14 મહિનાના વિલંબ અને નોંધાયેલી બેદરકારી છતાં દંડ નહીં:ગુજરાત માહિતી આયોગે માત્ર તાકીદ કરીને બીજી અપીલનો નિકાલ કર્યો આયોગે પોતાના ચુકાદામાં જાહેર માહિતી
સુરત જિલ્લાના એક આરટીઆઈ (RTI) પ્રકરણમાં ગુજરાત માહિતી આયોગનો તાજેતરનો નિર્ણય ભારે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી અધિકાર અધિનિયમની કલમ-20(1) હેઠળ દંડ અને કલમ-20(2) હેઠળ શિસ્ત વિષયક પગલાં લેવાની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં આયોગે જાહેર માહિતી અધિકારીની ગંભીર બેદરકારી અને 14 મહિનાના લાંબા વિલંબની નોંધ લઈને પણ કોઈ જ દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી કરી નથી. આયોગે માત્ર 'સખ્ત તાકીદ' કરીને અપીલનો નિકાલ કરી દેતાં RTI કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શું હતો સમગ્ર મામલો?
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની માસમા ગ્રામ પંચાયતમાં અરજદાર હરેશ સિસારાએ માર્ચ ૨૦૨૫માં ગામતળ અને સીમતળના નકશાની નકલો મેળવવા માટે RTI અરજી કરી હતી. કાયદાકીય સમયમર્યાદામાં માહિતી ન અપાતા અરજદારે પ્રથમ અપીલ અને ત્યારબાદ આયોગ સમક્ષ બીજી અપીલ કરવી પડી હતી. છેવટે, આશરે ૧૪ મહિનાના અત્યંત લાંબા વિલંબ બાદ ૧૧ મે, ૨૦૨૬ના રોજ અરજદારને આ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આયોગે કારણદર્શક નોટિસ આપી પણ અંતે નરમ વલણ દાખવ્યું
આશ્ચર્યની વાત એ છે કે, સુનાવણી દરમિયાન ખુદ આયોગે નોંધ્યું હતું કે જાહેર માહિતી અધિકારીએ RTIની સમયમર્યાદાનું પાલન કર્યું નથી અને પ્રથમ અપીલ અધિકારીના આદેશની પણ અવગણના કરી છે. આયોગે આ વર્તનને "અત્યંત બેદરકારીભર્યું" ગણાવીને દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે કારણદર્શક નોટિસ પણ ફટકારી હતી. પરંતુ, આટલા ગંભીર તારણો બાદ પણ આખરી ચુકાદામાં આયોગે અરજદારની દંડ અને શિક્ષાની માંગણી ફગાવી દીધી હતી અને માત્ર ભવિષ્યમાં ધ્યાન રાખવાની ચેતવણી આપી મામલો થાળે પાડી દીધો હતો. આયોગે પોતાના હુકમમાં શું નોંધ્યું?
વિવાદીને આશરે 14 મહિના પછી માહિતી આપવામાં આવી છે જે અત્યંત બેદરકારીભર્યું વર્તન છે. ભવિષ્યમાં આવી બાબતનું પુનરાવર્તન ન થાય તે માટે જાહેર માહિતી અધિકારીને સખ્ત તાકીદ કરવામાં આવે છે. અધિકારીઓ વિવાદીને હેરાન-પરેશાન કરવાની અને માહિતી સમયસર ન આપવાની માનસિકતામાંથી દૂર રહે. જો ભવિષ્યમાં આવી ઘટના બનશે તો નિયમાનુસાર પગલાં લેવાની આયોગને ફરજ પડશે. હાલના તબક્કે વિવાદીની દંડ અને શિક્ષાની માંગણી ગ્રાહ્ય રાખવાપાત્ર નથી." પ્રથમ અપીલ અધિકારીને પણ સૂચના
સુનાવણી દરમિયાન પ્રથમ અપીલ અધિકારીએ આયોગને સ્વીકાર્યું હતું કે તેમના આદેશ પછી પણ જાહેર માહિતી અધિકારીએ નિયત સમયમાં માહિતી આપી નહોતી. આ અંગે આયોગે પ્રથમ અપીલ અધિકારીને પણ તાકીદ કરી છે કે, જ્યારે તેમના આદેશનું પાલન ન થાય ત્યારે સંબંધિત માહિતી અધિકારી વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ભારત સરકારની સ્પષ્ટ સૂચનાઓ મોજૂદ છે, જેનું પાલન કરવું જરૂરી છે. આ સાથે આયોગે સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ પ્રોપર RTI રજિસ્ટર નિભાવવા પણ સૂચન કર્યું છે. માત્ર ચેતવણી અપાશે તો કાયદો કાગળ પર રહી જશે: અરજદાર
આ વિવાદાસ્પદ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરતા અરજદાર હરેશ સીસારાએ જણાવ્યું હતું કે, આ પ્રકરણથી જવાબદારી નિર્ધારિત કરવાની આયોગની પ્રક્રિયા અને તેની અસરકારકતા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે. જો જવાબદાર અધિકારીઓની આવી ખુલ્લી બેદરકારી સામે પણ આયોગ દાખલારૂપ દંડકીય કાર્યવાહી કરવાને બદલે માત્ર સામાન્ય ચેતવણી આપીને સંતોષ માનશે, તો માહિતીનો આ મજબૂત કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહી જશે અને નાગરિકોને ક્યારેય સમયસર ન્યાય કે માહિતી મળી શકશે નહીં.
Read Original Article →