34 જિલ્લાની જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત 9 તત્ત્વોની ઊણપ:રાસાયણિક - જૈવિક ખાતરની યોગ્ય ટ્રીટમેન્ટ પછી જ ખરીફ વાવણી કરવી
ગુજરાતમાં સૌરાષ્ટ્ર - કચ્છ, ઉત્તર, મધ્ય - મધ્ય પૂર્વ અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં મળી 1.24 કરોડ હેક્ટર જેટલી ખેતીલાયક જમીનમાંથી લગભગ 86 લાખ હે. માં રાસાયણિક ખાતરથી અને લગભગ 3 લાખ હેક્ટરમાં પ્રાકૃતિક ખાતરના ઉપયોગથી ખેતી થાય છે. જ્યારે 35 લાખ હેકટરમાં આંબો, નારિયેળી જેવા બારમાસી પાક તેમજ અન્ય પડતર જમીનનો સમાવેશ થાય છે. રાસાયણિક અને પ્રાકૃતિક અેમ બંને પ્રકારમાં ખરીફ સિઝન માટે જમીનને અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં લોહ અને ઝીંક, ઉત્તર ઝોનમાં સોડિયમ કાર્બોનેટ, ફોસ્ફરસ્ની ઊણપ છે, એટલું જ નહીં અરવલ્લી અને સાબરકાંઠા પંથકમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ ઓછું છે. દક્ષિણ ઝોનમાં નાઇટ્રોજન, સલ્ફર, ઝીંક અને લોહતત્વની ખામી જોવા મળે છે. જ્યારે મધ્ય - મધ્ય પૂર્વ ઝોનમાં જમીનમાં નાઇટ્રોજન, ઝીંક અને સલ્ફરની કમી જોવા મળે છે. આવી સ્થિતિમાં ખરીફ વાવેતર પહેલાં જમીનનું પરીક્ષણ કરાવી તત્ત્વોના સંતુલન માટે રાસાયણિક સહિત જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઇએ. રાસાયણિક ખાતરથી ખેતી કરો છો તો જમીનને આ રીતે તૈયાર કરજો... ઉત્તર ઝોન - ખેડ પછી એકર દીઠ 4 થી 5 ટન સડેલું છાણિયું ખાતર ભેળવવું
પ્રારંભે જમીનમાંથી હાનિકારક કીટકો અને ફૂગના નાશ માટે ખેતરમાં ઊંડી ખેડ કરીને તપવવા મુકવું. ભેજ સંગ્રહ શક્તિ વધારવા રાસાયણિક પ્રકારની ખેતીમાં પણ જમીનનું બંધારણ જાળવવા એકર દીઠ 4 થી 5 ટન સારી રીતે સડેલું છાણિયું ખાતર છેલ્લી ખેડ વખતે જમીનમાં ભેળવવું. વાવણી વખતે ડી.એ.પી કે એન.પી.કે આપવું પણ પાયામાં યુરિયા ના આપવું. મધ્ય ઝોનમાં ખેડ કરીને પાણી આપો જેથી જમીની તત્ત્વો જળવાઇ રહે
અહીયા ગોરાડુ જમીન હોવાથી ઝીંક વધારો થાય તેવા તત્વો ઉમેરવા. નાઇટ્રોજન અને સેન્દ્વિય તત્વોનું પ્રમાણ વધારવા માટે છેલ્લી ખેડ વખતે એકર દીઠ 4 થી 5 ટન સડેલું છાણિયું ખાતર કેે અળશિયાનું ખાતર આપવું. મરઘા ખાતર ખેતરમાં 15 દિવસ અગાઉ ભરી તપવા દેવું. ત્યારબાદ ખેડ કરીને પાણી આપવું. સૌરાષ્ટ્ર - કચ્છ ઝોનમાં લોહ અને ઝીંકની ઊણપને ધ્યાને રાખી છેલ્લી ખેડમાં ખાતર ભેળવો
સૌરાષ્ટ અને કચ્છ ઝોનમાં લોહ અને ઝીંકની ઊણપ હોવાથી રાસાયણિક અને જૈવિક ખાતર પૂરતા પ્રમાણમાં આપવા. યુરિયા કે ડી.એ.પીની જગ્યાએ લિક્વીડ ફોર્મમાં આવતા ખાતરનો ઉપયોગ કરવાથી ખર્ચ ઘટાડી શકાય છે. જરુર પડેતો એસ.એસ.પી ખાતર આપી શકાય. છેલ્લી ખેડ વખતે આવા ખાતરો ભેળવવા. દક્ષિણ ઝોનમાં વરસાદ વધુ રહે તેથી પહેલાં પાણી નિકાલની વ્યવસ્થા કરવી
દ. ગુ. માં વાવણી પહેલાં ખેતરમાં શણ કે ઇકડ ઉગાડી, ફૂલ આવતા પહેલાં તેને જમીનમાં રોટાવેટર દ્વારા દબાવી દેવું જેથી ભરપૂર માત્રામાં કુદરતી નાઇટ્રોજન અને ઓર્ગેનિક કાર્બન મળી રહે. વાવણી પહેલાં જ ખેતરની ચારેય તરફ મજબૂત પાળા બનાવી નિકાલ માટે નીક બનાવી લેવી.
પ્રાકૃતિક ખેતી માટે જમીનને તૈયાર કરવામાં ઘનજીવામૃત અને ખોળનું વિશેષ મહત્વ 1. ઉત્તર ઝોનમાં શણ અથવા ઇકડના પાકને રોટોવેટરથી જમીનમાં દબાવો
જમીનનું બંધારણ સુધારવા, ભેજશક્તિ વધારવા છેલ્લી ખેડ વખતે વીઘે ટન પ્રમાણે દેશી ગાયના છાણમાંથી બનેલું ઘનજીવામૃત કે પછી સારી રીતે સડેલું કમ્પોસ્ટ ખાતર જમીનમાં ભેળવવું. શણ અથવા ઇકડના પાકને રોટોવેટરથી જમીનમાં દબાવી દેવા.જેથી નાઇટ્રોજનનું પ્રમાણ કુદરતી રીતે વધશે. વાવણી વખતે પાયામાં બીજામૃતનો પટ આપીને જ વાવણી કરવી. 2. મધ્ય ઝોનમાં ઓર્ગેનિક કાર્બનની ઊણપ ઘટાડવા અળસિયાનું ખાતર આપો
આ વિસ્તારની ગોરાડુ જમીનમાં ઝીંક અને સલ્ફરની વધુ ઊણપ હોવાથી ઓર્ગોનિક કાર્બન વધારવા ખેડ વખતે ઘનજીવામૃત અને અળસિયાનું ખાતર આપવું. જમીનજન્ય રોગો અટકાવવા લીંબોડી, દીવેલા કે એરંડાનો ખોળ પાયામાં આપવો. કોઇ ખેડૂત પૂરક તરીકે મરઘાના ખાતરનો ઉપયોગ કરી શકે છે. 2 સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં પાક લેતા પહેલાં સૂકાપાંદડાનું આચ્છાદન કરવું
જમીનમાં ભેજ લાંબો સમય ટકે તે માટે અગાઉના પાકું પરાળ, સૂકા પાંદડાનું આચ્છાદન કરવું. તેમજ વાવણી પહેલાં અથવા વાવણી સાથે જ જમીનમાં ગાયનું મૂત્ર, છાણ, ગોળ, ચણાનો લોટ અને વડ નીચેની માટીનું મિશ્રણ આપવું. વાવણી સમયે ગળતિયા ખાતર સાથે ટ્રાયકોડમાં હરજીયાનમ જેવા મિત્ર ફૂગના કલ્ચરને ભેળવવાથી સડો નહીં થાય. 4 દક્ષિણ ઝોન : વરાપ આવે ત્યારે જ યોગ્ય ખેડ કરવી જેથી જમીનનાં ઢેફાં ના રહે
દક્ષિણમાં વધુ વરસાદ પડતો હોવાથી પાકના મૂળ સડે નહીં તે માટે વાવણી પહેલાં ખેતરની ફરતે મજબૂત પાળા બનાવવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. પંથકની જમીન ભારે હોવાથી બહુ વહેલી ખેડ કરવાના બદલે જમીન વરાપ પર આવે ત્યારે જ ખેડ કરવાથી જમીનનાં ઢેફાં ભાગી જશે. નોંધ - જમીન ચકાસણી અહીં કરાવી શકાય : દરેક જિલ્લામાં આવેલી સરકારી પ્રયોગશાળામાં વિનામૂલ્યે તેમજ તમામ કૃષિ યુનિ.ઓમાં પણ પરીક્ષણ કરી અપાય છે. આ માટે જમીનનો નમુનો લઇ જવાનો રહે છે.
Read Original Article →