ગુજરાત વિદ્યાપીઠમાં યુજી-પીજી કોર્સમાં પ્રવેશની બીજી તક:ખાલી પડેલી 369 બેઠક માટે 23 મેએ પરીક્ષાનું આયોજન, 250 વિદ્યાર્થીઓ અમદાવાદ કેન્દ્ર પર આપશે પરીક્ષા

Gujarat5/21/2026, 12:35:00 AM
ગુજરાત વિદ્યાપીઠમાં યુજી-પીજી કોર્સમાં પ્રવેશની બીજી તક:ખાલી પડેલી 369 બેઠક માટે 23 મેએ પરીક્ષાનું આયોજન, 250 વિદ્યાર્થીઓ અમદાવાદ કેન્દ્ર પર આપશે પરીક્ષા
ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક વર્ષ 2026 માટે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પ્રવેશ પ્રક્રિયાના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિવિધ વિદ્યાશાખાઓમાં કુલ 369 બેઠકો ખાલી રહી જતાં હવે આ બેઠકો માટે 23 મેના રોજ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ખાલી પડેલી તમામ બેઠકો પર પ્રવેશ પરીક્ષાના પરિણામના આધારે જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. બીજા તબક્કામાં 250થી વધુ વિદ્યાર્થીની પરીક્ષા ગુજરાત વિદ્યાપીઠમાં બીએ, બીકોમ, બીએસસી, એમએ, એમકોમ અને એમએસસી સહિતના વિવિધ યુજી અને પીજી કોર્સમાં પ્રવેશ માટે આ પરીક્ષા યોજવામાં આવશે. આ બીજા તબક્કામાં આશરે 250થી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદ કેન્દ્ર પરથી પરીક્ષા આપશે. જેથી ખાલી બેઠકો ઝડપથી ભરાઈ શકે અને શૈક્ષણિક સત્રમાં વિલંબ ન થાય તે માટે વિદ્યાપીઠે આયોજન ગોઠવ્યું છે. જો કે બીજા રાઉન્ડ બાદ પણ કેટલીક બેઠકો ખાલી રહેવાની છે. 628 વિદ્યાર્થીઓએ જ ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવ્યો શૈક્ષણિક વર્ષ 2026 માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં કુલ 1246 બેઠકો માટે જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકો માટે ગુજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એડમિશન ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં 900થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 875 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. પરંતુ અંતિમ તબક્કે માત્ર 628 વિદ્યાર્થીઓએ જ ફી ભરીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કર્યો હતો. પરિણામે વિવિધ વિદ્યાશાખાઓમાં 369 બેઠકો ખાલી રહી ગઈ હતી. હવે આ બેઠકો માટે બીજા તબક્કામાં ફરીથી પ્રવેશ પરીક્ષા યોજાઈ રહી છે. 48 શૈક્ષણિક કાર્યક્રમો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં ગ્રેજ્યુએશન લેવલના 8 કોર્સ માટે 270 બેઠકો, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના 20 કોર્સ માટે 690 બેઠકો, પીજી ડિપ્લોમાના એક કોર્સ માટે 20 બેઠકો અને પીએચડીના 16 વિષયો માટે 66 બેઠકોનો સમાવેશ થતો હતો. આ રીતે કુલ 48 જેટલા શૈક્ષણિક કાર્યક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 10 મેના રોજ રાજ્યભરના 28 કેન્દ્રો પર પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. હવે બીજા તબક્કાની પરીક્ષા ખાસ કરીને બાકી રહેલી બેઠકો ભરવા માટે યોજાઈ રહી છે. વિદ્યાપીઠ માટે આ તબક્કો મહત્વનો છે કારણ કે ખાલી બેઠકોને કારણે શૈક્ષણિક સંસાધનો અને કોર્સ ક્ષમતા પર અસર થતી હોય છે. તેથી યોગ્ય અને લાયક વિદ્યાર્થીઓને પસંદગી આપવા માટે ફરી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Read Original Article →