સુરતના તાપમાનમાં 8°C ઘટાડા બાદ એકઝાટકે 5°Cનો ઉછાળો:24 કલાકમાં 4.5 ડિગ્રીના વધારા સાથે ભાવનગર સૌથી ગરમ; આજે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવ, કાલથી ગરમી ઘટશે

Gujarat5/15/2026, 5:33:39 AM
સુરતના તાપમાનમાં 8°C ઘટાડા બાદ એકઝાટકે 5°Cનો ઉછાળો:24 કલાકમાં 4.5 ડિગ્રીના વધારા સાથે ભાવનગર સૌથી ગરમ; આજે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવ, કાલથી ગરમી ઘટશે
14 મે, ગુરુવારે પણ ગુજરાતમાં આકરી ગરમી રહી હતી અને મહત્તમ તાપમાનનો પારો 45ને પાર નોંધાયો છે. આ સીઝનમાં પહેલીવાર ભાવનગરમાં તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચ્યું છે, જે ગઈકાલનું રાજ્યનું સૌથી ઊંચું તાપમાન હતું. અહીં 24 કલાકની અંદર જ તાપમાનમાં 4.5 ડિગ્રીનો ઉછાળો જોવા મળ્યો છે. તો સુરતમાં 13 મેના રોજ તાપમાનમાં 8 ડિગ્રીના ઘટાડા બાદ ગઈકાલે પારો સીધો 5 ડિગ્રી વધીને 39.4°Cએ પહોંચ્યો છે. રાજ્યના છ શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મહત્તમ તાપમાનના મોટા ફેરફારની વાત કરીએ તો ભાવનગરમાં 4.5°C, દીવમાં 3.8°C અને વડોદરામાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. જ્યારે પોરબંદરમાં 3.2°C, કંડલામાં 1.5°C અને નલિયામાં 1.5°Cનો ઘટાડો થયો છે. રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં પણ સામાન્ય વધઘટ નોંધાઈ છે. આજે હવામાન વિભાગ દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ‘યલો એલર્ટ’ સાથે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતીકાલથી થોડા દિવસો માટે લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43°C, ગાંધીનગરમાં 43° C, સુરતમાં 40°C, રાજકોટમાં 43°C, વડોદરામાં 42°C, અમરેલીમાં 43°C, ભૂજમાં 41°C અને ડીસામાં 42°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. તાપમાન અને હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદના 3 દિવસમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. આજે હીટવેવના એલર્ટ સાથે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ હીટવેવની સ્થિતિ યથાવત્ રહી શકે છે. આજે અમદાવાદમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. પવનની દિશા અને ચોમાસાના સંકેત દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર 16 મે, 2026ની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી. આગામી દિવસોમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી.
Read Original Article →