મ્યુઝિકલ ઇવેન્ટ આયોજક પતિને LLB પત્નીને ભરણપોષણ ચૂકવવા કોર્ટનો હુકમ:હાઈકોર્ટે કહ્યું- LLBની ડિગ્રી હોવાથી ભરણપોષણનો ઇનકાર કરી શકાય નહીં, પતિ મહિને 10 હજાર રૂપિયા ચૂકવે
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ફેમિલી કોર્ટનો આદેશને યથાવત રાખ્યો છે અને જણાવ્યું છે કે, છૂટાછેડા લીધેલી પત્ની જોડે LLBની ડિગ્રી હોવા માત્રથી તેને ભરણપોષણની ચૂકવણી કરવાનો ઇન્કાર કરી શકાય નહીં. આ સાથે જ હાઇકોર્ટે પતિને દર મહિને પત્નીને 10 હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો ફેમિલી કોર્ટનો આદેશને માન્ય ઠેરવ્યો છે. વધુમાં આ મામલે હાઇકોર્ટે પત્નીની રિવિઝન અરજી રદ કરી હતી, જેમાં તેણે મહિને 10 હજારના ભરણપોષણની રકમને વધારીને 25 હજાર કરવાની દાદ માંગી હતી. પતિ દારૂની લતે ચઢ્યો હતો અને પત્ની સાથે ખરાબ વર્તન કરતો
આ કેસને વિગતે જોતા પતિ અને પત્નીના લગ્ન વર્ષ 2008માં થયા હતા. પત્નીનો એવા દાવો હતો કે પતિ ભારત અને વિદેશમાં સિંગિંગ અને મ્યુઝિકલ ઇવેન્ટ્સનું આયોજન કરતો હતો. જેના થકી તેને ખૂબ નોંધપાત્ર આવક થતી હતી. પરંતુ પાછળથી તે દારૂની લતે ચઢ્યો હતો અને પત્ની સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો. લગ્નના છ મહિના બાદ તેનો પતિ અને સાસરિયા તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા હતા. તેને માનિસક અને શારીરિક ત્રાસ આપતાં હતા અને દહેજની માંગ પણ કરવા લાગ્યા હતા. વર્ષ 2016માં બંને પક્ષોએ છૂટાછેડા લીધા હતા
ત્યારબાદ વર્ષ 2013 ડિસેમ્બરથી પતિ અને પત્ની અલગ અલગ રહેવા લાગ્યા હતા. પરંતુ તેમ છતાંય પત્ની ઉપર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવતો હતો. જેના કારણે પત્ની પિયરે આવી ગઇ હતી. વર્ષ 2016માં બંને પક્ષોએ છૂટાછેડા લીધા હતા અને પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. ફેમિલી કોર્ટે મહિને 10 હજારના ભરણપોષણનો હુકમ કર્યો
વર્ષ 2016માં પત્નીએ ભરપણપોષણ મેળવવા માટે કાયદેસરની અરજી કરી હતી. જેમાં દર મહિને 2 હજાર રૂપિયા ચૂકવવાનો વચગાળાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં પાછળથી ફેમિલી કોર્ટે મહિને 10 હજાર રૂપિયાના ભરણપોષણનો હુકમ કર્યો હતો. ભરણપોષણની રકમ વધારી આપવાની માગ સાથે પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે 10 હજાર રૂપિયાની રકમ ખૂબ ઓછી છે. ફેમિલી કોર્ટે તેની તબીબી જરૂરિયાતો અને પતિની નોંધપાત્ર આવકનું મૂલ્યાંકન યોગ્ય રીતે કર્યું નથી. તેનો પતિ મ્યુઝિકલ શો કરીને સારું કમાય છે. બીજી તરફ પત્ની વકીલાતનો વ્યવસાય કરતી હતી અને પતિ રોજના 200થી 250 રૂપિયા જ કમાતો હોવાની દલીલ પતિએ કરી હતી. પત્નીને મહિને 10 હજાર રૂપિયાનું ભરણપોષણ યોગ્ય: હાઈકર્ટ
જો કે આ કેસમાં બંને પક્ષોની રજૂઆતોના અંતે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પત્નીને મહિને 10 હજાર રૂપિયાનું ભરણપોષણ યોગ્ય છે. પત્ની LL.Bની ડિગ્રી ધરાવે છે, માત્ર એ ભરણપોષણનો ઇનકાર કરવાનો આધાર બની શકે નહીં. આ મુદ્દો ફેમિલી કોર્ટે પણ ધ્યાને લીધો છે. પતિની મહિનાની આવક 33 હજાર રૂપિયા જેટલી હોવાનું દસ્તાવેજી પુરાવા દર્શાવે છે. આ સંજોગોમાં કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ પણ પતિ તેના બાળક અને પત્નીની જવાબદારીમાંથી છટકી શકે નહીં. તેણે તેની કાયદેસરની પત્ની અને બાળકોની જવાબદારી ઉઠાવવી જ પડે. હાઈકર્ટે પત્નીની રિવિઝન અરજી રદ કરી હતી
હાઇકોર્ટે પત્નીની ભરણપોષણની રકમ વધારી આપવા માટેની રિવિઝન અરજી રદ કરી હતી. સાથે જ એમ પણ નોંધ્યું હતું કે જો ભવિષ્યમાં સંજોગો બદલાય અને ભરણપોષણની રકમમાં સુધારાની જરૂર જણાય તો પત્નીને કાયદેસરની અરજી કરવાની છૂટ છે.
Read Original Article →