ABVPએ રસ્તો રોકતા પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી:NEET પેપર લીક મુદ્દે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ, NTAના ડિરેક્ટરના રાજીનામાની માગ

Gujarat5/15/2026, 12:05:30 PM
ABVPએ રસ્તો રોકતા પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી:NEET પેપર લીક મુદ્દે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ, NTAના ડિરેક્ટરના રાજીનામાની માગ
NEET પરીક્ષાનું પેપર લીક થયા બાદ આખી પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે 22 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને હવે ફરીથી પરીક્ષા આપવી પડશે. જેને લઈને દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો. NTAના ડિરેક્ટર રાજીનામું આપે અને હવે પછી પરીક્ષા યોગ્ય રીતે લેવામાં આવે તે માટે શિક્ષણ વિભાગ જવાબદારી સ્વીકારે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી. જો કે રસ્તાઓ રોકી વિરોધ કર્યા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ABVPએ NTA હાય હાય અને મુર્દાબાદના નારા લગાવી વિરોધ કર્યો NEET પરીક્ષા પેપર લીક મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને NTA હાય હાય અને મુર્દાબાદના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. NTAના ડિરેક્ટરના રાજીનામાની માગ કરી તેમજ પેપર લીક થવાની ઘટનામાં NTAની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી NTAના ડિરેક્ટરે રાજીનામું આપવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા જે પણ અઘિકારીઓ પેપર લિકની ઘટનામાં સામેલ હોય તો તેમની સામે કેસ દાખલ કરી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. રસ્તો રોકતા પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી જે બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રસ્તો રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જેથી પોલીસ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને હટાવવામાં માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ પણ રસ્તો રોકીને વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા ABVPના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને રસ્તા પરથી હટાવતા હટાવતા પોલીસને પરસેવો છૂટી ગયો હતો. 'દોષિતો કોણ છે અને ક્યાં રહે છે તેની પણ જાહેરાત કરવામાં આવે' અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પેપર લીક થવાના કારણે NEET પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે અત્યંત નિંદાજનક અને ઘોર અપરાધની ઘટના છે. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સતત પાછળ પડી જે પણ જવાબદાર લોકો છે તેમના સામે કેસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે. CBIને આ તપાસ સોંપવામાં આવી છે. જેથી અમારી સ્પષ્ટ માંગ છે કે જે પણ લોકો દોષિત સાબિત થાય તેમના સામે કાર્યવાહી કરવામાં આવે. તેમજ દોષિતો કોણ છે અને ક્યાં રહે છે તેની પણ જાહેરાત કરવામાં આવે. કારણ કે પેપર લીકની ઘટના અવારનવાર બની રહી છે. તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટરે રાજીનામું આપવું જોઈએ અને ચાલ્યા જવું જોઈએ. 'વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ રહી છે' વધુમાં દેવાંશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે પણ આ બાબતે પૂરતું ધ્યાન આપી દોષિતોને કડક સજા થાય તે માટે કામ કરવું જોઈએ. આટલી મોટી પરીક્ષા વિદ્યાર્થીઓનું અને દેશનું ભવિષ્ય નક્કી કરતી હોય છે. જેથી શિક્ષણ વિભાગે પણ રસ દાખવી જરૂરી પગલાં લેવા પડશે. પરીક્ષા રદ કર્યા બાદ ફરી પરીક્ષા લેવી પડે તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ રહી છે. પરંતુ પેપર લીક કઈ રીતે થાય છે અને પરીક્ષા કેમ રદ કરવી પડે છે તેના પર મંથન કરવું પડશે. તેમજ આગામી સમયમાં પેપર લીકની ઘટના ન બને તે બાબતે પૂરતું ધ્યાન આપવું પડશે.
Read Original Article →