અમદાવાદમાં ‘છાશવાલે’ના કાજુ અંજીર મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળ્યું:ગ્રાહકના વીડિયો બાદ ફૂડ વિભાગ એક્શનમાં, દસક્રોઈ પ્રોડક્શન હાઉસ સુધી તપાસ લંબાઈ
અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ખાણીપીણીની બ્રાન્ડ્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના પોલિટેકનિક ચાર રસ્તા પાસે, IIM રોડ પર આવેલા જાણીતા આઉટલેટ 'છાશવાલે' માંથી ખરીદાયેલા મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે AMCના ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને રૂ. 25,000ની પેનલ્ટી ફટકારી છે તેમજ પ્રોડક્શન યુનિટ સામે પણ તપાસના આદેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં
મળતી માહિતી મુજબ, એક જાગૃત ગ્રાહકે IIM રોડ પર આવેલા છાશવાલેના આઉટલેટમાંથી 'કાજુ અંજીર મિલ્કશેક' ખરીદ્યો હતો. આ મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળતા ગ્રાહકે તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને બ્રાન્ડની ક્વોલિટી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, ગ્રાહકે આ મિલ્કશેક 15 મેના રોજ ખરીદ્યો હતો અને તેનો વીડિયો 22 મેના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતા જ ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક સક્રિય થઈ હતી અને આઉટલેટ પર દરોડા પાડ્યા હતા. દસક્રોઈ સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ તપાસ થશે
આ મામલે સત્તાવાર માહિતી આપતા ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, "વાયરલ વીડિયોના આધારે અમારી ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે IIM રોડ સ્થિત છાશવાલે આઉટલેટ પર તપાસ હાથ ધરી હતી અને હલકી ગુણવત્તા બદલ રૂ. 25,000ની પેનલ્ટી વસૂલ કરી છે. આ બ્રાન્ડનું પ્રોડક્શન હાઉસ (મેન્યુફેક્ચરિંગ યુનિટ) અમદાવાદ જિલ્લાના દસક્રોઈ ખાતે આવેલું હોવાથી, અમે જિલ્લા ફૂડ વિભાગના અધિકારીઓને પણ ત્યાં કડક તપાસ કરવા માટે લેખિત જાણ કરી દીધી છે." ગ્રાહકોના આરોગ્ય સામે જોખમ
અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં બ્રાન્ડેડ આઉટલેટ્સમાં મોંઘા ભાવે મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી વારંવાર જીવજંતુઓ કે અખાદ્ય પદાર્થો નીકળવાની ઘટનાઓથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. AMC ફૂડ વિભાગે આગામી દિવસોમાં પણ આવી તમામ નામી-અનામી બ્રાન્ડ્સ પર કડક ચેકિંગ ચાલુ રાખવાની ચીમકી આપી છે.
Read Original Article →