અનિયમિત ચોમાસામાં ખરીફ વાવેતરનું આગોતરું આયોજન:ઓછા વરસાદવાળા વિસ્તારોમાં એરંડા, તુવેર, તલ, મગ, બાજરી, જુવાર જેવા પાક વધુ અનુકૂળ
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની અનિશ્ચિતતા વધી રહી છે. ક્યારે વરસાદ મોડો પડે છે, ક્યારે અતિશય વરસાદ થાય છે અને ક્યારે લાંબા સમય સુધી વરસાદ ખેંચાઈ જાય છે. આવી સ્થિતિમાં સફળ ખેતી માટે માત્ર સમયસર વાવેતર પૂરતું નથી, પરંતુ પાક પસંદગીથી લઈને બજાર વ્યવસ્થાપન સુધીનું આગોતરું આયોજન જરૂરી બની ગયું છે. યોગ્ય આયોજન ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં, જોખમ ઓછું કરવામાં અને આવક વધારવામાં મદદરૂપ બને છે. ખરીફ પાકના આયોજન પહેલાં સમજી લો આ 7 વાત... 1. જમીન ચકાસણી અને તૈયારી
વાવેતર પહેલાં જમીનનું પરીક્ષણ કરાવી pH, EC, ઓર્ગેનિક કાર્બન અને પોષક તત્ત્વોની સ્થિતિ જાણવી જોઈએ. જમીનની ગુણવત્તા મુજબ પાક અને ખાતર વ્યવસ્થા નક્કી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. 2. યોગ્ય પાકની પસંદગી
વરસાદ અને જમીનના પ્રકારને ધ્યાનમાં રાખીને પાક પસંદ કરવો જોઈએ. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં એરંડા, તુવેર, તલ, મગ, બાજરી અને જુવાર જેવા પાક વધુ અનુકૂળ સાબિત થાય છે. 3. ગુણવત્તાયુક્ત બિયારણનો ઉપયોગ
કૃષિ યુનિવર્સિટી, ગુજરાત સ્ટેટ સીડ કોર્પોરેશન (GSCC) અથવા નેશનલ સીડ કોર્પોરેશન (NSC) જેવા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી પ્રમાણિત બિયારણ ખરીદવું. વાવેતર પહેલાં બીજ માવજત કરવી પણ એટલી જ જરૂરી છે. 4. વાવેતર સમયનું આયોજન
પૂરતો વરસાદ થયા બાદ જ વાવેતર કરવું જોઈએ. પિયતની સુવિધા હોય તો મગફળી અને કપાસનું આગોતરું વાવેતર કરી શકાય છે. જ્યારે એરંડા અને તુવેર માટે 20 જુલાઈથી 20 ઓગસ્ટનો સમયગાળો વધુ અનુકૂળ માનવામાં આવે છે. 5. સંતુલિત પોષણ વ્યવસ્થાપન
હેક્ટર દીઠ આશરે 10 ટન સારું છાણિયું ખાતર અથવા લીલો પડવાશ (શણ, ગુવાર) ઉપયોગમાં લેવો જોઈએ. પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતો જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરી શકે છે. 6. પાણી અને પિયતનું આયોજન
ટપક અને ફુવારા પદ્ધતિ જેવી માઇક્રો ઇરીગેશન પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ખેત તલાવડી, ચેકડેમ અને વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્ય માટે પાણી ઉપલબ્ધ રહે છે. સૂકા વિસ્તારોમાં તુવેર અને એરંડા સાથે કારીંગડાનું વાવેતર કરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે. 7. જોખમ વ્યવસ્થાપન અને પાક વૈવિધ્યીકરણ
પાક વીમો લેવો અને એક જ પાક પર નિર્ભર રહેવાને બદલે વિવિધ પાકોનું વાવેતર કરવું જોઈએ. સરકારનું ધ્યાન કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતા તરફ હોવાથી તુવેર, મગફળી, તલ અને એરંડા જેવા પાકો ખેડૂતો માટે વધુ લાભદાયી બની શકે છે. સંકલિત ખેતી પદ્ધતિ: અનિયમિત ચોમાસા સામેનું અસરકારક શસ્ત્ર પાક ઉત્પાદન સાથે પશુપાલન, બાગાયત, મધમાખી પાલન, મત્સ્ય પાલન અને કૃષિ વનીકરણ જેવી પ્રવૃત્તિઓને જોડીને કરવામાં આવતી ખેતીને સંકલિત ખેતી પદ્ધતિ કહેવામાં આવે છે. તેમાં એક એકમમાંથી નીકળતો કચરો બીજા એકમ માટે ઉપયોગી સંસાધન બની જાય છે. મુખ્ય ઘટકો :
* પાક ઉત્પાદન
* ગાય, ભેંસ અને બકરી પાલન
* મરઘાં અને મત્સ્ય પાલન
* મધમાખી પાલન
* વર્મીકમ્પોસ્ટ
* ખેત તલાવડી મુખ્ય ફાયદા
* વર્ષભર આવકના વિવિધ સ્ત્રોત ઉપલબ્ધ રહે છે.
* એક જ પાક નિષ્ફળ જવાથી થતું જોખમ ઘટે છે.
* જમીનની ફળદ્રુપતા અને ઓર્ગેનિક કાર્બન વધે છે.
* ખેતી વધુ ટકાઉ અને નફાકારક બને છે પ્રતિ હેક્ટર સૌથી વધુ નફાકારક પાકો
પાક ચોખ્ખી આવક (રૂ.) B:C Ratio
વરિયાળી 1,83,696 3.12
મગફળી 81,080 1.82
તુવેર 65,998 1.85
એરંડા 57,834 1.55 સૌથી ઓછી આવક અથવા ખોટ આપતા પાકો
પાક ચોખ્ખી આવક/ખોટ (રૂ.) B:C Ratio
ડાંગર -9,841 0.85
જુવાર -6,530 0.89
બાજરી -6,330 0.92
ગુવાર -5,492 0.91 નોંધ: પરંપરાગત પદ્ધતિમાં ઉત્પાદન ખર્ચ નિયંત્રિત ન કરવામાં આવે તો ડાંગર, જુવાર, બાજરી અને ગુવાર જેવા પાકોમાં ખોટ થવાની સંભાવના રહે છે. ખેડૂતો માટે પાક પસંદગી માર્ગદર્શિકા હેતુ ભલામણ કરેલા પાક
સૌથી વધુ નફો વરિયાળી, મગફળી, તુવેર, એરંડા
ઓછું રોકાણ, સારો નફો મઠ, તલ, મગ
ઓછા વરસાદવાળા વિસ્તાર એરંડા, મઠ, તલ, જુવાર, બાજરી, ગુવાર, કારીંગડા
ઓછી મજૂરીની જરૂરિયાત સોયાબીન, કઠોળ પાકો
વધુ મજૂરી ઉપલબ્ધ હોય કપાસ, શાકભાજી, મગફળી ભાસ્કર એક્સપર્ટ: ર્ડા.રાજદીપસિંહ જાડેજા, (સહ સંશોધક-કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ભચાઉ-કચ્છ)
Read Original Article →