રાજ્યમાં આજે મેડિકલ સ્ટોર્સની હડતાળ:ઓનલાઈન દવા સહિતના મુદ્દે 35 હજાર સ્ટોર બંધ રહેશે, ઈમરજન્સી દવા માટે રાજ્યમાં 832 સ્ટોર ખુલ્લા રહેશે; જુઓ લિસ્ટ

Gujarat5/20/2026, 12:30:00 AM
રાજ્યમાં આજે મેડિકલ સ્ટોર્સની હડતાળ:ઓનલાઈન દવા સહિતના મુદ્દે 35 હજાર સ્ટોર બંધ રહેશે, ઈમરજન્સી દવા માટે રાજ્યમાં 832 સ્ટોર ખુલ્લા રહેશે; જુઓ લિસ્ટ
ઓનલાઈ દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માગણીનો ઉકેલ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશવ્યાપી હડતાળમાં આજે ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાડશે. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાંથી દર્દીઓને હડતાળ સમયે પણ દવા મળી રહેશે. તમે પણ લિસ્ટમાં તમારા શહેરનું નામ લખી ખુલ્લા રહેનારા મેડિકલ સ્ટોર્સનું નામ જાણી શકશો. અમદાવાદના 3000થી વધુ કેમિસ્ટો હડતાળમાં જોડાશે ઓલ ઈન્ડિયાના 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને અમદાવાદના 3 હજાર જેટલા કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરવાના છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વ્યાપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવામાં મૂડમાં આવી ગયું છે. કોરોના સમયમાં જે ઓનલાઈન દવાઓનો વ્યાપાર શરૂ કરવામાં આવ્યો છે તે બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. તેમજ ડુપ્લીકેટ દવા બનાવનાર સામે કડક કાયદો લાવવામાં આવે તેવી પણ માંગ કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરવા માગ કોરોના સમયમાં લોકો બહાર ન નીકળે માટે ડોર સુધી દવાઓ પહોંચાડવા ઓનલાઈન વ્યાપાર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના કારણે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાનો કેમિસ્ટ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમજ અલગ અલગ ડિસ્કાઉન્ટના નામે ડુપ્લીકેટ દવાઓ લોકોને આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી લોકોના સ્વાસ્થ્યને અસર થતી હોવાથી ઓનલાઈન દવાઓનો વ્યાપાર બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. હડતાળ વચ્ચે તમારા શહેરમાં કયા કયા મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે, તેનું લિસ્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો 'કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતા ઊંચા ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓને નુકસાન' ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલ ઓવર ઇન્ડિયાના 12.40 લાખ કેમિસ્ટો એક દિવસનું બંધ રાખવાના છે. જેમાં ગુજરાતના 35 હજાર અને અમદાવાદના 3 હજાર જેટલા કેમિસ્ટો એક દિવસનું બંધ રાખવાના છે. ગેરકાયદેસર ઑનલાઇનનો જે વ્યાપાર ચાલે છે. તેમજ આજદિન સુધી કોઈ જોગવાઈ નથી છતાં પણ ગેરકાયદેસર રીતે ઓનલાઇન વેપાર ચાલી રહ્યો છે. જેને બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે. નાના વેપારીઓને નુકસાન થતું હોવાનું કહી જશુભાઇએ જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન સંક્રમણ ન ફેલાય, પબ્લિક બહાર ન આવે તે માટે ડોર સુધી ડિલિવરી કરવામાં આવતી હતી. પરંતુ આજે કોરોના ગયા અનેક વર્ષો થઈ ગયા છતાં અત્યારે જે ઓનલાઇન દવાઓનો વ્યાપાર થઈ રહ્યો છે તે વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પરંતુ વધુ ડિસ્કાઉન્ટ આપવા માટે ઘણી બધી ડુપ્લીકેટ દવાઓ બજારમાં આવી ગઈ છે. એક તરફ કોર્પોરેટ કેમિસ્ટો જે પ્રાઈઝ નક્કી કરવામાં આવે છે તેના કરતા વધુ ડિસ્કાઉન્ટ આપીને નાના નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. જેથી અમે એક દિવસ બંધ રાખવાનું આયોજન કર્યું છે. વધુમાં જશુભાઈએ જણાવ્યું હતું કે, એક તરફ નાના વેપારીઓને ધંધો બચાવવા માટે સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઓનલાઇન વ્યાપારના કારણે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. દેશનો GDP નાના અને મધ્યમ વેપારીઓના કારણે વધતો જાય છે પરંતુ અત્યારે તે લોકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે. જેથી નાના વેપારીઓનું અસ્તિત્વ ન જોખમાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો માર્ઝિન DNC એક્ટ મુજબ હોલસેલમાં 8 ટકા, રિટેલમાં 16 ટકા અને રી કંટ્રોલ કેટેગરીમાં 10 હોલસેલ અને 20 ટકા રિટેલ માર્ઝિન રાખવામાં આવે છે. પરંતુ જ્યાં વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આરોગ્યમંત્રીએ અમારી વાત ન સાંભળતા અમારે હડતાળ કરવી પડી રહી છે- જશુભાઈ ડુપ્લીકેટ દવાઓ સામે કડક કાયદો બનાવવાની માંગ સાથે જશુભાઈએ જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ દવાઓ માટે કડક કાયદો બને તે માટે છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆતો કરી રહ્યા છીએ. માંડવીયા સાહેબને હેલ્થ મિનિસ્ટર ન બનાવવામાં આવ્યા તે અમારા માટે દુઃખદ બાબત છે. પરંતુ જે. પી. નડ્ડા દ્વારા અમને એક પણ વખત મુલાકાત કરવામાં આવી નથી અને અનેક રજૂઆત છતાં અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી. જેથી અમે લોકો એક દિવસ બંધ રાખીને વિરોધ કરીશું. કોરોના સમયમાં જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી તેનો ખોટો ઉપયોગ ઓનલાઇન માધ્યમથી થઈ રહ્યો છે તેના પર રોક લગાવવામાં આવે. ડુપ્લીકેટ દવા સામે કડક કાયદો બનાવવામાં આવે તેવી પણ અમારી માંગ છે. ભવિષ્યમાં કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેવી કડક જોગવાઈઓ કરવામાં આવે. જોકે એક દિવસના બંધ દરમિયાન ઈમરજન્સી દવાઓ ચોક્કસથી પૂરી પાડવામાં આવશે. સુરતના 3500થી વધુ કેમિસ્ટો હડતાળમાં જોડાશે સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને AIOCD દ્વારા દેશવ્યાપી બંધમાં જોડાવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરના અંદાજે 3500થી વધુ મેડિકલ સ્ટોર્સ આ હડતાલમાં જોડાશે.કેમિસ્ટોની મુખ્ય માંગ છે કે સરકાર ગેરકાયદેસર ઈ-ફાર્મસી પર પૂર્ણ પ્રતિબંધ લગાવે અને કોરોના કાળમાં આપવામાં આવેલી હોમ ડિલિવરીની છૂટછાટ (GSR 220) પરત ખેંચે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત અને નકલી દવાઓનું વેચાણ વધી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો છે. આ લડતને ઉગ્ર બનાવતા કેમિસ્ટોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના કેમિસ્ટોનો રોજગાર છીનવી રહી છે, જે 'કોમ્પિટિશન એક્ટ' અને 'ડ્રગ પ્રાઇસ રૂલ્સ'નું ઉલ્લંઘન છે. સુરત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનસુખભાઈ રેયાણી અને મંત્રી મયંકભાઈ શેઠનાએ જણાવ્યું હતું કે, "અમારો વિરોધ માત્ર વેપાર માટે નથી, પણ જનતાની સુરક્ષા માટે છે. ઓનલાઇન દવાઓના કારણે ડ્રગ રેઝિસ્ટન્સ જેવી સમસ્યાઓ વધી રહી છે." જો સરકાર 20 મે સુધીમાં કોઈ નક્કર નિર્ણય નહીં લે, તો આગામી સમયમાં અચોક્કસ મુદતની હડતાલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે, ઈમરજન્સી સેવાઓ માટે હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સ કાર્યરત રહે તેવી શક્યતા છે. ફાર્માસિસ્ટ વગર દવા આપવી એ જોખમી છે- મયુરસિંહ જાડેજા ઓલ ઇન્ડિયાના કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ઓનલાઇન દવાનું વેચાણ થઇ રહ્યું છે અને કોરોના પછી આ ખરીદી વધુ થઇ રહી છે. આજે દેશમાં લગભગ 6થી 7% લોકો ઓનલાઇન દવા ખરીદ કરી રહ્યા છે. ઓનલાઇન દવાના નામે ડુપ્લિકેશન થઇ રહ્યું છે અને ડુપ્લીકેટ દવા વેચાઈ રહી છે. પ્રિસ્ક્રિપશન વગર નશાયુક્ત અને ગર્ભપાત જેવી ગંભીર દવાઓ વેચાઈ રહી છે. અમે વર્ષ 2018થી વખતો વખત રજુઆત કરતા આવીએ છીએ કે ઓનલાઇન દવાનું વેચાણ સદંતર બંધ થવું જોઈએ પરંતુ અમારી આ રજુઆત ધ્યાને લેવામાં નથી આવી માટે હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. કોરોના સમયે કરવામાં આવેલા પરિપત્રો રદ કરવામાં આવે તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સમયે સરકાર તરફથી ખાસ બે પરિપત્ર કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ સંક્ર્મણ ન વધે તે માટે ઓનલાઇન વેચાણ માટે છૂટ આપવામાં આવી હતી. અમારી મુખ્ય માંગ એ છે કે કોરોના સમયે કરવામાં આવેલ બન્ને પરિપત્ર હવે રદ કરવામાં આવે. અમેરિકા જેવા સક્ષમ દેશમાં પણ ઓનલાઈન દવાનું વેચાણ નથી થઇ રહ્યું માટે ભારતમાં પણ બંધ થવું જોઈએ તેવી અમારી માંગ છે. ફાર્માસીસ્ટ વગર દવા આપવી એ જોખમ રૂપ કહેવાય ડીલેવરી બોય દ્વારા એક દવાના બદલે અન્ય દવા દેવામાં આવી જાય તો દર્દીને નુકશાન થઇ શકે છે અને તેની જાનનું જોખમ વધી જાય છે. દવા એ જીવન જરૂરી વસ્તુ છે. દવાના અલગ અલગ પ્રકાર હોય છે કેટલીક દવાને વધુ તાપમાનમાં રાખવાની હોય તો કેટલીક દવાને ઓછા તાપમાનમાં રાખવામાં આવતી હોય છે. ઓનલાઇન ડિલિવરીમાં આ પ્રમાણ જળવાઈ શકતું નથી માટે આ કારણથી પણ આ ઓનલાઇન દવા વેચાણ બંધ થવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે દવાઓ ઓનલાઇન અલગ અલગ એપ્લિકેશન મારફત સેલિંગ થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6000 મેડિકલ સ્ટોર સંચાલકો જોડાશે ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સત્યન પટેલએ જણાવ્યું હતું કે, દેશવ્યાપી આંદોલન છે અમારું જેમાં આ એક દિવસીય વિરોધમાં અમારી સાથે રાજકોટના 1400, સૌરાષ્ટ્રના 6000 અને ગુજરાતના 30,000થી વધુ મેડિકલ સ્ટોર સંચાલકો બંધમાં જોડાયા છે. વડોદરામાં બંધને લઈ એસોસિએશનમાં ફાંટા પડ્યા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈને વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં બે ફાંટા પડી ગયા છે. વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે બંધમા ન જોડાવાની જાહેરાત કરી હતી,જ્યારે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ટ્રેઝરરે પ્રેસ કોન્ફરન્સ યોજીને બંધમાં જોડાવાની જાહેરાત કરી હતી વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ટ્રેઝરર રોમિલ કાનપરાએ જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા કેમિસ્ટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ કેમિસ્ટ સ્ટ્રાઇકને લઈને હું વડોદરા કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશન વતી અમારા તમામ રિટેઈલ અને હોલસેલ વેપારીઓને વિનંતી કરવા માંગુ છું કે, તેઓ આ બંધમાં જોડાય. માતૃ સંસ્થાને ક્યારેક ને ક્યારેક આપણી જરૂર હોય છે, તો આ બંધ રાખીને પોતાનો સપોર્ટ જાહેર કરે. ભૂતકાળમાં પણ અને ભવિષ્યમાં પણ માતૃ સંસ્થા આપણને હંમેશા ફાયદો અપાવશે. 99 ટકા હોલસેલ વેપારીઓનું બંધ રાખવાનું સમર્થન વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ પટેલે આ બંધમાં જોડાવાની ના પાડી છે, તો એ વિશે તમારું શું કહેવું છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, મનીષભાઈનો આ બાબતે કોઈ અંગત પ્રશ્ન હોઈ શકે છે, જેના લીધે તેમણે કદાચ આ બંધમાં જોડાવાની ના પાડી છે. પરંતુ આજની તારીખમાં અમારી પાસે 99 ટકા હોલસેલ વેપારીઓનું બંધ રાખવાનું સમર્થન જાહેર કર્યું છે.
Read Original Article →