ગંધરહિત અને કાળો-ભૂરો રંગ થાય તે જ સાચું ખાતર:ખોટી રીતે તૈયાર કરેલા ગોબર આધારિત દેશી ખાતરથી દીમક અને ફૂગનો રોગ લાગી શકે
રાજ્યભરમાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક - ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે આ ખેતી માટે છાણીયું ખાતર અગત્યનો ભાગ ભજવે છે જોકે યોગ્ય જાણકારી વિના આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો ફાયદા કરતા નુકસાન વધુ થઈ શકે છે. નિષ્ણાંતોના માર્ગદર્શન કે સ્વઅનુભવ વિના આ ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. મુખ્યત્વે સાચું છાણિયું ખાતર ગંધરહિત અને કાળા - ભૂરા રંગનું હોય છે. ખેડૂતો જમીનની ઉર્વરતા જાળવવા માટે વર્ષોથી ગોબર આધારિત દેશી ખાતરનો ઉપયોગ કરતા આવ્યા છે. રાસાયણિક ખાતરના વધતા ઉપયોગ વચ્ચે પણ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો બે સિઝનમાં એકવાર ખેતરમાં ગોબર ખાતર નાખે છે, જેથી જમીનમાં કાર્બનિક તત્ત્વ વધે, ભેજ જળવાઈ રહે અને પાકની વૃદ્ધિ સુધરે. પરંતુ ઘણીવાર ખેડૂત ખાતર સારી રીતે સડેલું છે કે નહીં તેની ઓળખ કર્યા વગર જ તેનો ઉપયોગ કરી દેતા હોવાથી ખરીફ પાકમાં મૂળ સડવા, દીવટા (દીમક), ફૂગજન્ય રોગ અને ઉગાવામાં ઘટાડા જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. વધુમાં કહ્યું હતું કે મોટા ભાગના ખેડૂતો પશુના ગોબરને એક જગ્યાએ ઢગલામાં એકત્રિત કરે છે અને સીઝનની શરૂઆતમાં સીધું ખેતરમાં પાથરી દે છે. પરંતુ ઢગલાની ઉપરની સપાટી સૂર્યપ્રકાશના કારણે સુકાઈ જાય છે, જ્યારે નીચેનો ભાગ ભેજવાળો રહી જાય છે. આવા ભેજવાળા ખાતરમાં દીમક, ફૂગ અને હાનિકારક જીવાણુઓ વિકસે છે, જે ખેતરમાં જતા પાકના મૂળ ભાગને અસર કરે છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન અને શાકભાજી પાકોમાં આ અસર વધુ જોવા મળે છે. નાઇટ્રોજનનું અસંતુલન ઊભું થાય છે (ફોટો છે)
સંપૂર્ણ સડેલું ગોબર ખાતર કાળા-ભૂરા રંગનું, ભુરભુરું અને ગંધ વિનાનું હોય છે. જો ખાતરમાંથી તીવ્ર દુર્ગંધ આવે, ગરમી અનુભવાય અથવા મોટા ગાંઠ જેવા ભાગ દેખાય તો તે અધસડેલું ગણાય આવા ખાતરને સીધું ખેતરમાં નાખવાથી જમીનમાં નાઈટ્રોજનનું અસંતુલન ઊભું થાય છે અને છોડના પ્રારંભિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડે છે. કલ્ચર ભેળવવાથી વહેલી સડી જાય છે
ખેડૂત પાસે પૂરતું સડેલું ગોબર ઉપલબ્ધ ન હોય તો ‘વેસ્ટ ડિકંપોઝર’ જેવા જૈવિક ઉપચારનો ઉપયોગ કરી શકાય છે. ગોબરના ઢગલાને ભેજ સાથે ઢાંકી તેમાં આ કલ્ચર મિક્સ કરવામાં આવે તો ખાતર ઝડપથી સડી જાય છે અને હાનિકારક ફૂગ-જીવાતનો પ્રકોપ ઘટે છે. આશરે 25 થી 40 દિવસમાં ખાતર ઉપયોગલાયક બની શકે છે. વરસાદના 20 દિવસ પહેલા ખેતરમાં પાથરી દેવું જોઈએ
ગોબર ખાતર વરસાદ શરૂ થાય તે પહેલાં 15 થી 20 દિવસ અગાઉ ખેતરમાં પાથરી જમીનમાં ભેળવી દેવું વધુ ફાયદાકારક રહે છે. અંતિમ ખેડ સમયે ખાતર મિશ્રણ કરવાથી જમીનની રચના સુધરે છે અને ભેજ સંચય ક્ષમતા વધે છે. માત્ર ગોબર ખાતર જ નહીં પરંતુ નીમખોળ, રાખ, જીવામૃત, ઘન જીવામૃત અને ઓર્ગેનિક સૂક્ષ્મ પોષક તત્ત્વોનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી જળવાઈ રહે છે. સડેલા અને અધસડેલા ખાતર કેવી રીતે ઓળખશો ?
-સંપૂર્ણ સડેલું ખાતર ભુરભુરું અને ગંધ વિનાનું હોય
-કાળો અથવા ગાઢ ભૂરો રંગ સારા ખાતરની નિશાની
-ગરમી અનુભવાય તો ખાતર હજુ સડી રહ્યું હોવાનું માનવું
-સફેદ ફૂગ, દીમક અથવા કીડા દેખાય તો ઉપયોગ ટાળવો
-મોટા ગાંઠવાળા અને ભેજવાળા ખાતરથી મૂળ સડવાનો ભય ગોબર ખાતર તૈયાર કરવાની નિષ્ણાતોની રીત
ગોબરને છાંયાવાળી જગ્યાએ ઢગલામાં સંગ્રહી, સમયાંતરે ભેજ જાળવી ઢગલો ઢાંકી રાખવો. તેમાં‘વેસ્ટ ડિકંપોઝર’ અથવા ટ્રાઇકોડર્મા મિશ્રણ ઉમેરવું. 25 થી 40 દિવસ સુધી સડવા દેવું અને ઉપયોગ પહેલાં ખાતરને છણીને ખેતરમાં પાથરવું ગોબર ખાતર સાથે શું ઉમેરશો ?
સારી ઉપજ મેળવવા માટે ગોબર ખાતર સાથે નીમખોળ, લાકડાની રાખ, જીવામૃત, ઘનજીવામૃત, જૈવિક સુક્ષ્મ પોષક તત્વો અને પાક અવશેષમાંથી બનેલું કમ્પોસ્ટ ઉમેરવું. ભાસ્કર એક્સપર્ટ : પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત, જૂનાગઢ.
Read Original Article →