નોન ગ્રાન્ટેડ શાળાઓમાં વોકેશન કોર્સ શરૂ કરવાનો લઈને વિવાદ:રાજ્ય શાળા સંચાલક મંડળનો વિરોધ, કહ્યું- પુસ્તકો, ભ્રષ્ટાચાર કરવા નવો વિષય શરૂ કરાતો હોવાનો આક્ષેપ
રાજ્યની તમામ નોન ગ્રાન્ટેડ શાળામાં વોકેશનલ વિષયો શરૂ કરવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. દરેક સ્કૂલે વોકેશનલ કોર્સ શરૂ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. શાળાએ વોકેશનલ કોર્ષ માટે 2 દિવસમાં દરખાસ્ત કરવાની પણ સૂચના આપવામાં આવી છે. શાળા 2 દિવસમાં જો દરખાસ્ત નહીં કરે તો કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શાળાઓમાં વોકેશનલ કોર્સ શરૂ કરવા મુદ્દે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સખલ વિરોધ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર કરવા માટે આ પ્રકારના કોર્સ શરૂ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રાજ્ય શાળા સંચાલક મંડળનો વિરોધ
રાજ્યની નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ શિક્ષણનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ થોડા દિવસ પહેલા મળેલી શિક્ષણ વિભાગની મિટિંગમાં શાળાઓમાં વોકેશનલ અભ્યાસનો કડક અમલ કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પરંતુ વોકેશનલ કોર્સ શરૂ કરવા મુદ્દે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવો વિષય શરૂ કરતા ધોરણ 9. અને 11માં સંસ્કૃત અને કમ્પ્યુટર જેવા વિષય બંધ થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કૌભાંડ કરવા વોકેશનલ કોર્સ શરૂ કરાતા હોવાનો આક્ષેપ
તેમજ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અગાઉ વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કરીને અનેક કૌભાંડ કરવામાં આવ્યા છે. જેથી આ વખતે પણ કૌભાંડ કરવા વોકેશનલ વિષય શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમજ બજારમાં પુસ્તકો અને અભ્યાસક્રમ ન હોવાથી નવો વિષય શરૂ કરવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વોકેશનલ વિષય શરૂ ન કરનાર શાળાઓ સામે જો કાર્યવાહી કરવામાં આવશે તો કોર્ટમાં લડત લડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. જો વોકેશનલ કોર્સ શરૂ કરાશે તો સંસ્કૃત અથવા કોમ્પ્યુટર વિષય બંધ કરવા પડે તેવી સ્થિતિ
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા સરકાર દ્વારા 10+2માં ખાસ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા હતા. જેના માટે કેન્દ્ર સરકારની મોટી ગ્રાન્ટ પણ આવતી હતી. ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ દીઠ એક ક્લાસ ગણવામાં આવતો હતો જેના માટે શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી હતી. પરંતુ તે બાદ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો બંધ કરી દેવામાં આવ્યા. જેથી હવે સર્વ શિક્ષા અભિયાન દ્વારા નવું નાટક લાવવામાં આવ્યું છે. જો હવે ધોરણ નવમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે તો સંસ્કૃત અથવા કોમ્પ્યુટર વિષય બંધ કરવો પડે તેવી સ્થિતિ છે. વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા તે વારસાગત ભાષા છે તે બંધ કરવાની વાત છે. બીજી તરફ ગયા વર્ષે જ દરેક શાળાઓમાં 20 જેટલા કોમ્પ્યુટર આપવામાં આવેલા છે. તો શું હવે કમ્પ્યુટર રૂમને તાળું મારીને બંધ કરી દેવાના ? કોઈ અધિકારી કહે છે કે આ ફરિજયાત છે તો કોઈ અધિકારી કહે છે ચલાવવુ હોય તો ચલાવવાનું. વર્ષો પહેલા ભરતીમાં જે મોટા કૌભાંડ થયા, ભરતી પછી બધા ફાજલ થયા અને ફાજલ થયેલા લોકોને સાચવવા માટેના કૌભાડ થયા હતા. જેથી આ પણ એક કૌભાંડ જ છે કારણ કે પુસ્તક નથી અભ્યાસક્રમ નથી અને શિક્ષક પણ નથી તો વોકેશનલ કોર્સ કઈ રીતે ચલાવવા. તેમજ ગ્રાન્ટ પણ ગ્રામ્ય વિસ્તારમાં આપવામાં આવતી નથી. બિન જરૂરી વિષયો વિદ્યાર્થીઓ પર થોપવાનો કોઈ અર્થ નથી. જેથી આ અભ્યાસક્રમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ફરીથી વ્યવસ્થિત ભ્રષ્ટાચાચાર ચાલુ થાય તેવુ અમને લાગી રહ્યું છે.
Read Original Article →