગેંગનું નેટવર્ક સક્રિય છે. ગેટ નંબર 3 ની ઓપીડીની બહાર ગાર્ડને વિમો કરાવવા વિશે પૂછ્યું, તો તેણે કોઈને ફોન કરીને બોલાવ્યો. તેણે કહ્યું, અમે રોજ વીમા કરીએ છીએ. રાજસ્થાન તો શું, એમપી, મહારાષ્ટ્ર સુધી અમારા માણસો છે, જે વિમો કરાવીને ક્લેમ અપાવે છે. ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ કેસ-1 : અમદાવાદનો દીપક દારૂનો બંધાણી હતો, મરણપથારીએ હતો ત્યારે ભીલવાડા લાવ્યા, કરંટથી મોત થયું હોવાનું દેખાડવા આંગળીઓ સળગાવી અમદાવાદના નરોડાના 36 વર્ષીય દીપક ગોહેલ દારૂના બંધાણી હોવાનો ફાયદો ઉઠાવી એજન્ટોએ તેના નામે દોઢ કરોડના 6 વીમા ઉતાર્યા અને પ્રીમિયમ પોતે ભર્યા. ઘરે વૃદ્ધ માતા અને દિવ્યાંગ દીકરો જ છે. મરણપથારીએ દીપકને ભીલવાડા લઈ ગયા અને મોત બાદ કરંટ લાગ્યાનું દેખાડવા હાથ-પગની આંગળીઓ સળગાવી હતી. દીપકના નામે ₹1.56 કરોડની 6 પોલિસી કેસ-2 : પતરાના પાટિયાથી બનેલું ઘર, વીમો 40 લાખનો કલોલના 32 વર્ષીય કરણ જસ્સુભાઈના નામે આશરે રૂ.40 લાખનો નોન-એક્સિડેન્ટલ વીમો લેવાયો હોવાનું સામે આવ્યું છે. વિસ્તારના લોકો મુજબ કરણ દારૂનો ભારે શોખીન છે અને પત્ની તેને છોડીને ચાલી ગઈ છે. માતા-પિતાના અવસાન બાદ તે એકલો રહે છે અને ભાગ્યે જ ઘરે આવે છે. વીમા એજન્ટ પાસેથી તેની પોલિસીના દસ્તાવેજ મળ્યા હતા.
Read Original Article →