એચ.એ. કોલેજનું વાર્ષિક મેગેઝીન 'ઉર્જા' પ્રગટ:સુધીર નાણાવટીએ કહ્યું, "મેગેઝીન સંસ્થાનું દર્પણ છે."
ગુજરાત લો સોસાયટી (GLS) સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા વાર્ષિક મેગેઝીન “ઉર્જા” પ્રગટ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીર નાણાવટીએ કોલેજ મેગેઝીનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કોઈપણ કોલેજનું વાર્ષિક મેગેઝીન તેનું દર્પણ હોય છે. નાણાવટીએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓ, સંસ્થાની સિદ્ધિઓ, વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોના મૌલિક લેખો તેમાં પ્રકાશિત થાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોલેજ મેગેઝીન માત્ર ડેટા કલેક્શન નથી, પરંતુ તે સંસ્થાની અધિકૃત દસ્તાવેજ અને તેની આરસી છે. એચ.એ. કોલેજ વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સેવાકીય, સાંસ્કૃતિક, રમતગમત તથા સ્ટડી સર્કલનું આયોજન કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરે છે. દર વર્ષે એચ.એ. કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં રેન્ક મેળવી કોલેજનું નામ રોશન કરે છે. છેલ્લા ૧૧ વર્ષથી રાષ્ટ્રીય મેગેઝીનો જેવા કે ઇન્ડિયા ટુડે, આઉટલુક તથા ધી વીકના સર્વેમાં દેશની શ્રેષ્ઠ કોલેજોમાં એચ.એ. કોલેજની પસંદગી થતી રહી છે. આ સિદ્ધિઓ બદલ સુધીર નાણાવટીએ કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કોલેજના ભવ્ય ઇતિહાસ અને વારસાને યાદ કરીને જણાવ્યું કે કોલેજ ૭૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ સંદર્ભે તેમણે કોલેજના પૂર્વ પ્રિન્સિપાલો, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને યાદ કરી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, કોલેજની પ્રવૃત્તિઓ તથા સિદ્ધિઓ મેળવવામાં જીએલએસ મેનેજમેન્ટ તથા સુધીરભાઈ નાણાવટીનો સિંહફાળો છે.
Read Original Article →