'ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે':'છ મહિનાથી રોડ બંધ, કોર્પોરેટરો આવતા જ નથી', વરસાદમાં કેડ સમાં પાણી ને રસ્તાઓ બિસ્માર; ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં રોષ

Gujarat4/6/2026, 12:30:00 AM
'ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે':'છ મહિનાથી રોડ બંધ, કોર્પોરેટરો આવતા જ નથી', વરસાદમાં કેડ સમાં પાણી ને રસ્તાઓ બિસ્માર; ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં રોષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો અમદાવાદમાં મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 42 ઇન્દ્રપુરીના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક કિરણભાઈએ કહ્યું, ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે, જ્યારે ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, છ મહિનાથી આ રોડ બંધ છે, કોર્પોરેટરો આવતા જ નથી. વરસાદમાં રોડ પર કેડ સમાં પાણી ભરાય છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પીડાય છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં, ટ્રાફીકની સમસ્યા વોર્ડ નં. 42માંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મોટા ભાગના લોકો ત્યાંથી મુસાફરી કરતા હોય છે. પરંતુ આ વોર્ડના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, સીટીએમ મિલ, ગાય સર્કલ, સુરેલીયા સર્કલ, બરોડા એક્સપ્રેસ હાઈવે અને રાજેન્દ્ર ચાર રસ્તા વગેરે વિસ્તારો આવેલા છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે જાણીએ વોર્ડ નં.42ના લોકોએ ઇન્દ્રપુરી વોર્ડ વિશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શું જણાવ્યું. 'ક્યાંય ફૂટપાથના ઠેકાણા નથી, રોડ-રસ્તાના ઠેકાણા નથી' ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિંઘલએ વધુમાં કહ્યું કે, લગભગ એકાદ વર્ષ પહેલાં આ CTM ચાર રસ્તા બંધ કરવામાં આવ્યા હતા ત્યારે સફિન હસનને અમે મળ્યા હતા. મેં કહ્યું હતું કે, આ ચાર રસ્તા બંધ કરો છો, બે ઓવરબ્રિજ છે, તંત્રની બેદરકારીના કારણે આ તમે ચાર રસ્તા બંધ કરી રહ્યા છો. તેઓએ ત્યારે મને એવું આશ્વાસન આપ્યું હતું કે, રાજુભાઈ, મને ચાર રસ્તા બંધ કરવા દો, હું તમારું CTM ચાર રસ્તા જંક્શન બનાવી દઈશ. અત્યારે જોઈ શકો છો ચાર રસ્તા પર ક્યાંય ફૂટપાથના ઠેકાણા નથી, રોડ-રસ્તાના ઠેકાણા નથી. 'વરસાદ પડવાથી રોડ પર કેડ સમાં પાણી ભરાય છે' સિંઘલએ વધુમાં જણાવ્યું કે, હાલ આપણે જે જગ્યાએ ઉભા છીએ તે જગ્યાએ છ મહિના પહેલા ભુવો પડ્યો હતો. એ છ મહિનાથી ભુવો પડેલો છે, હજુ સુધી એનું પુરાણ કરવામાં આવતું નથી. રોડ રસ્તા બંધ છે. આ જ રોડ પર વરસાદ પડવાથી કેડ સમાં પાણી ભરાઈ જાય છે. 'કુશાભાઉ ઠાકરે હોલની અંદર છતમાંથી પાણી ટપકે છે' કુશાભાઉ ઠાકરે હોલ વિશે રાજેન્દ્ર સિંઘલએ જણાવ્યું કે, થોડાક આગળ જાઓ તો ગાય સર્કલની આગળ કુશાભાઉ ઠાકરે હોલ છે. જે હોલની અંદર ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. છેલ્લા એક વર્ષથી હું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં લખું છું કે સાહેબ, આ હોલની અંદર દરવાજાના ઠેકાણા નથી. ઉપર છતમાંથી પાણી ટપકે છે. અંદર પાણી ભરાઈ જાય છે. પાર્કિંગની અંદર ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી. 'ડ્રેનેજની સમસ્યા તો અપરંપાર, પીવાનું પાણી મળતું નથી' સિંઘલે જણાવ્યું હતુ કે, સુરેલિયા રોડ ઉપર અત્યારે હાલ ચોમાસામાં કેડ સમાં પાણી ભરાઈ જાય છે. લોકોને હાલ પીવાનું પાણી મળતું નથી અને જે મળે છે તે ગંદુ આવી રહ્યું છે. ડ્રેનેજની સમસ્યા તો અપરંપાર છે. CTM ચાર રસ્તાથી કેનાલ સુધીમાં કોર્પોરેશને 10 જગ્યાએ ખોદકામ કર્યું છે. એક મહિનાથી આ લોકો ખોદીને પાછા પૂરે છે અને બીજે ખોદે છે. 'ભાજપના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે મત મળતા નથી' રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, કોર્પોરેટરોમાં એક કોર્પોરેટર તો એક્સપાયર થઈ ગયા છે. બાકીના ત્રણમાંથી એક પણ કોર્પોરેટર અહીં આવતા નથી. આ લોકો ભાજપના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે એમને મત મળતા નથી. જો સેવા જ કરી રહ્યા હોય, તો અમે કોંગ્રેસના કાર્યકરો સેવા કરીએ છીએ. ઇન્દ્રપુરી વોર્ડમાં ક્યારેય કોંગ્રેસ જીતી નથી, છતાં છેલ્લા 30 વર્ષથી અમે પ્રજાની સાથે છીએ અને પ્રજાની વચ્ચે જ છીએ. 'આંગણવાડી 4 વર્ષથી બંધ હાલતમાં છે' વધુમાં રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, ઇન્દ્રપુરી વોર્ડમાં તમને કોઈ ડેવલપમેન્ટ દેખાશે જ નહીં. પુલ નીચે શાકભાજીની લારીઓ વાળા ઉભા છે, એમના માટે અમે માંગણી કરી છે કે ખુલ્લો પ્લોટ પડ્યો છે ત્યાં શાક માર્કેટની વ્યવસ્થા કરી આપો, પણ એ કરવામાં આવતું નથી. આ સિવાય ઇન્દ્રપુરી વોર્ડમાં એક આંગણવાડી બનાવેલી છે જે લગભગ 4 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યાં મારી હાઈટ સમાન ઘાસ ઉગી ગયું છે અને અંદર દારૂ-જુગાર જેવા ધંધા ચાલે છે. 'ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે' સ્થાનિક કિરણભાઈએ જણાવ્યું હતું કે, અમારા ઇન્દ્રપુરીમાં એક સ્વિમિંગ પૂલ અને એક લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. જે અહીં સીટીએમ ચાર રસ્તાથી ફક્ત 20 ફૂટના અંતરે આવેલ છે અત્યારે એની હાલત મૃતપાય હાલતમાં છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સંપર્ક કર્યો, પણ તેને વાત ના કરી આ અંગે દિવ્ય ભાસ્કરે ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર કૌશિક ભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ વાત કરવા બાબતે બહાના બનાવ્યા હતા અને દિવ્ય ભાસ્કર સાથે કોઈ વાત કરી ન હતી.
Read Original Article →