ATSનું દરિયામાં 9 કલાક ચાલ્યું ઓપરેશન કોકેઇન, ઇન્સાઈડ સ્ટોરી:'યુરોપ'નો શિકાર કરવા કોસ્ટગાર્ડની બોટમાં ધડાધડ ટીમ ઉતરી, 6 મહિના પહેલા બ્રાઝીલથી નીકળી ને મુન્દ્રામાં ખેલ ખલાસ થયો
25 મે ના રોજ ગુજરાત ATSને સવારના સમયે એક બાતમી મળી કે બ્રાઝિલથી ડ્રગ્સ ભરીને એક કાર્ગો બોટ મુંદ્રા પોર્ટ પાસે આવી રહ્યું છે. બાતમી મળતા જ ATSના અધિકારીઓએ રાજ્યના DGP કે.એલ.એન રાવને જાણ કરી. DGP તરફથી પરમિશન મળતા જ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મને આંટી મારી જાય એવા ઓપરેશનની તૈયારી શરૂ કરી. જેમાં એટીએસ SP કે. સિદ્ધાર્થને સુપરવિઝન સોંપવામાં આવ્યું. સમય ખૂબ ઓછો હોવાથી પીઆઇ જે.એમ પટેલ અને તેમની ટીમને તાત્કાલિક મુંદ્રા જવા રવાના કરાયા. જો કે આટલી હલચલ બાદ પણ ATS સિવાય કોઈને ગંધ પણ ન આવી કે આ ઓપરેશન શું છે અને ક્યારે પાર પાડવાનું છે. અમે વાત કરી રહ્યા છીએ 26 મેની વહેલી સવારના 4 વાગ્યે કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઉંધો વાળી 1180 કરોડનું 118 કિલો ઝડપેલા કોકેઈન કેસની. 2025ના રોજ નવેમ્બરમાં બ્રાઝીલથી કોકેઈન ભરીને નીકળેલી કાર્ગો બોટને મુંદ્રા પોર્ટથી ઝડપવા માટે કરવામાં આવેલા આ ઓપરેશન અંગે દિવ્ય ભાસ્કર અંદરની વાતો તમને જણાવી રહ્યું છે. નવેમ્બર 2025માં 'યુરોપ'નામના કાર્ગોશીપમાં બ્રાઝીલમાંથી કોકેઈનનો જથ્થો લોડ કરાયો. ત્યારબાદ આ શીપ લેટિન અમેરિકા, મેક્સિકો, USA અને કરાંચી થઈને મુંદ્રા આવી રહ્યું હતું. સૌ ગુજરાત એટીએસને થેલા ભરેલા કોકેઇન વીડિયો સાથે મળેલી બાતમીના આધારે 25 મેના રોજ બે અલગ અલગ બોલેરો ગાડીમાં ATS કચેરીથી પીઆઇ જે.એમ પટેલ અને અન્ય 7 લોકોની ટીમ અમદાવાદથી મુંદ્રા જવા માટે નીકળી પડી. સાંજે 7 વાગ્યે ATSની ટીમ મુંદ્રા પહોંચી
સાંજે 7 વાગ્યે ATSની ટીમ મુંદ્રા પહોંચી. ATSના અધિકારીઓએ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે મળેલી બાતમી અંગે જાણ કરી. ત્યાર બાદ ATSની ટીમ કોસ્ટ ગાર્ડની મદદથી 25મેના રાતના સમયથી મુંદ્રા પોર્ટની આસપાસ દરિયામાં ગોઠવાઈ ગઈ. મોડી રાત સુધી ડ્રગ્સની બોટ આવી નહીં
તેની સાથે સાથે કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.ATSની ટીમે કોસ્ટ ગાર્ડને સાથે રાખી બોટની રાહમાં આખી રાત દરિયામાં પસાર કરી. જોકે મોડી રાત સુધી ડ્રગ્સની બોટ આવી ન્હોતી. જો કે ધીરજના ફળ મીઠા છે અને ધાર્યું નિશાન પાર પાડવામાં ગુજરાત એટીએસ માહેર છે જેથી તેઓ જરાપણ ડગ્યા નહીં. તેમને ખબર હતી કે ગમે ત્યારે શિકાર જાળમાં ફસાઈ જવાનો છે. કોસ્ટ ગાર્ડની પેટ્રોલિંગ ટીમેને કાર્ગોશિપ આવતી દેખાઈ
26 મેની વહેલી સવારે પણ બંને ટીમ રાહ જોઈને બેઠી હતી ત્યારે કોસ્ટ ગાર્ડની પેટ્રોલિંગ ટીમને કાર્ગોશિપ આવતી દેખાઈ અને રાહ જોઈને બેઠેલી ટીમને ATSને એક બોટ આવી રહી હોવાની જાણ કરી. આ સાથે જ ATSની ટીમમાં એક અનોખી ઉર્જાનો સંચાર થયો અને હવે થોડી મિનિટોમાં જ તેઓ મિશન પૂર્ણ કરી લેશે એવા આત્મવિશ્વાસથી છલકાઈ ગઈ. મુંદ્રા પોર્ટથી 10 નોટિકલ માઇલ સુધી શિપને આવવા દીધી
મુંદ્રા પોર્ટથી 10 નોટિકલ માઇલ સુધી ડ્રગ્સની બોટને આવવા દેવામાં આવી હતી. બોટ નજીક આવતા જ કોસ્ટ ગાર્ડ અને ATSની ટીમ કોસ્ટ ગાર્ડની બોટમાં પહોંચી ગઈ. બરાબર આ સમયે ડ્રગ્સ ભરેલી બોટમાંથી એક વ્યક્તિને કંઈક અજુગતું બનવાની ગંધ આવી ગઈ અને તેણે સીધી જ દરિયામાં છલાંગ લગાવી દીધી. આ દરમિયાન બંને ટીમ ડ્રગ્સની બોટ પાસે પહોંચી અને ડ્રગ્સ ભરેલી બોટમાં દાખલ થઈ. બીજો સામાન પણ હોવાથી ડ્રગ્સ ન મળ્યું
ડ્રગ્સની બોટમાં ATS અને કોસ્ટગાર્ડે ઓળખ આપીને તપાસ શરૂ કરી હતી. કાર્ગોશિપમાં કોકેઈન ભરેલું હોવાથી બીજો પણ ઘણો સામાન પડ્યો હતો. જેથી બોટમાં ઉંડાણપૂર્વક સર્ચ કરવામાં આવ્યું. બોટમાં તમામ જગ્યાએ તપાસ કરી પરંતુ ડ્રગ્સ ન મળ્યું. મોટર રૂમમાં નજર નાંખી ને…
ડ્રગ્સ ન મળતા ATSની ટીમ થોડી નિરાશ થઈ પણ બાતમી પાક્કી હતી એ વાત પર તેઓ મુસ્તાક હતા. બરાબર આ જ સમયગાળામાં મોટર રૂમમાં નજર નાંખી ને આખા ઓપરેશનનો આશય હાથવેંત જ દૂર લાગ્યો. મોટર રૂમમાંથી મોટી થેલી મળી આવી અને તેમાં નજર નાંખી તો અંદર અલગ અલગ પેકેટ પડ્યા હતા. પેકેટ ખોલીને ચેક કરતા અંદરથી ડ્રગ્સ મળ્યું
આ પેકેટ ખોલીને ચેક કરતા અંદરથી ડ્રગ્સ મળી આવ્યું હતું.કોકેઈન ભરેલા કુલ 6 થેલા હતા. તેમાંથી 5 થેલા જ મળી આવ્યા.આ સાથે જ ડ્રગ્સ લઈને આવેલા જુમા નાસીર ઓમાર નામના એક નાઇજિરિયન શખ્સની અટકાયત કરી હતી. 10 કરોડનું એક એવા 115 પેકેટ મળ્યા
ATSએ ગણતરી કરતા કોકેઈન ભરેલા 115 જેટલા પેકેટ(1 પેકેટ લગભગ 10 કરોડનું) મળી આવ્યા. જેમાં 118 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો હતો.FSLની મદદથી ક્યા પ્રકારનું ડ્રગ્સ છે તે તપાસ કરવામાં આવી હતી ત્યારે આ કોકેઇન હોવાનું સામે આવ્યું. 26 મેના રોજ સમગ્ર દિવસ દરમિયાન ડ્રગ્સ કબ્જે કરી ગણતરી કરવાના આવી અને FSLનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 26મીની મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. ત્યાર બાદ 27મી મેના રોજ આ ઓપરેશન અંગે મીડિયાને માહિતી આપવામાં આવી. આ અંગે ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડ્રગ્સની બોટ 2025ના નવેમ્બરમાં રવાના થઈ હતી. જે અલગ અલગ દેશોમાં ફરીને ગુજરાતના દરિયે પહોંચી હતી. ATS પાસે અગાઉથી જ ડ્રગ્સ આવવાનું છે તે અને ડિલિવરી કોણ લેવાનું છે તેની માહિતી હતી. જેથી બીજી ટીમે દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી ડિલિવરી લેનાર બે શખ્સની ધરપકડ કરી. આ બંનેને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ડ્રગ્સ સાથે ઝડપાયેલો વ્યક્તિ નાઇજિરિયન છે. જ્યારે દિલ્હીમાં ડિલિવરી લેનાર બંને શખ્સ કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સ યુગાન્ડા અને તાન્ઝાનિયાના નાગરિકો છે. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. બોટમાં કૂદી ગયેલા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત ડ્રગ્સનો કેટલોક જથ્થો દરિયામાં ફેકી દીધો હોવાની શંકા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →