સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ:ઉમેદવારી રદ થતા ભારે હંગામો થવાની શક્યતા, 14 અને 15 એપ્રિલ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે
રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ચૂંટણી અધિકારી દ્વારા 13 એપ્રિલને સોમવારના ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે ગરમા ગરમી જોવા મળી શકે છે. આ દરમિયાન ફોર્મ રદ થતા ઉમેદવારો ભારે હંગામો પણ મચાવી શકે છે. જોકે, ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં આવશે. આ દરમિયાન અનેક ઉમેદવારો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ભરપૂર પ્રયાસ કરશે. 15 એપ્રિલના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે તે સ્પષ્ટ થશે. 15 મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
12 એપ્રિલને રવિવારના રોજ 15 મનપાઓમાં એક જ સમયે 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ભાજપના તમામ ઉમેદવારોએ નાત, જાત અને ધર્મ ભેદભાવ વિના પ્રજાની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો. અમદાવાદમાં કાંકરીયા ખાતે મુખ્યમંત્રીએ 192 ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. બાદમાં ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યકર્તા સાથે ફોટો પણ પડાવ્યો હતો. રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતીમાં કાર્યક્રમ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેના જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં ગોવિંદ પટેલ, નીતિન ભારદ્વાજ સહિતના જૂના જોગીઓ હાજર પણ રહ્યા હતાં. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના ભાજપના 72 ઉમેદવારો અને કાર્યકર્તાઓએ જનસેવાનો સંકલ્પ લઈ પ્રચારની શરૂઆત કરી હતી. 'પોલીસ ભાજપના ઈશારે AAP ઉમેદવારોને ડરાવી-ધમકાવી રહી છે'
સુરતમાં મનપાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પારો ગરમાયો હતો. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસ ભાજપના ઈશારે AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓને ડરાવી-ધમકાવી રહી છે. પહેલાં ફોર્મ પાછા ખેંચવા પૈસાની લાલચ આપી અને જો તેઓ ન માને તો દબાણ લાવવામાં આવ્યું હતું. ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મિલીભગતનો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસે ભાજપના કહેવાથી 200 બેઠક પર એવા ઉમેદવારો ઊભા રાખ્યા છે જે માત્ર વિરોધ પક્ષના મતો તોડવાનું કામ કરે.
Read Original Article →