અમદાવાદમાં આજે પણ ભયંકર ગરમી, પારો 43.7°C નોંધાયો:રાજકોટ-ગાંધીનગર-અમરેલીના લોકો પણ શેકાયા, 7 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી ઉપર; 24 કલાક પછી રાહત મળવાની શક્યતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલી આકરી ગરમી વચ્ચે નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમિક ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે. જોકે, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો 40°Cથી વધુ જ રહેવાની શક્યતા સેવાઈ રહી છે. વિતેલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ ગરમી અમદાવાદમાં રહી છે, અહીં ગરમીનો પારો 43.7°C નોંધાયો છે. જ્યારે રાજકોટમાં 43.6°C, ગાંધીનગરમા 43.2°C, અમરેલીમાં 43.1°C અને સુરેન્દ્રનગરમાં 43°C મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43°C, ગાંધીનગરમાં 43° C, સુરતમાં 38°C, રાજકોટમાં 43°C, વડોદરામાં 42°C, અમરેલીમાં 42°C, ભૂજમાં 42°C અને ડીસામાં 42°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદમાં ગરમીનો પારો 44°C સુધી પહોંચવાની આશંકા
અમદાવાદમાં આજે આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહ્યું હતું અને મહત્તમ તાપમાન 43.7°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7°C વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28.6°C નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે 50% અને સાંજે ઘટીને 18% રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 44°C સુધી પહોંચી શકે છે. આગામી 7 દિવસ હવામાન સંપૂર્ણ સુકું રહેશે, કોઈ ચેતવણી નથી
આગામી 7 દિવસ (26 મે સુધી) ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સુકું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે કોઈ પણ પ્રકારની ગંભીર હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી, એટલે કે તમામ દિવસોમાં સ્થિતિ સામાન્ય રહેશે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે. હવાનું દબાણ વધુ હોવાને કારણે દરિયાકાંઠે પવનની ગતિ 28થી 37 કિમી પ્રતિ કલાક અને ક્યારેક વધીને 46 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચોમાસાની સ્થિતિ: કેરળમાં સમયસર આગમનની સંભાવના
નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને અંદમાન સમુદ્રના બાકીના વિસ્તારો તરફ આગળ વધશે. હવામાન વિભાગના અંદાજ મુજબ, કેરળમાં ચોમાસાનું આગમન 26 મે, 2026ના રોજ (4 દિવસ પ્લસ-માઇનસની શક્યતા સાથે) થવાની શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન હોય છે. ⇒ ઉનાળામાં સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી? આ સમાચાર જરૂર વાંચો... ઉનાળામાં 8 ભૂલો મગજનું દહીં કરી દેશે!, ડૉક્ટર પાસેથી જાણો સમર હાઇડ્રેશનથી લઈને હાઇજીન સુધીની શ્રેષ્ઠ ટિપ્સ ઉનાળામાં લોકો ઘણી એવી નાની-નાની ભૂલો કરે છે, જે સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. ખૂબ ઠંડું પાણી પીવું, ઓછું પાણી પીવું, તડકામાં તૈયારી વગર નીકળવું, આ ભૂલો તરત અસર નથી બતાવતી. પરંતુ ડિહાઇડ્રેશન, થાક, સ્કિન પ્રોબ્લેમ્સ અને પાચન સંબંધિત મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તો આજે આપણે ‘કામના સમાચાર’માં વાત કરીશું કે ઉનાળામાં લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે અને તેનાથી બચવા માટે શું કરવું? વાંચો સંપૂર્ણ સમાચાર ઉનાળામાં હાથ-પગમાં સોજા ચડી જાય છે?, તમને ‘હીટ એડિમા’ની અસર તો નથીને!; જાણો લક્ષણો અને કોને વધુ જોખમ ઉનાળામાં ઘણીવાર હાથ-પગમાં સોજો આવી જાય છે. મોટાભાગના લોકો તેને અવગણે છે, આ 'હીટ એડિમા'નો સંકેત હોઈ શકે છે. ગરમી વધવા પર શરીર પોતાને ઠંડુ રાખવા માટે ઘણા ફેરફારો કરે છે, જેની અસર રક્તવાહિનીઓ અને ફ્લૂઇડ બેલેન્સ પર પડે છે. પરિણામે, પગ, ઘૂંટીઓ અથવા હાથમાં હળવો સોજો આવે છે. આ સ્થિતિ સામાન્ય રીતે ખતરનાક નથી હોતી, પરંતુ તે વારંવાર થવું કોઈ આંતરિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે. તેથી 'ફિઝિકલ હેલ્થ'માં આજે હીટ એડિમાની વાત કરીશું. સાથે જ જાણીશું કે, આ શા માટે થાય છે?, હીટ એડિમાના શું લક્ષણો છે? અને હીટ એડિમાથી બચવાના શું ઉપાયો છે?… સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો
Read Original Article →