અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કાળા વાવટા ફરકાવી વિરોધ:IIMના કાર્યક્રમમાં આવેલા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ; NEET પેપર લીક મુદ્દે NSUI લાલઘૂમ

Gujarat5/14/2026, 9:34:32 AM
અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કાળા વાવટા ફરકાવી વિરોધ:IIMના કાર્યક્રમમાં આવેલા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ; NEET પેપર લીક મુદ્દે NSUI લાલઘૂમ
દેશભરમાં NEET પરીક્ષા પેપર લીકને લઈને લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની આજની અમદાવાદની મુલાકાત દરમિયાન વિવાદના દૃશ્યો જોવા મળ્યા હતા. પેપર લીક કાંડ બાદ મંત્રીની આ મુલાકાતને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી, છતાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી મળતા તંત્ર સતર્ક થઈ ગયું હતું અને મંત્રીના કાફલાને રોકવા આવેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ગુપ્ત કાર્યક્રમ છતાં NSUIને ખબર પડી ગઈ સામાન્ય રીતે કેન્દ્રીય શિક્ષણમંત્રીના કાર્યક્રમની વિગતો મીડિયામાં જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ NEET પેપર લીક વિવાદના પગલે આ વખતે કાર્યક્રમને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે અમદાવાદમાં IIM ખાતે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જોકે, આ કાર્યક્રમની જાણ થતા જ NSUIના કાર્યકરો સક્રિય થઈ ગયા હતા અને તેમણે મંત્રીનો વિરોધ કર્યો હતો. કાળા વાવટા સાથે કાફલો રોકવાનો પ્રયાસ મંત્રીના આગમન પહેલા જ IIMની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કાફલો IIM અમદાવાદના ગેટ પરથી બહાર નીકળ્યો, ત્યારે અચાનક જ NSUIના કેટલાક કાર્યકર્તાઓ કાળા વાવટા અને કાળા કપડાં પહેરીને રસ્તા પર આવી ગયા હતા. તેમણે મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલા જ તૈનાત પોલીસે તાત્કાલિક પહોંચીને તમામ NSUI કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. "શિક્ષણમંત્રી રાજીનામું આપે": NSUI પ્રદેશ મહામંત્રીનો આક્ષેપ આ વિરોધ પ્રદર્શન અંગે ગુજરાત NSUIના પ્રદેશ મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "NEETની પરીક્ષાનું પેપર લીક થયું હોવાથી અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે અમે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરીએ છીએ. આ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક ધર્મેન્દ્ર પ્રધાન અને તેમના મળતિયાઓની સંડોવણી અથવા સેટિંગ હોય એવું લાગી રહ્યું છે, જેની નૈતિક જવાબદારી સ્વીકારી તેમણે તુરંત પદ પરથી હટી જવું જોઈએ." વિદ્યાર્થીઓમાં ભારે રોષ NEET પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ મુકાયું છે. વિદ્યાર્થી પાંખ દ્વારા આ મામલે શિક્ષણ વિભાગની કામગીરી સામે સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આજના વિરોધ પ્રદર્શને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં શિક્ષણ તંત્ર પ્રત્યે ભારે રોષ અને અવિશ્વાસની લાગણી છે. NEET કેસમાં અત્યાર સુધીમાં 7ની ધરપકડ NEET પેપર લીક કેસની તપાસ હવે વેગવંતી બની છે અને અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી 3-3 જ્યારે હરિયાણામાંથી 1 આરોપી ઝડપાયો છે. મહારાષ્ટ્રમાં CBI દ્વારા તાજેતરમાં પુણેથી બ્યુટિશિયન મનીષા વાઘમારે અને અહિલ્યાનગરથી 26 વર્ષીય ધનંજય નિવૃત્તિ લોખંડેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ અગાઉ 12 મેના રોજ નાસિકથી શુભમ ખૈરનાર (30) ને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બીજી તરફ, રાજસ્થાનમાંથી સીકરના કન્સલ્ટન્સી સંચાલક રાકેશ મંડાવરિયા તથા પેપર ખરીદીને વેચનારા બે ભાઈઓ દિનેશ બિવાલ અને માંગીલાલ બિવાલને પકડવામાં આવ્યા છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના મતે, આ કૌભાંડમાં લગભગ એક હજાર જેટલા ઉમેદવારો સુધી પેપર પહોંચ્યું હોવાની આશંકા છે. આ સિવાય, હરિયાણાના ગુરુગ્રામમાંથી BAMS પ્રથમ વર્ષના વિદ્યાર્થી યશ યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →