ફિલ્મમાં રોલ અપાવવાનું કહી સગીરા પર દુષ્કર્મ આચરવાનો મામલો:ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરની જામીન અરજી રદ, કોર્ટે કહ્યું- આ કાસ્ટિંગ કાઉચનો કિસ્સો

Gujarat6/10/2026, 11:05:38 AM
ફિલ્મમાં રોલ અપાવવાનું કહી સગીરા પર દુષ્કર્મ આચરવાનો મામલો:ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરની જામીન અરજી રદ, કોર્ટે કહ્યું- આ કાસ્ટિંગ કાઉચનો કિસ્સો
ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર જયેશ તંબોલિયા સામે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં પોક્સ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીરાને ફિલ્મ રોલ અપાવવાનું કહી બે વર્ષ સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસમાં ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આ કાસ્ટિંગ કાઉચનો કિસ્સો છે. આરોપીની સંડોવણી દેખાઈ રહી છે. જો જામીન મળે તો પુરાવા સાથે ચેડા થઈ શકે અને સાક્ષીઓને ડરાવી શકે છે. કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. કથિત ગુનામાં ખોટી રીતે ફસાવ્યાની અરજદારની રજૂઆત અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તે નિર્દોષ છે અને તેમને આ કથિત ગુનામાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ફરિયાદ ખૂબ જ મોડી નોંધાવવામાં આવી છે. કથિત ઘટનાના 2 વર્ષના ગાળા દરમિયાન ભોગ બનનારે આ અંગે કોઈ જ વાત કરી નહોતી. આરોપીની ઓફિસ કે આસપાસના રહીશોમાંથી કોઈ પણ સાક્ષીઓનું નિવેદન પોલીસ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું નથી. આરોપીની સંડોવણી દર્શાવતો કોઈ મજબૂત પુરાવો કે કોલ ડિટેઇલ રેકોર્ડ તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવ્યા નથી. જમીન વિવાદના કારણે જ ભોગ બનનારની માતાએ આ ખોટી ફરિયાદ નોંધાવી છે. આરોપી ઓક્ટોબર, 2025 થી જેલમાં હોવાથી જામીન આપવા વિનંતી કરાઈ હતી. ઓડિશનના બહાને ઓફિસ પર બોલાવી શારીરિક શોષણ કર્યું સામે સરકાર અને મૂળ ફરિયાદી વતી દલીલ કરાઈ હતી કે, ગુના સમયે ભોગ બનનાર 15 વર્ષ અને 10 મહિનાની સગીર છોકરી હતી. આરોપી ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર હોવાથી, તેમણે ભોગ બનનારને ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી ઓડિશનના બહાને ઓફિસે બોલાવી હતી. ત્યાં તેને છેતરીને કેફી પદાર્થ પીવડાવી અર્ધબેભાન અવસ્થામાં લાવી છેલ્લા 2 વર્ષથી વારંવાર તેનું શારીરિક શોષણ કરી દુષ્કર્મ ગુજારતો હતો. ભોગ બનનાર સગીર હોવાથી અને ડરી ગઈ હોવાના કારણે તે લાંબો સમય મૌન રહી હતી, જેથી ફરિયાદમાં વિલંબ થયો છે. મેડિકલ ઓફિસર સમક્ષ આપેલી હિસ્ટ્રી અને ભોગ બનનારના નિવેદનથી આરોપીની સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આરોપી સમાજમાં વગદાર અને આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ હોવાથી જો તેને જામીન આપવામાં આવશે, તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને સાક્ષીઓને ડરાવી શકે છે. આ કાસ્ટિંગ કાઉચનો કિસ્સો- કોર્ટ કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનારનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયું છે. જેમાં તેણે તમામ હકીકતો દોહરાવી છે. પ્રથમ દ્રષ્ટિએ આ કેસ લાલચ આપીને અને કેફી પદાર્થ પીવડાવીને કરાયેલા ગંભીર પ્રકારના જાતીય શોષણનો છે. કોર્ટે આ કેસને સ્પષ્ટપણે કાસ્ટિંગ કાઉચનો કિસ્સો ગણાવ્યો છે. જો પોલીસે આસપાસના લોકોના નિવેદનો કે CDR એકત્ર ન કર્યો હોય, તો તેને તપાસની ખામી ગણી શકાય, પરંતુ આરોપી આ ખામીનો અયોગ્ય લાભ ઉઠાવીને જામીન મેળવી શકે નહીં. શક્ય હોય તો 6 મહિનામાં ટ્રાયલ ચલાવવા આદેશ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં જ્યાં સગીર વયની બાળકીનું ભવિષ્ય જોડાયેલું હોય અને ગુનો સતત ચાલતો રહ્યો હોય, ત્યાં ફરિયાદ મોડી નોંધાવાને કારણે કેસ નબળો પડતો નથી. કોર્ટે જણાવ્યું હતું કે માત્ર ચાર્જશીટ ફાઇલ થઈ જવાથી ગુનાની ગંભીરતા ઓછી થઈ જતી નથી. આવા કિસ્સાઓ જે સમાજના અંતરાત્માને હચમચાવી મૂકે છે, ત્યાં વ્યક્તિગત આઝાદી કરતાં સામાજિક સુરક્ષા અને ચિંતાને પ્રાધાન્ય આપવું અનિવાર્ય બને છે. આરોપી વગદાર હોવાથી સાક્ષીઓને પ્રભાવિત કરવાની કે પુરાવા સાથે ચેડાં કરવાની પૂરેપૂરી શક્યતા છે. આરોપીની જામીન અરજી નકારી નાખવાના આદેશ સાથે જ કોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસની સુનાવણી ઝડપથી ચલાવીને શક્ય હોય ત્યાં સુધી 6 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવા આદેશ કર્યો છે.
Read Original Article →