ગુજરાત યુનિવર્સિટી શરાફી મંડળીનું આધુનિકીકરણ:તમામ સેવાઓ થઈ ઓનલાઇન

Gujarat4/7/2026, 10:04:28 AM
ગુજરાત યુનિવર્સિટી શરાફી મંડળીનું આધુનિકીકરણ:તમામ સેવાઓ થઈ ઓનલાઇન
માનનીય કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના વરદ હસ્તે ગુજરાત યુનિવર્સિટી કર્મચારી સહકારી શરાફી મંડળીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી અને ક્રેડિટ સોસાયટી તથા સ્પોર્ટ્સ ક્લબના પુનઃ નિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના કાયમી કર્મચારીઓમાં પરસ્પર સહકાર થકી બચતની ઉમદા ભાવના વિકસે એ હેતુથી તા.01/07/1972માં ગુજરાત યુનિવર્સિટી કર્મચારી સહકારી શરાફી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળી દ્વારા નિયમિત માસિક બચત, બે પ્રકારની લોન, વાર્ષિક ડિવિડન્ડ, ભેટ સોગાદ અને સભાસદોના બાળકોને શૈક્ષણિક પુરસ્કારો થકી નવાજવાનું ઉમદા કામ કરવામાં આવે છે. નેક એ ગ્રેડ ધરાવતી ગુજરાત યુનિવર્સિટીની ક્રેડિટ સોસાયટી પોતાના આર્થિક વ્યવહારો માટે એ ગ્રેડ ઓડિટ વર્ગ ધરાવે છે. જે પોતાની સન્માનજનક આર્થિક સ્થિતિ દર્શાવે છે. હાલના સમયમાં આર્થિક વ્યવહારોમાં અનેક નવોન્મેષ જોવા મળે છે ત્યારે છેલ્લા 54 વર્ષથી કાર્યરત ક્રેડિટ સોસાયટીએ પણ પોતાના તમામ આર્થિક વ્યવહારો અને કામગીરીને ડિજિટલ કરવા માટે વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીની ક્રેડિટ સોસાયટી અને સ્પોર્ટ્સ એન્ડ રિક્રીએશન ક્લબની ઑફિસનું રિનોવેશન કરી તેની સુવિધાઓમાં વધારો કરવામાં આવેલ છે. આ કર્મચારી કલ્યાણલક્ષી પ્રકલ્પોને તા.06/04/2026 સોમવારના રોજ સાંજે 5 વાગ્યે સેનેટ હોલ ખાતે ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા અને કા. કુલસચિવ ડૉ. પી.એમ.પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પુનઃ નિર્મિત મંડળી કાર્યાલય અને સ્પોર્ટ્સ ક્લબ ઓફિસનું લોકાર્પણ તથા મંડળીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી સભાસદોને સમર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે માનનીય કુલપતિએ પ્રાસંગિક ઉદબોધન કરેલ અને મંડળીની કામગીરી બાબતે પ્રશંસા વ્યક્ત કરી હતી અને કારોબારી સભ્યો અને સર્વે સભાસદોને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા અને મંડળીના ડિઝિટલાઇઝેશન બાબતે ભારોભાર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. હવેથી સર્વે સભાસદો આ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન થકી મંડળી સાથેના પોતાના તમામ આર્થિક વ્યવહારો સંપૂર્ણ પારદર્શિતા સાથે સરળતાથી કરી શકશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ક્રેડિટ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Read Original Article →