દસ્તાવેજોમાં બાયોલોજીકલ પિતાનું નામ ઉમેરવા હાઇકોર્ટમાં અરજી:માતાએ બીજા લગ્ન કરતા યુવતી નાનપણથી સાવકા પિતા સાથે રહી હતી, કોવિડમાં માતાનું મોત થતાં સગા પિતા સાથે રહેવા ગઈ
એક યુવતીના શાળાના દસ્તાવેજોમાં તેના સાવકા પિતાનું નામ હતું. જેમણે તેણીની માતાના પુનઃલગ્ન પછી તેણીનો ઉછેર કર્યો હતો. 20 વર્ષીય અરજદાર યુવતીનો દાવો છે કે તે દસ્તાવેજો હવે તેણીની ઓળખ અથવા પારિવારિક વાસ્તવિકતા દર્શાવતા નથી. કોરોના મહામારીમાં યુવતીએ તેની માતાને ગુમાવ્યા પછી, તેણી ગાંધીનગરમાં પોતાના સગા કે બાયોલોજીકલ પિતા સાથે રહેવા પાછી ફરી હતી. પરંતુ જ્યારે તેણીએ પાસપોર્ટ અને વિઝા જેવા સત્તાવાર દસ્તાવેજો માટે અરજી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે નામોમાં તફાવત હોવાને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. સાવકા પિતાનું નામ હટાવીને સગા પિતાનું નામ ઉમેરવા માગ
તેણીએ હવે તેના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને માર્કશીટ્સમાં તેના સાવકા પિતાના નામના સ્થાને તેના સગા પિતાનું નામ બદલવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. માણસા તાલુકાની રહેવાસી આ યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેણીએ વિનંતી કરી છે કે તેના શાળાના દસ્તાવેજોમાંથી તેના સાવકા પિતાનું નામ હટાવીને તેના સગા પિતાનું નામ ઉમેરવામાં આવે. માતાએ પુનઃલગ્ન કરતા યુવતી સાથે ગઈ હતી
અરજી અનુસાર યુવતી જ્યારે નાની હતી ત્યારે રૂઢિગત છૂટાછેડા દ્વારા તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. તેણીની માતાએ પાછળથી બીજા વ્યક્તિ સાથે પુનઃલગ્ન કર્યા હતા અને યુવતીને સાથે લઈને ભરૂચ જિલ્લામાં રહેવા જતા રહ્યા હતા. તેણીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ ભરૂચમાં કર્યો હોવાથી તેણીના શાળાના રેકોર્ડ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરાયેલ માર્કશીટમાં તેના સાવકા પિતાનું નામ હતું. માતાનું મોત થતાં યુવતી પિતા સાથે રહેવા પરત ફરી
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ કાનૂની દત્તક લેવાની પ્રક્રિયા અથવા ઔપચારિક પ્રક્રિયા વિના જ તેના રેકોર્ડમાં સાવકા પિતાનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. કોવિડના સમયગાળા દરમિયાન યુવતીએ તેની માતા ગુમાવી અને તે ગાંધીનગરમાં તેના સગા પિતા સાથે રહેવા પાછી આવી. ત્યારથી તે તેમની સાથે જ રહે છે. હાઇકોર્ટે એજ્યુકેશન બોર્ડ અને ગાંધીનગરની શાળાના સત્તાવાળાઓને નોટિસ પાઠવી
ગયા વર્ષે તેણીએ શાળા તેમજ શિક્ષણ બોર્ડના સત્તાવાળાઓને તેના દસ્તાવેજો સુધારવા માટે નિર્દેશ આપવાની માગ સાથે માણસાની કોર્ટનો સંપર્ક કર્યો હતો. 28 ફેબ્રુઆરીના રોજ કોર્ટે કથિત રીતે જાહેર કર્યું હતું કે શાળાએ તેના રેકોર્ડમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ. જો કે તેણી પોતાની માર્કશીટમાં પણ આ સુધારા કરાવવા માંગતી હોવાથી, તેણીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને દલીલ કરી હતી કે નામમાં વિસંગતતા પાસપોર્ટ અથવા વિઝા મેળવવામાં અવરોધરૂપ બની રહી છે. સાવકા પિતાના નામના સ્થાને તેના સગા પિતાનું નામ બદલવાથી તેની સમસ્યા હલ થઈ જશે. હાઇકોર્ટે એજ્યુકેશન બોર્ડ અને ગાંધીનગરની શાળાના સત્તાવાળાઓને નોટિસ પાઠવી તેમના જવાબો માંગ્યા છે અને વધુ સુનાવણી 22 જૂન ઉપર મુલતવી રાખી છે.
Read Original Article →