હિન્દુ ધર્મ આચાર્ય સભાનું નવમું અધિવેશન બેંગ્લોરમાં:સનાતન ધર્મના સંરક્ષણ અને એકતા પર સંતોનું મંથન
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ માટે કાર્યરત 'હિન્દુ ધર્મ આચાર્ય સભા'નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે સંપન્ન થયું. આ અધિવેશનનું યજમાનપદ આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા ધર્મગુરુ પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજે સંભાળ્યું હતું.આર્ષ વિદ્યામંદિરના સુપ્રસિદ્ધ સંત સ્વામી દયાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સ્થાપિત આ સભામાં ભારતભરના 200 વર્ષથી પણ વધુ જૂના વિવિધ સંપ્રદાયોના આશરે 90 જેટલા મૂર્ધન્ય ધર્માચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.વર્તમાનમાં આ સભાના સંરક્ષક તરીકે રમણ રેતી વૃંદાવનના સંત કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજ માર્ગદર્શન આપી રહ્યા છે. અધ્યક્ષ સ્થાને પંચદશનામ જુના અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર અવધેશાનંદજી મહારાજ અને કન્વીનર તરીકે આર્ષ વિદ્યામંદિર રાજકોટના અધ્યક્ષ પરમાત્માનંદજી મહારાજ સેવા આપી રહ્યા છે. આ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વી.એચ.પી.ના અધ્યક્ષ આલોકજી પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાંથી જામનગરના પ્રણામી સંપ્રદાયના વડા કૃષ્ણમણીજી મહારાજ, SGVP ના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશલાલજી મહારાજ (ચંપારણ્ય પીઠ) અને સંતપંથ પ્રેરણાધામના અધ્યક્ષ સ્વામી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ – સન્યાસ આશ્રમ અમદાવાદ જેવા સંતોએ હાજરી આપી હતી.અધિવેશનમાં અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી. જેમાં નવી શિક્ષણ નીતિનું શાળા-કોલેજોમાં અસરકારક અમલીકરણ અને દેશભરના લાખો મઠ-મંદિરોની સરકારી નિયંત્રણ હેઠળની સંપત્તિને મુક્ત કરાવવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી.સંમેલનમાં 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મની અભિનેત્રીઓ અને લવ જેહાદનો ભોગ બનેલી બહેનોએ પોતાની આપવીતી રજૂ કરી હતી. આ ઘટના બાદ હિન્દુ દીકરીઓની સુરક્ષા અને ઘરવાપસી જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ કરવાનો નિર્ધાર કરાયો.ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના તમામ ધર્માચાર્યોએ પોતાના વ્યક્તિગત પ્રોટોકોલને બાજુ પર મૂકીને એકસૂત્રતા સાધી હતી. આ સભા હિન્દુ સમાજને સંગઠિત કરવા અને રાષ્ટ્રીય સમસ્યાઓના નિરાકરણ માટે ફળદાયી રહી.આદિ ચૂનચૂનગિરિ મઠના સંન્યાસીઓ, ઋષિકુમારો, સ્વયંસેવકો તથા આર્ષ વિદ્યામંદિરના સંન્યાસીઓ અને સંન્યાસીનીઓએ આ અધિવેશનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
Read Original Article →