325થી વધુ અલ્ટ્રાસાઉન્ડ મશીનો માટે હાઈકોર્ટે આપી લીલી ઝંડી:રાજ્યમાં ડાયગ્નોસ્ટિક મશીનો થશે ઉપલબ્ધ, હજારો દર્દીઓની સારવાર માટે લાભદાયી નિર્ણય
ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં નિર્ણય આપતાં ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન,GMSCLને રાજ્યભરના સરકારી હોસ્પિટલો માટે 325થી વધુ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનોની ખરીદી આગળ વધારવાની મંજૂરી આપી છે. આ નિર્ણય રાજ્યમાં ડાયગ્નોસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે સુધારાની દિશામાં એક મજબૂત પગલું ગણાઈ રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આ મામલે ચુકાદો આપતાં મુંબઈ આધારિત કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ અરજીને નકારી નાખી છે. આ સાથે જ જિલ્લાકક્ષાના હોસ્પિટલોથી લઈ દૂરસ્ત સમુદાય આરોગ્ય કેન્દ્રો સુધી આરોગ્ય સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન લાવી શકે એવી યોજનાને માર્ગ મોકળો થયો છે. હાઈકોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતી
મામલાનો મૂળ મુદ્દો ફેબ્રુઆરી, 2026માં જાહેર કરાયેલા ટેન્ડરમાં નક્કી કરાયેલા કડક લાયકાતના માપદંડો હતો. મહારાષ્ટ્ર સ્થિત અરજદારે દલીલ કરી હતી કે, આ શરતો અતિશય કડક અને ભેદભાવપૂર્ણ છે, જેના કારણે ખાસ કરીને “મેક ઇન ઇન્ડિયા” હેઠળ નવા ઉત્પાદકોને બહાર રાખવામાં આવ્યા છે. જો કે હાઈકોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતી. બજારમાં વિશ્વાસપાત્ર ઉત્પાદકો પાસેથી જ મશીનની ખરીદી કરાશે
GMSCL તરફથી હાજર રહેલા ગવર્નમેન્ટ પ્લીડર જી.એચ. વિર્કે કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે રજૂઆત કરી હતી કે, જીવનરક્ષક અને મહત્વપૂર્ણ તબીબી સાધનોની ખરીદી કોઈ સામાન્ય બજાર વ્યવહાર નથી, પરંતુ જનહિત અને જાહેર વિશ્વાસ સાથે સીધી રીતે જોડાયેલ બાબત છે. આવા ક્ષેત્રમાં રાજ્ય વિશ્વસનીયતા, ગુણવત્તા અને પ્રૂવન કામગીરીમાં કોઈ સમાધાન કરી શકતું નથી. રાજ્યએ દલીલ કરી હતી કે, માત્ર એવા ઉત્પાદકો પાસેથી જ મશીનો ખરીદવામાં આવશે, જેમણે બજારમાં પોતાની કામગીરીથી વિશ્વાસ અને ગુણવત્તાનો માપદંડ સ્થાપિત કર્યો છે. હજારો દર્દીઓ માટે આ નિર્ણય અસરકારક સાબિત થશે
હાઈકોર્ટે રાજ્યની આ દલીલોને સ્વીકારી અને ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાથી ઈન્કાર કર્યો. આ સાથે જ જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાજ્યને ઊંચા ટેક્નિકલ અને નાણાકીય ધોરણો નક્કી કરવાની છૂટ માન્ય રાખી છે. 325 USG મશીનોથી ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં રહેલા હજારો દર્દીઓ માટે આ નિર્ણય સીધી અસરકારક સાબિત થશે. ઝડપી નિદાન, ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટરો પરની નિર્ભરતા ઘટશે, ગર્ભાવસ્થા અને માતૃત્વ સંભાળ વધુ સુલભ બનશે અને ગંભીર બીમારીઓનું વહેલું નિદાન શક્ય બનશે
Read Original Article →