દવા ખાલી થઈ ગઈ હોય તો ખરીદી લેજો:20મેએ રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર બંધ રહેશે, જાણો કેમિસ્ટોની કઈ કઈ માગણી છે?
ઓનલાઈન દવાના વેચાણ સહિતના મુદ્દે મેડિકલ સ્ટોરધારકોની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટો પરેશાન છે. ત્યારે 20મીએ એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35 હજાર કેમિસ્ટોની સાથે દેશભરના કેમિસ્ટો જોડાવાના છે. ત્યારે લોકો માટે જરુરી છે કે, જો તમારી દવા ખાલી થઈ ગઈ હોય તો 20મી પહેલા જ ખરીદી કરી લેવી. કેમિસ્ટો એવી કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે તેઓએ હડતાળનો શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે. તે જાણવા માટે ભાસ્કરે, અમદાવાદ, સુરત, રાજકોટના કેમિસ્ટો સાથે વાત કરી હતી. અમદાવાદના 3000થી વધુ કેમિસ્ટો હડતાળમાં જોડાશે
ઓલ ઈન્ડિયાના 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને અમદાવાદના 3 હજાર જેટલા કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કરવાના છે. આગામી 20 મેના રોજ તમામ મેડિકલ સ્ટોર સંચાલકો એક દિવસ બંધ રાખીને હડતાળ કરવાના છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વ્યાપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવામાં મૂડમાં આવી ગયું છે. કોરોના સમયમાં જે ઓનલાઈન દવાઓનો વ્યાપાર શરૂ કરવામાં આવ્યો છે તે બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. તેમજ ડુપ્લીકેટ દવા બનાવનાર સામે કડક કાયદો લાવવામાં આવે તેવી પણ માંગ કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરવા માગ
કોરોના સમયમાં લોકો બહાર ન નીકળે માટે ડોર સુધી દવાઓ પહોંચાડવા ઓનલાઈન વ્યાપાર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના કારણે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાનો કેમિસ્ટ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમજ અલગ અલગ ડિસ્કાઉન્ટના નામે ડુપ્લીકેટ દવાઓ લોકોને આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી લોકોના સ્વાસ્થ્યને અસર થતી હોવાથી ઓનલાઈન દવાઓનો વ્યાપાર બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જેથી એક દિવસ મેડિકલ સ્ટોરમાં સંચાલક એક દિવસ બંધ સરકાર પાસે માંગણી કરશે. જો કે આ સમયે ઇમરજન્સી સેવાઓ માટે દવાઓ પૂરી પાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કોઈ દર્દીને હાલાકી ન પડે તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 'કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતા ઊંચા ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓને નુકસાન'
ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 20 મે બુધવારના દિવસે ઓલ ઓવર ઇન્ડિયાના 12.40 લાખ કેમિસ્ટો એક દિવસનું બંધ રાખવાના છે. જેમાં ગુજરાતના 35 હજાર અને અમદાવાદના 3 હજાર જેટલા કેમિસ્ટો એક દિવસનું બંધ રાખવાના છે. ગેરકાયદેસર ઑનલાઇનનો જે વ્યાપાર ચાલે છે. તેમજ આજદિન સુધી કોઈ જોગવાઈ નથી છતાં પણ ગેરકાયદેસર રીતે ઓનલાઇન વેપાર ચાલી રહ્યો છે. જેને બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે. નાના વેપારીઓને નુકસાન થતું હોવાનું કહી જશુભાઇએ જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન સંક્રમણ ન ફેલાય, પબ્લિક બહાર ન આવે તે માટે ડોર સુધી ડિલિવરી કરવામાં આવતી હતી. પરંતુ આજે કોરોના ગયા અનેક વર્ષો થઈ ગયા છતાં અત્યારે જે ઓનલાઇન દવાઓનો વ્યાપાર થઈ રહ્યો છે તે વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પરંતુ વધુ ડિસ્કાઉન્ટ આપવા માટે ઘણી બધી ડુપ્લીકેટ દવાઓ બજારમાં આવી ગઈ છે. એક તરફ કોર્પોરેટ કેમિસ્ટો જે પ્રાઈઝ નક્કી કરવામાં આવે છે તેના કરતા વધુ ડિસ્કાઉન્ટ આપીને નાના નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. જેથી અમે એક દિવસ બંધ રાખવાનું આયોજન કર્યું છે. વધુમાં જશુભાઈએ જણાવ્યું હતું કે, એક તરફ નાના વેપારીઓને ધંધો બચાવવા માટે સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઓનલાઇન વ્યાપારના કારણે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. દેશનો GDP નાના અને મધ્યમ વેપારીઓના કારણે વધતો જાય છે પરંતુ અત્યારે તે લોકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે. જેથી નાના વેપારીઓનું અસ્તિત્વ ન જોખમાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો માર્ઝિન DNC એક્ટ મુજબ હોલસેલમાં 8 ટકા, રિટેલમાં 16 ટકા અને રી કંટ્રોલ કેટેગરીમાં 10 હોલસેલ અને 20 ટકા રિટેલ માર્ઝિન રાખવામાં આવે છે. પરંતુ જ્યાં વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આરોગ્યમંત્રીએ અમારી વાત ન સાંભળતા અમારે હડતાળ કરવી પડી રહી છે- જશુભાઈ
ડુપ્લીકેટ દવાઓ સામે કડક કાયદો બનાવવાની માંગ સાથે જશુભાઈએ જણાવ્યું હતું કે, જેથી ડુપ્લીકેટ દવાઓ માટે કડક કાયદો બને તે માટે છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆતો કરી રહ્યા છીએ. માંડવીયા સાહેબને હેલ્થ મિનિસ્ટર ન બનાવવામાં આવ્યા તે અમારા માટે દુઃખદ બાબત છે. પરંતુ જે પી નડ્ડા દ્વારા અમને એક પણ વખત મુલાકાત કરવામાં આવી નથી અને અનેક રજૂઆત છતાં અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી. જેથી અમે લોકો એક દિવસ બંધ રાખીને વિરોધ કરીશું. કોરોના સમયમાં જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી તેનો ખોટો ઉપયોગ ઓનલાઇન માધ્યમથી થઈ રહ્યો છે તેના પર રોક લગાવવામાં આવે. ડુપ્લીકેટ દવા સામે કડક કાયદો બનાવવામાં આવે તેવી પણ અમારી માંગ છે. ભવિષ્યમાં કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેવી કડક જોગવાઈઓ કરવામાં આવે. જોકે એક દિવસના બંધ દરમિયાન ઈમરજન્સી દવાઓ ચોક્કસથી પૂરી પાડવામાં આવશે. સુરતના 3500થી વધુ કેમિસ્ટો હડતાળમાં જોડાશે
સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને AIOCD દ્વારા આગામી 20 મે 2026, બુધવારના રોજ દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. સુરત શહેરના અંદાજે 3500થી વધુ મેડિકલ સ્ટોર્સ આ હડતાલમાં જોડાશે, જેના કારણે સામાન્ય જનતાને દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. કેમિસ્ટોની મુખ્ય માંગ છે કે સરકાર ગેરકાયદેસર ઈ-ફાર્મસી પર પૂર્ણ પ્રતિબંધ લગાવે અને કોરોના કાળમાં આપવામાં આવેલી હોમ ડિલિવરીની છૂટછાટ (GSR 220) પરત ખેંચે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત અને નકલી દવાઓનું વેચાણ વધી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો છે. આ લડતને ઉગ્ર બનાવતા કેમિસ્ટોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના કેમિસ્ટોનો રોજગાર છીનવી રહી છે, જે 'કોમ્પિટિશન એક્ટ' અને 'ડ્રગ પ્રાઇસ રૂલ્સ'નું ઉલ્લંઘન છે. સુરત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનસુખભાઈ રેયાણી અને મંત્રી મયંકભાઈ શેઠનાએ જણાવ્યું હતું કે, "અમારો વિરોધ માત્ર વેપાર માટે નથી, પણ જનતાની સુરક્ષા માટે છે. ઓનલાઇન દવાઓના કારણે ડ્રગ રેઝિસ્ટન્સ જેવી સમસ્યાઓ વધી રહી છે." જો સરકાર 20 મે સુધીમાં કોઈ નક્કર નિર્ણય નહીં લે, તો આગામી સમયમાં અચોક્કસ મુદતની હડતાલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે, ઈમરજન્સી સેવાઓ માટે હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સ કાર્યરત રહે તેવી શક્યતા છે. ફાર્માસિસ્ટ વગર દવા આપવી એ જોખમી છે- મયુરસિંહ જાડેજા
ઓલ ઇન્ડિયાના કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ઓનલાઇન દવાનું વેચાણ થઇ રહ્યું છે અને કોરોના પછી આ ખરીદી વધુ થઇ રહી છે. આજે દેશમાં લગભગ 6થી 7% લોકો ઓનલાઇન દવા ખરીદ કરી રહ્યા છે. ઓનલાઇન દવાના નામે ડુપ્લિકેશન થઇ રહ્યું છે અને ડુપ્લીકેટ દવા વેચાઈ રહી છે. પ્રિસ્ક્રિપશન વગર નશાયુક્ત અને ગર્ભપાત જેવી ગંભીર દવાઓ વેચાઈ રહી છે. અમે વર્ષ 2018થી વખતો વખત રજુઆત કરતા આવીએ છીએ કે ઓનલાઇન દવાનું વેચાણ સદંતર બંધ થવું જોઈએ પરંતુ અમારી આ રજુઆત ધ્યાને લેવામાં નથી આવી માટે આગામી 20મેંના રોજ દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે જેમાં દેશભરના 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર ધારકો વિરોધમાં જોડાશે. કોરોના સમયે કરવામાં આવેલા પરિપત્રો રદ કરવામાં આવે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સમયે સરકાર તરફથી ખાસ બે પરિપત્ર કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ સંક્ર્મણ ન વધે તે માટે ઓનલાઇન વેચાણ માટે છૂટ આપવામાં આવી હતી. અમારી મુખ્ય માંગ એ છે કે કોરોના સમયે કરવામાં આવેલ બન્ને પરિપત્ર હવે રદ કરવામાં આવે. અમેરિકા જેવા સક્ષમ દેશમાં પણ ઓનલાઈન દવાનું વેચાણ નથી થઇ રહ્યું માટે ભારતમાં પણ બંધ થવું જોઈએ તેવી અમારી માંગ છે. ફાર્માસીસ્ટ વગર દવા આપવી એ જોખમ રૂપ કહેવાય ડીલેવરી બોય દ્વારા એક દવાના બદલે અન્ય દવા દેવામાં આવી જાય તો દર્દીને નુકશાન થઇ શકે છે અને તેની જાનનું જોખમ વધી જાય છે. દવા એ જીવન જરૂરી વસ્તુ છે. દવાના અલગ અલગ પ્રકાર હોય છે કેટલીક દવાને વધુ તાપમાનમાં રાખવાની હોય તો કેટલીક દવાને ઓછા તાપમાનમાં રાખવામાં આવતી હોય છે. ઓનલાઇન ડિલિવરીમાં આ પ્રમાણ જળવાઈ શકતું નથી માટે આ કારણથી પણ આ ઓનલાઇન દવા વેચાણ બંધ થવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે દવાઓ ઓનલાઇન અલગ અલગ એપ્લિકેશન મારફત સેલિંગ થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6000 મેડિકલ સ્ટોર સંચાલકો જોડાશે
ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સત્યન પટેલએ જણાવ્યું હતું કે, દેશવ્યાપી આંદોલન છે અમારું જેમાં આ એક દિવસીય વિરોધમાં અમારી સાથે રાજકોટના 1400, સૌરાષ્ટ્રના 6000 અને ગુજરાતના 30,000થી વધુ મેડિકલ સ્ટોર સંચાલકો બંધ પાડી જોડાશે. લોકોને મહત્વની જાણ એ કરવાની ખાસ કે આ આંદોલન આ વિરોધ અમારું દેશ હિતમાં છે લોકોને કોઈ તકલીફ ન પડે એ પણ અમે ચોક્કસ ખ્યાલ રાખવાના છીએ. રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તમામ શહેરોમાં અમારા એસોસિએશનના લોકોની એક ટિમ કાર્યરત રહેશે જે ઇમર્જન્સીમાં દર્દી સુધી દવા પણ પહોંચાડી આપશે. અમે તમામ વિભાગને પણ જાણ કરીશું અને અમારી ટીમના સંપર્ક નંબર પણ આપીશું જેથી કોઈ પણ ઇમર્જન્સી આવે તો તેમનો સંપર્ક કરી નંબર મેળવી શકાય. મોટી તમામ હોસ્પિટલ કે જ્યાં ઇમર્જન્સી સર્વિસ ચાલુ હોય તેમાં અંદર મેડિકલ સ્ટોર ચાલુ જ રહેશે. લોકોને કોઈ જગ્યાએ તકલીફ નહિ પડે એ અમે પુરી કાળજી રાખીશું. રાજકોટમાં ઈમરજન્સી દવા માટે વ્યવસ્થા કરવામાં આવી ઈમરજન્સી માટે નીચે મુજબના મેડિકલ સ્ટોર વિસ્તાર પ્રમાણે ખુલ્લા રાખવાની વ્યવસ્થા અમારી સંસ્થા કેમિસ્ટ એસોસિએશન રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. (1) સ્ટાર સિનરજી હોસ્પિટલ, ઇન્ડોર મેડિકલ, મવડી મેઇન રોડ (2) ક્રાઈસ્ટ હોસ્પિટલ, માધાપર ચોકડી (3) એસસીજી હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, અયોધ્યા ચોક (4) સિનરજી હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, 150 ફૂટ રીંગ રોડ (5) સ્ટર્લીંગ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, ગાંધીગ્રામ (6) વોકહાર્ટ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, કાલાવડ રોડ (7) બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, યુનિવર્સિટી રોડ (8) કેન્સર હોસ્પિટલ, નિર્મલા મેઈન રોડ (9) જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી (10) એચ. જે. દોશી હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, મવડી પ્લોટ વિસ્તાર (11) જલારામ હોસ્પિટલ, પંચવટી મેઇન રોડ (12) ગીરીરાજ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, કાલાવડ રોડ 150 ફૂટ (13) ગોકુલમ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, રણછોડ નગર (14) ગોકુલ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, વિદ્યાનગર મેઇન રોડ (15) નક્ષ કિરણ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, ગાયત્રી નગર મેઇન રોડ આ સિવાય કોઈપણ ઈમરજન્સી મેડિસિન ની જરુરીયાત ઊભી થાય તો અમારી સંસ્થા દ્વારા નીચે મુજબ ના કારોબારીઓને વ્યવસ્થા માટે જવાબદારી સોપેલ છે. તો નીચે મુજબના કારોબારીનો સંપર્ક કરવો. (1) અમિતભાઈ મજેઠીયા - 9824327279 (2) અંકિતભાઈ કાછેલા - 9825081360 (3) ભૂપેશભાઈ તન્ના - 94282 97127 (4) પ્રતિકભાઈ ગોસ્વામી - 9033917618 (5) હિતેષભાઇ ત્રાડા - 99243 51569 વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન બંધમાં નહીં જોડાય
વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારો વિરોધ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ સામે નથી. એ અમારી માતૃ સંસ્થા છે. એ અમારા હિત માટે કામ કરે છે. પરંતુ ગુજરાતના સંગઠન એ રીટેઈલ કેમિસ્ટના હિતો માટે ધ્યાન આપતું નથી. અત્યારે કેમિસ્ટના વ્યવસાયમાં ઘણી બધી તકલીફો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં 2022માં ઓનલાઈન સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરેલો છે. એ વખતે ગુજરાતનું સંગઠન અમારા સપોર્ટમાં આવ્યું નહોતું. આપણે કાયદાથી લડીએ તો નિકાલ આવી શકે છે. બંધ આપવાથી નિકાલ નહીં આવે. આ તો ઇનડાયરેક્ટલી ઓનલાઇન દવાઓનું પ્રમોશન કરી નાખ્યું છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં 3000 મેડિકલ સ્ટોર છે અને 1200 જેટલા અમારા સભ્યો છે. આ હડતાલમાં અમે જોડાવાના નથી. તેઓએ જણાવ્યું હતું કે, આવતીકાલે અમે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા જવાના છીએ. અમે તેમને રજૂઆત કરીશું કે, અમે બંધમાં જોડાવાના નથી. કોઈ બળજબરીપૂર્વક મેડિકલ સ્ટોર બંધ કરાવવા માટે કોઈ આવે તો અમે તમને જાણ કરીશું.
Read Original Article →