ગુજરાત યુનિ.માં 30 કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ ખંડેર:ઓલિમ્પિક કક્ષાનો પૂલ 2018માં બનાવ્યા બાદ શરૂ જ કરાયો નહીં, NSUIએ કહ્યું- ચાલુ નહીં થાય તો આંદોલન કરીશું
અમદાવાદમાં ઉનાળાની આકરી ગરમીને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલો હાઉસફુલ છે અને બાળકો-યુવાનો એડમિશન માટે લાંબી રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની મોટી બેદરકારી સામે આવી છે. વર્ષ 2018માં અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ઓલિમ્પિક કક્ષાનો આધુનિક સ્વિમિંગ પુલ છેલ્લા સાત વર્ષથી વપરાશ વિના બંધ હાલતમાં છે. કરોડોનું આંધણ પણ વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અંદાજે 30 કરોડના ખર્ચે ઈન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, જેનો જ એક ભાગ આ 25x50 મીટરનો ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પુલ છે. આ પુલને ભરવા માટે 22 લાખ લીટર પાણીની ક્ષમતા અને અત્યાધુનિક ફિલ્ટ્રેશન સિસ્ટમ જેવી મોંઘી મશીનરી પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આઘાતજનક બાબત એ છે કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આજ દિન સુધી તેમાં એક પણ વાર પાણી ભરવામાં આવ્યું નથી કે કોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નથી. NSUIની આંદોલન અને ધરણાની ચીમકી
લાંબા સમયથી ઉપયોગ ન થવાને કારણે હવે આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનરી ખરાબ થઈ રહ્યા છે. આ મુદ્દે વિરોધ નોંધાવતા ગુજરાત NSUIના પ્રદેશ મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ્સ ફી લેવા છતાં તેમને સુવિધા આપવામાં આવતી નથી. રાજ્યમાં 2030માં ઓલિમ્પિકની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બનેલી સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે. જો આગામી 15 દિવસમાં આ સ્વિમિંગ પુલ શરૂ કરવામાં નહીં આવે, તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે. સત્તાધીશોનો બચાવ, વહીવટી પ્રક્રિયામાં વિલંબ
આ વિવાદ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કબૂલ્યું છે કે બન્યા પછી એક પણ વાર આ પુલનો ઉપયોગ થયો નથી. તેમણે આ વિલંબ પાછળના કારણો આપતા જણાવ્યું હતું કે , અત્યારે સ્ટાફના મહેકમની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. અગાઉ ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ તેનો કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો ન હતો. હાલમાં ભાઈઓ અને બહેનો માટે અલગ કોચ અને જરૂરી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી પ્રશાસને ખાતરી આપી છે કે આગામી એક મહિનામાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી સ્વિમિંગ પુલ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ કરવામાં આવશે. જોકે, વર્ષોથી વેડફાયેલા કરોડો રૂપિયા અને વિદ્યાર્થીઓના સમયનું નુકસાન હવે યુનિવર્સિટી માટે એક મોટો પ્રશ્નાર્થ બની ગયું છે.
Read Original Article →