રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં આજથી પુસ્તક વગરનું ભણતર શરૂ:સત્ર શરૂ થઈ ગયું હોવા છતા પાઠ્ય પુસ્તક મંડળ પુસ્તકો પહોંચાડવામાં નિષ્ફળ, હજી એક મહિનો લાગી શકે

Gujarat6/8/2026, 10:14:02 AM
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં આજથી પુસ્તક વગરનું ભણતર શરૂ:સત્ર શરૂ થઈ ગયું હોવા છતા પાઠ્ય પુસ્તક મંડળ પુસ્તકો પહોંચાડવામાં નિષ્ફળ, હજી એક મહિનો લાગી શકે
રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ લાંબા ઉનાળાના વેકેશન બાદ ઉત્સાહભેર શાળાઓમાં પહોંચ્યા છે. પરંતુ શૈક્ષણિક વર્ષના પ્રથમ જ દિવસે શિક્ષણ વ્યવસ્થાની એક મોટી ખામી સામે આવી છે. રાજ્યની અનેક સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. પરિણામે ધોરણ 1થી 12 સુધીના હજારો વિદ્યાર્થીઓને પુસ્તક વગર જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી છે. શાળાઓમાં શિક્ષકો દ્વારા પ્રથમ દિવસથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જરૂરી પુસ્તકો ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સમજાવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વ્યવસ્થાના અભાવે પાઠ્ય પુસ્તક મંડળના ડેપોથી સ્કૂલ પર પુસ્તકો નથી પહોંચ્યા દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં પુસ્તકો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હોવા છતાં આ વર્ષે વિલંબ થયો છે. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શાળા વિકાસ સંકુલ (SVS) મારફતે સરકારી અને અનુદાનિત શાળાઓમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છતા પુસ્તકો હજુ શાળાઓ સુધી પહોંચ્યા નથી. પરિણામે વિદ્યાર્થીઓને ‘પુસ્તક વગરનું શિક્ષણ’ શરૂ કરાવવું પડ્યું છે. એક તરફ શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ નવા સત્રના પ્રથમ દિવસે જ પુસ્તકો ઉપલબ્ધ ન હોવાના કારણે તંત્રની આયોજન ક્ષમતા સામે પ્રશ્નો ઊભા થયા છે. હવે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં પુસ્તકો ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ પણ જૂન સુધી પુસ્તકો શાળાઓને મળે તેવું કોઈપણ પ્રકારનું આયોજન ન થયું હોય તેવું લાગી રહ્યું છે. બજારમાં પણ ધોરણ 1 થી 12ના 10 જેટલા પુસ્તકોની અછત બીજી તરફ બજારમાં પણ ધોરણ 1થી 12માં 10 પુસ્તકો પહોંચ્યા નથી. જેમાં ધોરણ 2માં ગુજરાતી, ધોરણ 3માં પર્યાવરણ, ગણિત નું પુસ્તક ઉપલબ્ધ નથી. ધોરણ 6 ગણિત પ્રકાશ, કુતુહલ, સામાજિક વિજ્ઞાનનું પુસ્તક ઉપલબ્ધ નથી. ધોરણ 7નું અંગ્રેજી વિષયનું પુસ્તક મળી રહ્યું નથી. ધોરણ 6થી 8માં ભગવદગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2નું પુસ્તક ઉપલબ્ધ નથી. ધોરણ 9 અને 11 માં કમ્પ્યૂટરના પુસ્તક હજુ આવ્યા નથી. NCERTમાં અંગ્રેજી માધ્યમના છે પણ તેનું ગુજરાતી અનુવાદ કરવાનું પણ હજુ બાકી છે. ટેક્નિકલ કારણથી પુસ્તકો પહોંચતા હજી એક મહિનો લાગી શકે- ભાસ્કર પટેલ રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને જે વિનામૂલ્ય પુસ્તકો આપવાના હોય છે તે પાઠ્યપુસ્તક હજુ સુધી શાળાએ પહોંચ્યા જ નથી. બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને વડોદરા સહિતના જિલ્લાઓના શાળાના સંચાલકો સાથે પણ વાતચીત થઈ છે. તેમને પણ જણાવ્યું છે કે હજી સુધી શાળામાં પુસ્તકો પહોંચ્યા નથી. ટેકનિકલ કારણથી હજુ પણ જૂન અંત સુધી શાળામાં પુસ્તકો પહોંચી શકે તેવી શક્યતા નથી. જેથી પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ સાથે પણ વાતચીત થઈ હતી ત્યારે તેમને કહ્યું હતું કે શાળાઓ શરૂ થાય તે પહેલા પુસ્તકો પહોંચાડી દઈશું. વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, પરંતુ હજી સુધી શાળાઓ સુધી પાઠ્યપુસ્તક પહોંચ્યા નથી. બીજી તરફ એવું કહેવામાં આવે છે કે ઓનલાઇન પુસ્તક મૂકવામાં આવ્યા છે. અમારી ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં આર્થિક અને પછાત વર્ગના બાળકો અભ્યાસ કરતા હોય છે, જેથી તેમના પાસે મોબાઈલની સગવડ હોતી નથી. જેથી જો ઓનલાઇન પુસ્તકો મૂકવામાં આવ્યા હોય તો તે સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓને કામ લાગી શકે છે. પાઠ્યપુસ્તક મંડળ વહેલીતકે પુસ્તકો શાળા સુધી પહોંચાડે તેવી અમારી માંગણી છે. યુદ્ધની સ્થિતિ અને કોર્ટ કેસના કારણે પુસ્તકો છપાવામાં વિલંબ- પાઠ્ય પુસ્તક મંડળ આ મુદ્દે પાઠ્યપુસ્તક મંડળના કાર્યકારી પ્રમુખ મનુ પાવરાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે રાજ્યની 57 સરકારી પ્રેસોમાં પુસ્તકોના છાપકામનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને બે શિફ્ટમાં પ્રિન્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 30 જૂન સુધીમાં તમામ વિદ્યાર્થીઓને પુસ્તકો ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. મનુ પાવરાના જણાવ્યા મુજબ પુસ્તકોની અછત પાછળ યુદ્ધ જેવી પરિસ્થિતિ અને કોર્ટ સંબંધિત મુદ્દાઓના કારણે પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબ મુખ્ય કારણ રહ્યા છે. જોકે ધોરણ 1થી 8ના પાઠ્યપુસ્તકો રાજ્યભરના વિતરણ કેન્દ્રો સુધી પહોંચી ચૂક્યા છે. ગુજરાતી માધ્યમના પુસ્તકોનું 100 ટકા પ્રિન્ટિંગ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે અન્ય માધ્યમોના પુસ્તકો પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્યકારી પ્રમુખે વધુમાં જણાવ્યું કે ખાનગી શાળાઓ માટે ધોરણ 10 અને 12ના પુસ્તકોનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટેનું કામ પ્રગતિમાં છે. વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે તમામ પાઠ્યપુસ્તકો ડિજિટલ સ્વરૂપે વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી ભૌતિક પુસ્તકો ન પહોંચે ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને પાઠ્યપુસ્તક મંડળે વહેલી તકે તમામ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવા માટે તંત્રને તાત્કાલિક કામગીરીના નિર્દેશ આપ્યા છે.
Read Original Article →