35 દિવસના ઉનાળા વેકેશન બાદ 1800 કરતા વધુ શાળાઓનો પ્રારંભ:વિદ્યાર્થીઓ નવા યુનિફોર્મ અને નવી બેગ સાથે શાળાએ પહોંચ્યા, શિક્ષકોએ તિલક કરી મોઢું મીઠું કરાવી આવકાર્યા

Gujarat6/8/2026, 4:17:45 AM
35 દિવસના ઉનાળા વેકેશન બાદ 1800 કરતા વધુ શાળાઓનો પ્રારંભ:વિદ્યાર્થીઓ નવા યુનિફોર્મ અને નવી બેગ સાથે શાળાએ પહોંચ્યા, શિક્ષકોએ તિલક કરી મોઢું મીઠું કરાવી આવકાર્યા
દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની 54 હજારથી વધુ શાળાઓ તેમજ અમદાવાદમાં 1800 કરતા વધુ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષની ધમધમાટભરી શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ નવા યુનિફોર્મ, નવી બેગ અને નવા સપનાઓ સાથે શાળાઓમાં પહોંચ્યા હતા. રાજ્યના અંદાજે 1.15 કરોડ વિદ્યાર્થીઓના કલરવથી શાળાના કેમ્પસ ફરી એકવાર ગુંજી ઉઠ્યા હતા. 54 હજાર શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળીને અંદાજે 54 હજાર શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા યુનિફોર્મ, નવી બેગ, પુસ્તકો અને નવા સપનાઓ સાથે વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ શાળાઓમાં પહોંચ્યા હતા. શાળાઓએ પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે વિવિધ કાર્યક્રમો, સજાવટ અને સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું. અમદાવાદ શહેરની તમામ શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના કલરવથી શાળાના કેમ્પસ ફરી જીવંત બન્યા હતા. વિદ્યાર્થીઓને તિલક કરી અને મોઢુ મીઠુ કરાવીને પ્રવેશ આપ્યો સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આર.એચ.કાપડીયા શાળામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓના સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો વહેલી સવારથી વિદ્યાર્થીઓના સ્વાગત માટે શાળાની ગેટ પર ઉભા રહી ગયા હતા. જે બાદ વિદ્યાર્થીઓ આવ્યા બાદ તેમણે તિલક કરીને અને મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પહેલી વખત શાળાએ આવતા કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. જેમણે શિક્ષકો હાથ પકડીને વર્ગ ખંડમાં લઈ ગયા હતા. તો બીજા કેટલાક વિદ્યાર્થીઓ જૂના મિત્રોને મળીને ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં આજે મિત્રો સાથે મુલાકાત કરવાનો ખાસ ઉત્સાહ શૈક્ષણિક વિભાગના આયોજન મુજબ નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રમાં કુલ 120 દિવસનું શિક્ષણ કાર્ય રહેવાનું છે. જેમાં 22 ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. જૂનથી નવેમ્બર સુધીના સમયગાળામાં વિવિધ રજાઓ અને તહેવારો વચ્ચે નિયમિત અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવશે. વેકેશન દરમિયાન આરામ કર્યા બાદ વિદ્યાર્થીઓમાં શાળામાં પાછા ફરવાનો અને મિત્રો સાથે મુલાકાત કરવાનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. 8 જૂનથી 4 નવેમ્બર સુધી પ્રથમ સત્ર ચાલવાનું છે. જે બાદ 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપવામાં આવશે. જે બાદ બીજી શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થી રિયા ગજ્જરે જણાવ્યું હતું કે, શાળાએ આવવાની મને બહુ જ મજા આવે છે. કારણ કે શાળામાં મિત્રો અને શિક્ષકોને મળવાનો ખૂબ આનંદ હોય છે. વેકેશનમાં બહાર ફરવા માટે ગયા હતા. તેમજ બહાર ફરવાની પણ અમને ખૂબ મજા આવી છે. જેથી આજે પહેલા દિવસે મિત્રોને મળીને ખૂબ મજા આવી છે કારણ કે, શિક્ષકો અને શાળાને ખૂબ યાદ કરતા હતા. વિદ્યાર્થીની ખુશીએ જણાવ્યું હતું કે, મને શાળાનો પહેલો દિવસ ખૂબ જ ગમે છે. કારણ કે પહેલા દિવસે શિક્ષકોને મળવાની અને મિત્રો સાથે રમવાની ખૂબ મજા આવતી હોય છે. અમે વેકેશનમાં ઉત્તરાખંડ ફરવા માટે ગયા હતા. ત્યાં પણ ખૂબ મજા કરી હતી. તેમજ વેકેશનમાં શાળાને અને મિત્રોને ખૂબ યાદ કર્યા છે. જેથી આજે પહેલા દિવસે ખૂબ ઉત્સાહ છે કે નવા અને જૂના મિત્રો સાથે મળું. પહેલા દિવસે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની ઈચ્છા થાય એવું જ વાતાવરણ ઊભુ કર્યું આર.એચ.કાપડીયા સ્કૂલના સંચાલક રૂપક કાપડીયાએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ જેટલી વિદ્યાર્થીઓ શાળાએ આવવાની રાહ જોવે છે તેટલી રાહ શાળા શરૂ કરવા માટે અમે લોકો પણ જોઈએ છીએ. તેમજ શિક્ષકો પણ બાળકોને આવકારવા માટે શાળા શરૂ થવાની રાહ જોતા હોય છે. વિદ્યાર્થીઓને શાળાએ આવવાની ઈચ્છા થાય તેવું વાતાવરણ શાળા શરૂ થવાના પહેલા દિવસે જ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે. દરેક બાળકના ચહેરા પર વેકેશન પૂરું થયાનું દુઃખ નથી પરંતુ નવું સત્ર શરૂ થયાની ખુશી જોવા મળી રહી છે. જેથી શાળાએ પહોંચવાનો વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો.
Read Original Article →