સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ 2026 શરૂ:ગુજરાત સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, નવીનતા અને પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ 2026”નો ગુજરાત સાયન્સ સિટી ખાતે પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ 12 મે થી 6 જૂન 2026 દરમિયાન સાયન્સ ડોમ, ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાશે. કાર્યક્રમના પ્રથમ દિવસે “ફન ફિઝિક્સ” વિષય પર રસપ્રદ અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દબાણ, બળ, ન્યુટનના નિયમો, ચુંબકત્વ, ગતિ, પ્રકાશ, વિજળી અને મેખેનિક્સ જેવા વિષયો સરળ અને મનોરંજક પ્રયોગો દ્વારા સમજાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રો અંગે હેન્ડ્સ-ઓન અનુભવ પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં વન્ડર ઓફ કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ મેકિંગ, મિસ્ટ્રી ઓફ બટરફ્લાય, STEM વર્કશોપ, IoT અને મોબાઇલ એપ ડેવલપમેન્ટ, ડ્રોન અને ડાયનામિક્સ, મેથ્સ થ્રુ ઓરિગામી, હર્બેરિયમ ટ્રેનિંગ, ક્રિએટિવ ટોય મેકિંગ, મોડેલ રોકેટ્રી, ટેલિસ્કોપ મેકિંગ, બ્લોક કોડિંગ, રોબોટિક્સ, પ્લાન્ટ ટિશ્યૂ કલ્ચર તેમજ 3D મોડેલિંગ અને પ્રિન્ટિંગ જેવી અનેક વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 14 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો હેતુ યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તેમજ STEM શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અંદાજિત 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ગુજરાત સાયન્સ સિટી સતત નવીન અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
Read Original Article →