ગુજરાત યુનિવર્સિટીના કાર પુલિંગના પરિપત્રનો 10 દિવસમાં ઉલાળિયો:કુલપતિ માત્ર 100 મીટરના અંતરેથી ગાડીમાં એકલા આવે છે; ભાસ્કરના રિયાલિટી ચેકમાં અધિકારીઓની પોલ ખુલી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્કફ્રોમ હોમ તેમજ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવા માટે અપીલ કરી હતી. જે બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય લીધાને અંદાજે 12 દિવસ જેટલો સમય થઈ ગયો છે. ત્યારે કર્મચારીઓ અને અધિકારીઓ કાર પુલિંગના નિર્ણયનો કેટલો અમલ કરે છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો છે. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં ગુજરાત યુનિવર્સિટીના મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કાર પુલિંગના નિયમનો ઉલાળિયો કરતા જોવા મળ્યા હતા. અધિકારીઓ ગાડીમાં એકલા બેસીને જ કાર લઈને આવતા નજરે પડ્યા હતા. તેમજ કુલપતિ પોતે પણ 100 મીટરના અંતરે રહેતા હોવા છતાં એકલા કારમાં બેસીને આવતા હોવાનું સામે આવ્યું છે. 10 દિવસમાં જ નિયમનો ઉલાળિયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઇંધણ બચત માટે પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. જે બાદ ગુજરાત યુનિવર્સિટીએ ઇંધણની બચત માટે કાર પુલિંગનો નિર્ણય કર્યો હતો. PMની ઇંધણ બચાવવાની અપીલને ધ્યાને રાખી કાર પુલિંગનો નિર્ણય કરાયો હોવાનો દાવો કર્યો હતો તેમજ કાર લઈને આવતા અધિકારીઓને સૂચના અપાઈ હતી કે નજીકમાં રહેતા કર્મચારી કે અધિકારીને સાથે લઈને આવવું. પરંતુ આ જાહેરાતને હવે માત્ર દસ દિવસ જ થયા છે અને વાસ્તવિકતા એવી સામે આવી છે કે કાર પુલિંગનો આ નિયમ કેમ્પસના દરવાજા સુધી પહોંચતા પહેલાં જ ઢીલો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે. ‘સાથે આવો, ઇંધણ બચાવો’ના સૂત્રનો અમલ થયો નહીં
કાર પુલિંગના નિર્ણયના 10 દિવસ બાદ તેનું કેટલું પાલન થાય છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કર્યું હતું. રિયાલિટી ચેકમાં જે દૃશ્યો સામે આવ્યા તે યુનિવર્સિટીના દાવા અને જમીની હકીકત વચ્ચેનો મોટો તફાવત જોવા મળ્યો હતો. કેમ્પસમાં પ્રવેશતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની કારમાં એકલા જ આવતા નજરે પડ્યા. કાર પુલિંગનો નિર્ણય જાહેર થયા પછી પણ મોટાભાગના વાહનોમાં માત્ર એક જ વ્યક્તિ જોવા મળતા, નિયમના પાલન પર ગંભીર સવાલ ઊભા થયા છે. ‘સાથે આવો, ઇંધણ બચાવો’ જેવી સૂચનાઓ હોવા છતાં ઘણા અધિકારીઓએ નજીકમાં રહેતા સ્ટાફ કે સહકર્મચારીઓને સાથે લાવવાનો પ્રયાસ કર્યો જ ન હોય તેવું સામે આવ્યું છે. દસ દિવસમાં જ ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ રહી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કુલપતિ જ નિયમ પાળતા નથી
કાર લઈને આવતા અધિકારીઓ એકલા જ આવતા નજરે પડ્યા હતા. નજીકમાં રહેતા કર્મચારી કે અધિકારીને સાથે લઈને આવવા સૂચના છતાં નિયમનું પાલન થઈ રહ્યું નથી. તેમજ ખુદ કુલપતિ પણ 100 મીટરના અંતરમાં રહેતા હોવા છતાં ગાડીમાં ગુજરાત યુનિવર્સિટી આવી રહ્યા છે. NSUIએ આક્ષેપ કર્યો કે 100 મીટરના અંતરે ઘર હોવા છતાં કુલપતિ કાર પુલિંગના નિયમનું પાલન કરતા નથી. ચાલીને આવવું તો દૂર નજીકમાં સ્ટાફ ક્વાટર્સ હોવા છતાં એકપણ કર્મચારીને સાથે લાવતા ન હોવાનો પણ NSUIએ આક્ષેપ કર્યો છે. જેથી સમજી શકાય છે કે કાર પુલિંગની સૂચના છતાં અધિકારીઓ અને કર્મચારીઓ નિયમનું પાલન કરવા તૈયાર નથી. કાર પુલિંગનો નિર્ણય કાગળ પર જ
ગુજરાત યુનિવર્સિટીની કાર પુલિંગ પહેલ એક સારી નીતિ તરીકે સામે આવી હતી, પરંતુ હાલ જે દૃશ્યો સામે આવ્યા છે તે બતાવે છે કે નિયમ બનાવવો સરળ છે, અમલ કરાવવો મુશ્કેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કાર પુલિંગનો નિર્ણય માત્ર કાગળ પર જ રહી ગયો છે. જેથી કાર પુલિંગના નિયમનું પાલન કરાવવા માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેવા પ્રયાસ કરવામાં આવશે તે જાણવા માટે કુલપતિ નીરજા ગુપ્તાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. જેથી જો હવે યુનિવર્સિટી દ્વારા કડક અમલ કરાવવા માટે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો કાર પુલિંગનો નિર્ણય કાગળ પર જ રહી જશે. આ પણ વાંચો: ગુજરાત યુનિ.નો કાર પુલિંગનો નિર્ણય
Read Original Article →