અમરેલીએ ગરમી પકડી, પારો 44.5°C પહોંચ્યો:આજે બે જિલ્લામાં ઓરેન્જ તો નવ જિલ્લામાં યલો એલર્ટ; ત્રણ જિલ્લામાં ગરમી 44 ડિગ્રીને પાર
ગુજરાત અગનભઠ્ઠી બન્યુ હોય તેમ બપોરના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલી બન્યું છે. આ સિઝનમાં ગરમીનો પારો 45.5°C સુધી પહોંચી ગયો છે. 12 મેને મંગળવારે અમરેલી અમદાવાદ અને સુરેન્દ્રનગરને પાછળ છોડીને રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. અમરેલીનું મહત્તમ તાપમાન 44.5°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.7°C વધારે છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.4°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા +2.8°C વધારે છે. તો વડોદરામાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.5°C વધારે નોંધાયું હતું. છેલ્લા 24 કલાકના રાજ્યના હવામાનની વાત કરીએ સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં છૂટાછવાયા સ્થળોએ 'સિવિયર હીટવેવ' (અતિ પ્રબળ ગરમી) નોંધાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, કેશોદ, કંડલા એરપોર્ટ અને દીવમાં પણ હીટવેવની સ્થિતિ રહી હતી. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું રહ્યું છે. નવ જિલ્લામાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 44°C, ગાંધીનગરમાં 44° C, સુરતમાં 42°C, રાજકોટમાં 44°C, વડોદરામાં 44°C, અમરેલીમાં 45°C, ભૂજમાં 43°C અને ડીસામાં 43°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાની શક્યતા
હવામાન વિભાગ તરફથી ચોમાસા અને ગરમીને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, અનુકૂળ પરિબળોના કારણે આ વર્ષે અંદમાનમાં 16 મે આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસું 18 મેના રોજ બેસતું હોય છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ તે આગળ વધીને કેરળ તરફ ગતિ કરે છે. કેરળમાં 1 જૂને ચોમાસુ બેસ છે. તો ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ બેસે છે. ગુજરાતમાં હજુ બે દિવસ હીટવેવ
બીજી તરફ ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જોકે આગામી 48 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ગતિએ પવન ફૂંકાશે, જેની ઝડપ 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 19 મે, 2026 (સવારના 08:30 વાગ્યા સુધી) સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2-4°Cનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાન 41-45°Cની વચ્ચે રહી શકે છે.
Read Original Article →