ટાટા કેમિકલ દ્વારા જામનગર મરીન સેન્ચ્યુરીમાં કેમિકલ વેસ્ટ છોડવાનો મામલો:હાઈકોર્ટના તાત્કાલિક ધોરણે કેમિકલ વેસ્ટ દરિયામાં છોડતા બંધ કરાવવા નિર્દેશ, ઓથોરિટીએ કહ્યું મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી

Gujarat5/25/2026, 6:35:00 PM
ટાટા કેમિકલ દ્વારા જામનગર મરીન સેન્ચ્યુરીમાં કેમિકલ વેસ્ટ છોડવાનો મામલો:હાઈકોર્ટના તાત્કાલિક ધોરણે કેમિકલ વેસ્ટ દરિયામાં છોડતા બંધ કરાવવા નિર્દેશ, ઓથોરિટીએ કહ્યું મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી
ગુજરાત હાઈકોર્ટે જામનગર મરીન સેન્ચ્યુરીમાં ખુલ્લી નહેરો દ્વારા ગેરકાયદેસર કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી ઠલવવા બદલ ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગ, જામનગરના કલેક્ટર અને ઓથોરિટીના અહેવાલને આધારે કોર્ટે ગંભીર નોંધ લેતા નોંધ્યું હતું કે, કંપનીએ કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી છે. આ મામલે હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને કલેક્ટરને ઉદ્યોગ બંધ કરવા સહિતના કડક પગલાં લેવા તેમજ 3 મહિનામાં પર્યાવરણને થયેલા નુકસાનનું આકલન કરી કંપની પાસેથી વળતર વસૂલવામાં આવે અને ત્રણ અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવાના આદેશ આપ્યા છે. શું છે સમગ્ર મામલો? દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લિમિટેડ વર્ષ 1939થી સોડા એશ અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ખુલ્લી નહેરો થકી ઔદ્યોગિક પ્રદૂષિત પાણી અને કેમિકલ વેસ્ટ દરિયાના ઇન્ટર-ટાઈડલ ઝોનમાં છોડવામાં આવતું હતું. 1982માં સરકાર દ્વારા આ દરિયાઈ વિસ્તારને મરીન સેન્ચ્યુરી જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને જામનગરના કલેક્ટર દ્વારા કંપનીના આ વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડવાના હક્કને નકારી કાઢતા અને તેને ગેરકાયદેસર દબાણ ગણાવતો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. જેના વિરૂદ્ધમાં ટાટા કેમિકલ્સે વર્ષ 2006માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 1982 પહેલાથી આ હક્ક ધરાવતા હોવાનો કંપનીનો દાવો કંપનીનો દાવો હતો કે, તેઓ 1962-63થી આ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને 1982 પહેલાથી આ હક્ક ધરાવે છે. વળી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્ધારિત માપદંડો મુજબ જ પાણી છોડવામાં આવતું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફિ દ્વારા સહમત રીતે કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જેનો નિકાલ કચ્છના અખાતમાં કરવામાં આવતો હતો. ત્યાં આવેલી પાઈપોને રિપેર કરવા અને નવી નાખવા તેઓને મંજૂરી આપવામાં આવે. 3.75 કિમીની પાઈપલાઈન ડાયવર્ટ કરવા તેઓએ 1.12 કરોડ ઓથોરિટી સમક્ષ પણ જમા કરાવ્યા છે. મોટા ભાગનું કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે મે 2026 સુધીમાં કાર્યરત થઈ જશે. વર્ષ 2010થી સ્ટેટ્સ કવો જાળવવામાં આવ્યો હતો. 'પાઈપલાઈન અને ડિફ્યુઝર સિસ્ટમ નાખવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો' કેસની વિલંબિત પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર સરકારના 2011ના નવા નિયમો મુજબ સોડા એશ ઉદ્યોગો માટે ખુલ્લામાં પાણી છોડવાના ધોરણો બદલાયા. આથી ટાટા કેમિકલ્સે ઊંડા દરિયામાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે બંધ પાઈપલાઈન અને ડિફ્યુઝર સિસ્ટમ નાખવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો જેને તમામ સંબંધિત સરકારી વિભાગો તરફથી મંજૂરીઓ મળી ચૂકી છે. આ પાઈપલાઈનનું કામ મે, 2026ના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. 'કંપનીએ 100 હેક્ટર જમીનમાં કચરો અને પ્રદૂષિત પાણી છોડી દબાણ કર્યું' વન વિભાગ અને કલેક્ટરના જણાવ્યા મુજબ 1982ના જાહેરનામા બાદ ટાટા કેમિકલ્સે કોઈ કાયદેસર હક્ક દાવો કર્યો નહોતો. કંપનીએ પોતાની માલિકીની જમીનની બહાર સરકારી અને અભ્યારણ્યની આશરે 100 હેક્ટર જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી છોડીને મોટું દબાણ કર્યું હતું. પ્રદૂષિત પાણીના સતત નિકાલને કારણે આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર વેરાન બની ગયો હતો. દરિયામાં કચરો નાંખી મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી દેવાઈ હાઈકોર્ટે આ બાબતે કેમિકલ યુક્ત પાણી મરીન સેન્ચ્યુરીને નુકસાન કરે છે કે કેમ તેનો સ્વતંત્ર અહેવાલ પણ મંગાવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, 15 કરતા વધુ વર્ષથી દરિયામાં ગેરકાયદેસર ડિસ્ચાર્જ કરવામાં આવતું હતું. કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખવામાં આવી છે. ટાટા કેમિકલ દબાણકર્તા અને પર્યાવરણને નુકસાનકર્તા છે. તેને પર્યાવરણને નુકસાન કરવા બદલ વળતર ચૂકવવાનું રહેશે. તેને શા માટે સાવચેતીના પગલાં લીધા નહોતા? 'પર્યાવરણના નુકસાનનું વળતર કંપની પાસેથી વસૂલવામાં આવે' કોર્ટે નોંધ્યું હતું કે, કંપની વર્ષો સુધી કોર્ટના વચગાળાના આદેશોની આડમાં આ સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડતી રહી છે. કોર્ટે GPCBને આદેશ આપ્યો છે કે, તેઓ નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની નાજુક પર્યાવરણ વ્યવસ્થાને થયેલા નુકસાનનું 3 મહિનામાં આકલન કરાવે. તેનું વળતર કંપની પાસેથી વસૂલવામાં આવે. ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં GPCBને આદેશ જ્યાં સુધી નવી બંધ પાઈપલાઈન સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી આ વિસ્તારના પર્યાવરણને વધુ નુકસાન થતું અટકાવવા માટે ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં તાત્કાલિક લેવા માટે GPCBને નિર્દેશ આપવામાં આવ્યા છે. આમ મરીન સેન્ચ્યુરીને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે. તે માટે કલેક્ટર અને GPCB તાત્કાલિક કડક પગલાં ભરે. જેનો રિપોર્ટ 3 અઠવાડિયામાં હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવે. આ દરમિયાન ટાટા કેમિકલે કોર્ટના હુકમ સામે અપીલમાં જવા સ્ટેની માંગ કરી હતી, જેને નકારી દેવાતા વધુ કાર્યવાહી 17 જૂનના રોજ રાખવામાં આવી છે.
Read Original Article →