સુરતના યુવાને ડાયવોર્સી કહીને અમદાવાદની મહિલાને ફસાવીને શરીર સંબંધ બાંધ્યા:મેટ્રિમોનિયલ સાઈટથી સંપર્ક ને મંદિરમાં સિંદૂર ભરી પત્ની બનાવી, ઘરે પહોંચી તો સામે પહેલી પત્ની ને બાળકો
અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ સુરતમાં રહેતા યુવક સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મેટ્રિમોનિયલ સાઈટ પરથી શરૂ થયેલો પરિચય પ્રેમ સંબંધ સુધી પહોંચ્યો હતો, પરંતુ અંતે યુવક પહેલેથી જ પરણિત અને બે બાળકોનો પિતા હોવાનું સામે આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મેટ્રિમોનિયલ સાઈટ પરથી મહિલા સાથે સંપર્ક કર્યો
નવા વાડજમાં રહેતી યુવતીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે માતા અને બે ભાઈ સાથે રહે છે. 2006માં તેના લગ્ન થયા હતા અને તેને બે બાળકો પણ છે, પરંતુ પતિ સાથે મનમેળ ન રહેતા અંતે તેણે છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ વર્ષ 2025માં યુવતીએ ફરી લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઈટ પર પોતાની વિગતો અપલોડ કરી હતી. આ દરમિયાન સુરતમાં રહેતા પ્રકાશ ડોંડાએ યુવતીને સંપર્ક કર્યો હતો. યુવક અમદાવાદ આવ્યો, મહિલા યુવકને મળવા સુરત ગઈ
પ્રકાશે પોતે પણ ડાયવોર્સી હોવાનું કહી 2022માં છૂટાછેડા થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી અને વોટ્સએપ કોલ પર વાતચીત શરૂ થઈ હતી. બંને પ્રથમ વખત અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં મળ્યા હતાં. ત્યારબાદ યુવતી પોતાની બહેનપણી સાથે પ્રકાશને મળવા સુરત ગઈ હતી. પ્રકાશે તેને પોતાનું ઘર પણ બતાવ્યું હતું. ધીમે ધીમે બંને વચ્ચે નજીકતા વધતી ગઈ હતી. મંદિરમાં સિંદૂર ભરી પત્ની બનાવી, હોટેલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા
પ્રકાશે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી અને બંને વિસનગર ખાતે આવેલા મંદિરમાં ગયા હતા. ત્યાં પ્રકાશે યુવતીના માથામાં સિંદૂર ભરી તેને પત્ની તરીકે સ્વીકારી હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ પ્રકાશ અમદાવાદ આવ્યો હતો અને શાહીબાગ વિસ્તારમાં આવેલી હોટેલમાં યુવતીને લઈ ગયો હતો, જ્યાં લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં ફરી એક વખત અમદાવાદ આવી તેણે યુવતી સાથે સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જોકે થોડા સમય બાદ પ્રકાશે અચાનક ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ઘરે પહોંચી તો સામે આવી અસલી પત્ની
શંકા જતા યુવતી સીધી સુરત ખાતે પ્રકાશના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચી તેને મોટો આઘાત લાગ્યો હતો, કારણ કે પ્રકાશ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હોવાનું સામે આવ્યું હતું. યુવતીને જોઈ પ્રકાશ ઘર અંદર સંતાઈ ગયો હતો. ત્યારબાદ યુવતી અને પ્રકાશની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. અંતે યુવતીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ ડોંડા સામે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →