ગુજરાત સહિત 24 રાજ્યમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ:મહીસાગરમાં વાવાઝોડું, વાહનો પલટ્યાં; સાબરકાંઠા વીજળી પડતા યુવકનું મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વિજયનગર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા 17 વર્ષીય વિક્રમ માલાભાઈ તરારનું મોત થયું હતું. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક આવેલા વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, જ્યારે વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વાવાઝોડાના કારણે વાહનો પણ પલટી ગયાં હતાં. તો બીજી તરફ ગરમીથી થોડી રાહત મળ્યાં બાદ ફરી રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.9°C અને અમરેલીમાં 41.7°C નોંધાયું છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 40.2°C નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પ્રચંડ પવન સાથે વરસાદી માહોલ જામશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. અરેબિયન સમુદ્ર, લક્ષદ્વીપ અને કેરળના કેટલાક ભાગોમાં ચોમાસું વધુ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. હવામાન વિભાગએ ગુજરાત, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં આગામી દિવસો સુધી વરસાદ, વાવાઝોડા અને તેજ પવનોની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં ફરી ગરમીનો પારો ઊંચકાયો, રાજકોટ સૌથી ગરમ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ફરી એકવાર વધ્યો છે. સૌથી મોટો અને આશ્ચર્યજનક ઉછાળો ડીસામાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 36.8°Cથી એકઝાટકે 3.9°C વધીને 40.7°Cએ પહોંચી ગયું છે. આ જ રીતે, ગાંધીનગરમાં 3.4°Cનો વધારો (36.2°Cથી 39.6°C) અને અમદાવાદમાં 3.2°Cનો વધારો (37.0°Cથી 40.2°C)નોંધાયો છે, જેના કારણે આ વિસ્તારોમાં ફરીથી 40.0°Cથી વધુ ગરમીનો અનુભવ થયો છે. સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં પણ પારો નોંધપાત્ર રીતે ઊંચકાયો છે, જેમાં અમરેલીમાં 2.8°Cનો વધારો (38.9°Cથી 41.7°C) અને ભાવનગરમાં 2.5°Cનો વધારો (36.4°Cથી 38.9°C) સામેલ છે. ખાસ કરીને રાજકોટમાં તાપમાન 2.2°C વધીને 40.7°Cથી 42.9°C એ પહોંચી ગયું છે, જે 3 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન હતું. મધ્ય ગુજરાતના વડોદરામાં પણ 1.8°Cનો વધારો (36.4°C થી 38.2°C) જોવા મળ્યો છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં દ્વારકામાં 1.4°Cનો વધારો (33.8°Cથી 35.2°C), સુરતમાં 1.1°Cનો વધારો (34.5°Cથી 35.6°C) અને કંડલા એરપોર્ટ પર 0.2°Cનો સામાન્ય વધારો (41.0°Cથી 41.2°C) નોંધાયો છે. બીજી તરફ, રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક મર્યાદિત દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઘટવાને કારણે ગરમીથી સામાન્ય રાહત મળી છે. એકંદરે, 2 જૂનની સરખામણીએ 3 જૂને દરિયાકાંઠાના થોડા ભાગોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનું જોર ફરી એકવાર પકડાયેલું જોવા મળ્યું છે. આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ 2-3°Cનો ક્રમશઃ ઘટાડો નોંધાશે. જોકે, ત્યાર બાદ ફરી તાપમાનમાં 2-3°Cનો ધીમો વધારો થઈ શકે છે. ગત 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાક માટે પ્રચંડ વાવાઝોડા અને વરસાદની 'થંડરસ્ટોર્મ વોર્નિંગ'
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સમગ્ર રાજ્યમાં 'થંડરસ્ટોર્મ વોર્નિંગ' (વાવાઝોડા અને વીજળીની ચેતવણી) જાહેર કરી છે. આ દરમિયાન રાજ્યભરમાં ધૂળની ડમરીઓ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે. 4થી 10 જૂનની આગાહી ખેડૂતો અને નાગરિકો માટે સૂચના
વાવાઝોડા અને વીજળીના કડાકા વખતે ઝાડ કે કાચા મકાનોની નીચે આશ્રય ન લેવા અને પવન દરમિયાન સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો... IMDનો દાવો- મોન્સૂનની એન્ટ્રીમાં 10 કલાક બાકી, કેરળમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા; MP-છત્તીસગઢમાં પ્રી-મોન્સૂન સક્રિય ભારતીય હવામાન વિભાગ (IMD)એ દાવો કર્યો છે કે ચોમાસાના પવનો આજે સાંજે 7થી 8 વાગ્યાની વચ્ચે કેરળમાં પ્રવેશી શકે છે. આ માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. કેરળ ઉપરાંત, તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. અગાઉ ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચવાનો અંદાજ હતો, પરંતુ આ નિર્ધારિત તારીખથી 9 દિવસ મોડું થયું છે. સામાન્ય રીતે તે 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને આગામી દોઢ મહિનામાં સમગ્ર દેશને આવરી લે છે. આ તરફ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પ્રી-મોન્સુન સક્રિય થઈ ગયું છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે. 24 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ
હવામાન વિભાગ (IMD)એ ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ, વાવાઝોડા અને તેજ પવનોની સંભાવના વ્યક્ત કરી છે. ઓડિશામાં ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. જ્યારે રાજસ્થાન, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ, કરા પડવા અને તેજ પવનોને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ બે દિવસ માટે યલો એલર્ટ છે. જોકે, દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ ગરમી ઓછી થઈ નથી. અહીં તાપમાન 40°C થી ઉપર જળવાઈ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર જોજો, ઠંડક આપતું AC ક્યાંક 'બોમ્બ' ન બની જાય!, એસીમાં બ્લાસ્ટ થવા પાછળ 12 કારણો જવાબદાર, 6 સંકેતોને અવગણશો નહીં; જાણો 13 સેફ્ટી ટિપ્સ તાજેતરમાં દિલ્હીના હૌઝ ખાસ વિસ્તારમાં પૂર્વ IAS અધિકારી ધનેન્દ્ર કુમારના ઘરમાં AC બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. આ પહેલા દિલ્હીના વિવેક વિહારમાં ACમાં આગ લાગવાથી 9 લોકોના જીવ ગયા હતા. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે આખરે ACમાં આગ શા માટે લાગે છે? ખરેખર ACની જાળવણી (મેન્ટેનન્સ) અને સુરક્ષા (સેફ્ટી)ને અવગણવાથી ઓવરહીટિંગ અને શોર્ટ સર્કિટનું જોખમ વધે છે, જે ઘણીવાર દુર્ઘટનાનું કારણ બને છે. જોકે, સાચી જાણકારી અને થોડી સાવચેતીથી આપણે આપણા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ છીએ. સાથે જ ACની લાઇફ પણ વધારી શકીએ છીએ. તેથી ‘કામના સમાચાર’માં આજે AC બ્લાસ્ટનું સાચું કારણ સમજીશું. સાથે જ જાણીશું કે, ઘરમાં AC લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? અને AC બ્લાસ્ટથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે? સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો
Read Original Article →