ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મજબૂત કદમ:હવે રાજ્યની તમામ સ્થાનિક અને જિલ્લા સ્તરની સરકારી કચેરીઓ જોડાઈ RTI ઓનલાઈન પોર્ટલ સાથે
ગુજરાતમાં પારદર્શક વહીવટ અને નાગરિકોની સવલત માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરના હજારો નાગરિકો માટે ઘરબેઠા માહિતી મેળવવાનો અધિકાર (RTI) વધુ સરળ અને સુલભ બન્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી સઘન કવાયતને કારણે આખરે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા સ્તરની કચેરીઓને ઓનલાઈન RTI પોર્ટલ www.onlinerti.gujarat.gov.in પર સફળતાપૂર્વક મેપિંગ કરીને જોડી દેવામાં આવી છે. RTI ઓનલાઈન પોર્ટલની શરૂઆત અને ઇતિહાસ
ગુજરાતમાં ઓનલાઈન RTI પોર્ટલ શરૂ કરાવવા પાછળ લાંબો સંઘર્ષ રહેલો છે. રાજકોટના જાણીતા RTI કાર્યકર્તા શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ અંગે રાજ્યમાં એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2018માં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની રીટ પિટિશન (PIL) પણ દાખલ કરવામાં આવી હતી. જેના સકારાત્મક પરિણામ સ્વરૂપે ડિસેમ્બર 2021માં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર RTI પોર્ટલ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. પરંતુ, વર્ષ 2025 સુધી આ પોર્ટલ પર માત્ર સચિવાલયના જ 27 વિભાગોનું મેપિંગ થયું હતું. નાગરિકોને સૌથી વધુ જે કચેરીઓ સાથે કામ પડતું હોય છે તેવી જિલ્લા કે તાલુકા સ્તરની મામલતદાર, પોલીસ સ્ટેશન, નગરપાલિકા, તાલુકા પંચાયત કચેરીઓ આ પોર્ટલ પર ઉપલબ્ધ ન હોવાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સામાન્ય નાગરિકોને પડતી પ્રાયોગિક મુશ્કેલીઓ
અત્યાર સુધી ઑફલાઇન RTI કરવામાં નાગરિકોને ઘણી બધી અગવડતાઓ પડતી હતી, જેમ કે: જાગૃત નાગરિકની લડત અને સરકારી તંત્રની સક્રિયતા
આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે અમદાવાદના જાગૃત નાગરિક અને 'RTI એકતા મંચ'ના સભ્ય અલ્પેશભાઈ ભાવસાર મેદાને આવ્યા. તેમણે ઓક્ટોબર 2025માં એક RTI કરી, જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી કે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વારંવાર સ્મૃતિપત્રો મોકલવા છતાં જુદા-જુદા વિભાગો પોતાની જિલ્લા સ્તરની કચેરીઓનું ઓનલાઈન પોર્ટલ પર મેપિંગ કરતા નહોતા. ત્યારબાદ અલ્પેશભાઈએ પંચાયત, મહેસૂલ, ગૃહ અને શહેરી વિકાસ જેવા મુખ્ય ચાર વિભાગોના વડાઓને વિગતવાર રજૂઆતો કરી અને પુનઃ સચોટ RTI અરજીઓ દાખલ કરીને સતત ફોલોઅપ લીધું. આ ભગીરથ પ્રયાસો અને દબાણના કારણે સરકારી તંત્ર હરકતમાં આવ્યું અને ઝડપી કામગીરી શરૂ થઈ: 1. શહેરી વિકાસ વિભાગ: આ વિભાગે તમામ નગરપાલિકાઓ અને 7 મહાનગરપાલિકાઓ (કુલ 177 જેટલા જાહેર સત્તામંડળો) નું મેપિંગ પૂર્ણ કર્યાનો અહેવાલ આપ્યો. 2. ગૃહ વિભાગ: તમામ પોલીસ કમિશનર કચેરીઓ અને DSP કચેરીઓને ઓનલાઈન પોર્ટલ સાથે જોડવા માટે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને કડક નિર્દેશ આપ્યા. 3. મહેસૂલ વિભાગ: તમામ કલેક્ટર કચેરીઓનું મેપિંગ પૂર્ણ થયું છે અને તાબાની અન્ય કચેરીઓનું કામ પ્રગતિમાં છે. 4. પંચાયત વિભાગ: જિલ્લા પંચાયતો અને કેટલીક તાલુકા પંચાયતોનું મેપિંગ પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યું. 'ડિજિટલ ઈન્ડિયા' અને 'પેપરલેસ વહીવટ' તરફ પ્રયાણ
ભારત સરકારના 'ડિજિટલ ઈન્ડિયા મિશન 2015' અંતર્ગત પર્યાવરણને ઓછું નુકસાન થાય તે માટે 'પેપરલેસ વહીવટ' પર ભાર મૂકવામાં આવે છે. અગાઉ ગુજરાત રાજ્ય માહિતી આયોગના વાર્ષિક અહેવાલ મુજબ પણ સૌથી વધુ RTI અરજીઓ અને અપીલો મહેસૂલ, ગૃહ અને શહેરી વિકાસ વિભાગમાં જ નોંધાય છે. હવે જ્યારે સ્થાનિક કચેરીઓ ઓનલાઈન પોર્ટલ સાથે જોડાઈ ગઈ છે, ત્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાચા અર્થમાં સાર્થક થતું દેખાય છે. આ ક્રાંતિકારી સુધારાથી સામાન્ય નાગરિકોના સમય અને નાણાંની બચત થશે અને વહીવટી તંત્રમાં પારદર્શિતા વધશે, જેના કારણે સમગ્ર રાજ્યના નાગરિકોમાં અને ઉત્સાહી કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
Read Original Article →