બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 132મી પૂણ્યતિથિ:એચ.એ.કોલેજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 8 એપ્રિલે ભારતના સાહિત્ય સમ્રાટ અને 'વંદે માતરમ્' ગીતના રચયિતા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 132મી પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી કલેક્ટર તરીકે સરકારી સેવામાં હોવા છતાં તેમણે ભારતની આઝાદી માટે સાહિત્યનું સર્જન કર્યું હતું. તેમની જગવિખ્યાત નવલકથા 'આનંદમઠ'માં 'વંદે માતરમ્' ગીતનો ઉલ્લેખ નોંધપાત્ર છે. 'વંદે માતરમ્' ગીત ભારતમાતાની પ્રશંસા કરતું ભવ્ય વર્ણન રજૂ કરે છે અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. તેમના સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ, ભવ્ય વારસો, ઇતિહાસ અને દેશ પ્રત્યેનો ઊંડો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળે છે. સાહિત્ય સમ્રાટ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના અંતે કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. મહેશ સોનારાએ કર્યું હતું.
Read Original Article →