દાંતામાં વન અધિકારીઓ-પોલીસ ઉપર હુમલાનો કેસ:હાઇકોર્ટે કહ્યું- વહીવટી તંત્રે આદિજાતિઓને સમજાવવાને બદલે ફોર્સની તાકાત બતાવી, 13 એપ્રિલે કોર્ટમાં અધિકારીઓ હાજર રહે
ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલીયા ગામના રહેવાસી છે. 500 લોકોએ ધારીયા, તલવાર જેવા સાધનોથી હુમલો કર્યો
આ કેસમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે રોપા રોપવા માટે ખાડા ખોદવા ગયા હતા. જ્યાં 500 જેટલા આદિજાતિ લોકોએ તેમની ઉપર ફરિયાદમાં જણાવ્યા મુજબ ધારીયા, તીર, તલવાર, કુહાડી, લાકડી અને ધોકા જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અધિકારીઓને ઈજા થઈ હતી. ફરિયાદમાં સરકારી અધિકારી પાસેથી લૂંટ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ અરજદારે ગામના લોકોને ઉશેકરવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. આરોપીઓએ પોલીસ-વન વિભાગની ફરજમાં રૂકાવટ ઊભી કરી
સરકારી વકીલે જણાવ્યું હતું કે, 28 આરોપીઓ સામે નામજોગ અને 500 ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 10 જેટલી મહિલાઓનો સમાવેશ થતો હતો. આરોપીઓએ પોલીસ અને વન વિભાગના કર્મચારીઓની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઘટનામાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ ઇજાઓ થઈ હતી. સરકારી વાહનોને સળગાવવામાં આવ્યા હતા. ઝાડ અને પથ્થરોની આડસ મૂકીને વધારાની ફોર્સને મદદ માટે બોલાવતી રોકવા પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગ્રામજનો સરકારી જમીન ઉપર રોપા વાવવા ઇચ્છતા નહોતા
જો કે, હાઇકોર્ટે પૂછ્યું હતું કે, આ ઘર્ષણનું કોઈ કારણ ફરિયાદમાં દેખાતું નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે ગ્રામજનો સરકારી જમીન ઉપર રોપા વાવવા ઇચ્છતા નહોતા, તેમના કહ્યાં મુજબ આ જમીન તેમની છે અને ગ્રામસભાના ઠરાવ વગર તેઓ રોપા વાવી શકે નહીં. જો કે કોર્ટે કહ્યું હતું કે આટલા મોટા પોલીસ પ્રોટેકશન સાથે વહીવટી તંત્ર ગયું હોય તો કંઈક કારણ હશે! 500 લોકોએ શા માટે વન વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપર હુંમલો કર્યો? વળી વહીવટી તંત્ર પણ શા માટે આટલા મોટા પોલીસ ફોર્સ સાથે રોપા વાવવા એક ગામમાં ગયું હતું? વળી તેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર શા માટે પડી? આ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક મુદ્દો છે
વહીવટી તંત્ર જાણતું હતું કે, અહીંયા પ્રશ્ન છે, જેથી કરીને જો ફાયરીંગ કરવાની નોબત આવી પડે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હુકમ આપી શકે! હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે, આ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક મુદ્દો છે. આ અગાઉ પણ એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ગ્રામજનોએ રોપા રોપવા અંગે ગ્રામસભાની મંજૂરી લીધી હતી કે કેમ તે સંદર્ભે વહીવટી તંત્રને પ્રશ્ન કર્યો હતો. લોકોને સમજાવવા તંત્રે શું કર્યું?
કોર્ટે કહ્યું હતું કે, તંત્ર એ પ્રશ્ન ઉકેલવાની જગ્યાએ મોટી સેના લઈને ગયું હતું. જેથી તેઓ પોતે શક્તિશાળી છે તેમ ગ્રામજનો સામે પ્રસ્થાપિત કરી શકે. આ માહિતીના આદાન પ્રદાનને ગેપ હતો. લોકોને સમજાવવા તંત્રે શું કર્યું? તમે કલેક્ટર જોડે વાત કરી? આ આપણા નાગરિકો છે, તેઓ કાયદો હાથમાં ના લઈ શકે, પરંતુ તમે શક્તિ બતાવવાની કોશિશ કેમ કરી? તમે પોલીસ ફોર્સનો પાવર કેમ બતાવ્યો? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ગોળી ચલાવવાનો પરવાનો લેવા લઈને ગયા હતા? તમે લોકોને શું મેસેજ આપવ માંગતા હતા કે તમે લોકોને મારવા આવ્યા છો? આ તો ભારતના નાગરિકો છે ને? 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરની FIR વચ્ચે તમે શું કર્યું? આ મુદ્દે વધુ સુનાવણી 13 એપ્રિલે રાખવામાં આવી છે, જ્યાં વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
Read Original Article →