અસહ્ય ગરમી અને ઇંધણ બચાવવા વેકેશન લંબાવવાની માંગ:રાજ્ય શાળા સંચાલક મંડળે 10 દિવસ વેકેશન લંબાવવા CMને પત્ર લખ્યો, ધો. 9થી 12માં ઓનલાઈન શિક્ષણની મંજૂરી આપવા માંગ
રાજ્યમાં મે મહિનામાં પણ નાગરિકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે. તેમજ હજુ પણ કેટલાક દિવસ સુધી અસહ્ય ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા વેકેશન 10 દિવસ સુધી લંબાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે તેને ધ્યાને લઈને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવાની છૂટ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. 10 દિવસ વેકેશન લંબાવી 18 જૂનથી શાળાઓ શરૂ કરવા માંગ
શાળાઓમાં વેકેશન પડતાની સાથે જ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે વખતે ગરમીનો પારો અનેક શહેરમાં 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જેના કારણે અમદાવાદ જેવા મોટા શહેરોમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. જ્યારે હજુ પણ આકરો તાપ સહન કરવો પડશે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેથી, રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. આગામી 8 જૂનથી નવું સત્ર શરૂ થાય છે, તેના બદલે 10 દિવસ વેકેશન લંબાવી 18 જૂનથી શાળાઓ શરૂ કરવા માંગ કરવામાં આવી છે. ઓનલાઈન અભ્યાસ માટે છૂટ આપવા CMને પત્ર લખ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવા માટે દેશવાસીઓને અપીલ કરી હતી. જેથી, નવું સત્ર શરૂ થયા બાદ કે.જી.થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને અઠવાડિયાના 5 દિવસ, ધોરણ 6થી 8 માટે અઠવાડિયામાં 3 દિવસ અને ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવાની છૂટ આપવામાં આવે તેવી પણ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે. 10 દિવસથી ગરમીનો પારો 40થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયો
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો 40થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયું છે. 8 જૂનના તમામ શાળાઓ શરૂ થઈ રહી છે એવા સંજોગોમાં રાજ્ય સરકારને વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે. 18 તારીખથી શાળાઓ શરૂ કરવામાં આવે તેવી મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે તેમજ 20 તારીખથી વરસાદની સિઝન પણ શરૂ થઈ રહી છે. જેથી એક વરસાદ થઈ જાય તો વિદ્યાર્થીઓને અસહ્ય ગરમીથી રાહત મળી શકે. અઠવાડિયામાં 5 દિવસ સવારની શાળા ચલાવવી જોઈએ
વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, તેમજ યુદ્ધની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રીએ પણ કહ્યું હતું કે, જેટલી બચત થાય એટલી બચત કરવી જોઈએ. દરરોજ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એવા સંજોગોમાં કે.જી.થી ધોરણ-5 સુધી અઠવાડિયામાં 5 દિવસ સવારની શાળા ચલાવવી જોઈએ. ધોરણ-6, 7 અને 8માં સોમવાર, બુધવાર અને શુક્રવારે શાળા ચલાવવી જોઈએ તેમજ ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવો જોઈએ એવી રજૂઆત પત્ર લખીને કરી છે. વહેલી તકે નિર્ણય લેવામાં આવે તો વાલીઓને પણ રાહત થઈ શકે અને રિક્ષાચાલકોને પણ શું કરવું તેનો ખ્યાલ આવી શકે.
Read Original Article →