મગફળી માટે ટ્રાઇકોડર્મા અને રાઇઝોબિયમ કલ્ચર સૌથી ઉત્તમ:વાવણી પહેલાં બીજ માવજત પ્રક્રિયાથી ઉત્પાદન વધશે, ખર્ચ ઘટશે

Gujarat6/10/2026, 12:34:00 AM
મગફળી માટે ટ્રાઇકોડર્મા અને રાઇઝોબિયમ કલ્ચર સૌથી ઉત્તમ:વાવણી પહેલાં બીજ માવજત પ્રક્રિયાથી ઉત્પાદન વધશે, ખર્ચ ઘટશે
ગુજરાતની કૃષિ આજે પરિવર્તનના મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે. વધતી જનસંખ્યા, હવામાન પરિવર્તન, જમીનની ઘટતી ફળદ્રુપતા અને ખેતી ખર્ચમાં વધારો જેવી પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતો માટે વધુ ઉત્પાદન સાથે ટકાઉ ખેતી જાળવવી મોટી જરૂરિયાત બની છે. આવી સ્થિતિમાં ગુણવત્તાયુક્ત બીજ, પ્રમાણિત બીજ, સમતોલ ખાતર વ્યવસ્થાપન, પાક ફેરબદલી અને બીજ માવજત જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ખેતીમાં બીજને સૌથી મહત્વપૂર્ણ ઇનપુટ માનવામાં આવે છે. સારા બીજ વિના વધુ ઉત્પાદનની કલ્પના શક્ય નથી. ઉચ્ચ ગુણવત્તાવાળું બીજ વધુ ઉપજ, જીવાતો અને રોગો સામે પ્રતિકારક શક્તિ તેમજ પ્રતિકૂળ હવામાન સામે સહનશક્તિ પ્રદાન કરે છે. વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા બીજ ખેડૂતોને વધુ નફાકારક ખેતી તરફ દોરી જાય છે. ગુણવત્તાયુક્ત બીજમાં આ લક્ષણો હોવા જરૂરી 1. આનુવંશિક શુદ્ધતા અને એકસરખા ગુણધર્મો 2. નીંદણ અથવા અન્ય પાકના બીજની ભેળસેળ ન હોવી 3. ઊંચી અંકુરણ ક્ષમતા અને સ્ફૂર્તિ 4. યોગ્ય ભેજનું પ્રમાણ 5. બીજજન્ય રોગોથી મુક્તતા બીજ માવજતથી શરૂઆતથી જ પાકને સુરક્ષા વાવણી પહેલાં બીજને જીવાતો અને રોગોથી સુરક્ષિત કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયાને બીજ માવજત કહેવામાં આવે છે. યોગ્ય બીજ માવજતથી અંકુરણ સારો થાય છે અને છોડની શરૂઆતની વૃદ્ધિ મજબૂત બને છે. પાક પ્રમાણે બીજની માવજતની ભલામણ નીચે મુજબ છે. 1. કપાસ : ઇમિડાક્લોપ્રિડ વડે માવજત કરવાથી ચૂસીયા જીવાતો સામે રક્ષણ મળે છે. 2. ઘઉં :કાર્બેન્ડાઝીમ અથવા થિરમ વડે માવજત કરવાથી કાળી ગેરુ અને મટ રોગથી બચાવ થાય છે. 3. મગફળી :ટ્રાઇકોડર્મા અને રાઈઝોબિયમ કલ્ચર મૂળ વિકાસ અને સારા ઉગાવ માટે ઉપયોગી છે. પ્રમાણિત બીજથી ઉત્પાદન અને નફામાં વધારો આધુનિ કૃષિમાં પ્રમાણિત બીજનું મહત્વ સતત વધી રહ્યું છે. બીજ પ્રમાણિકરણ એ બીજ ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણની કાયદેસર પ્રક્રિયા છે, જેના દ્વારા ખેડૂતોને ઉચ્ચ -ગુણવત્તાવાળા અને આનુવિં અને આનુવંશિક રીતે શુદ્ધ બીજ ઉપલબ્ધ થાય છે. પ્રમાણિત બીજના ઉપયોગથી પાકની સમાન વૃદ્ધિ, વધુ ઉત્પાદન અને સારો નફો પ્રાસ થાય છે. આવા બીજથી ખાતર, પાણી અને કીટનાશકોનો વધુ અસરકારક ઉપયોગ થાય છે તેમજ ખેડૂતોને નવી બજાર તકો પણ મળે છે. ગુજરાત માટે વિકસાવાયેલી સુધારેલી જાતો : 1. ચોખા : ગુજરાત ડ્રિલ રાઈસ-202 2. ઘઉં : જીડબલ્યુ-543 3. મકાઈ : ગુજરાત મકાઈ હાઈબ્રિડ-7 4. બાજરી: ગુજરાત ફોડર બાજરી-5 5. મગફળી : જીજી-101 આ જાતો વધુ ઉત્પાદન સાથે જીવાત અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. સમતોલ ખાતર વ્યવસ્થાપનથી વધશે ઉત્પાદન રાસાયણિક ખાતરોના અસંતુલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. નિષ્ણાતોના મતે સમતોલ ખાતર વ્યવસ્થાપન અપનાવવાથી ખેડૂતો 10થી 25 ટકા વધુ ઉત્પાદન મેળવી શકે છે. જમીન પરીક્ષણ આધારિત ખાતર વ્યવસ્થાપન, NPKનું સંતુલિત પ્રમાણ, જૈવિક ખાતરોનો ઉપયોગ અને સૂક્ષ્મ પોષક તત્ત્વોનો યોગ્ય ઉપયોગ ખેતીને વધુ ટકાઉ બનાવે છે. જમીન પરીક્ષણ અને જૈવિક ખાતરનું મહત્વ : દર બે થી ત્રણ વર્ષે જમીન પરીક્ષણ કરાવવું. જરૂરિયાત મુજબ જ ખાતરનો ઉપયોગ કરવો વર્મીકમ્પોસ્ટ, લીલો પડવાશ અને છાણીયું ખાતર અપનાવવું જમીનનું આરોગ્ય અને ફળદ્રુપતા જાળવવી. પાક ફેરબદલીથી જમીન રહેશે તંદુરસ્ત એક જ જમીનમાં સતત એક જ પાક લેવાને બદલે અલગ-અલગ પાકોનું આયોજનબદ્ધ વાવેતર કરવામાં આવે તેને પાક ફેરબદલી કહેવાય છે. પાક ફેરબદલીથી જમીનમાં પોષક તત્ત્વોનું સંતુલન જળવાય છે, જીવાતો અને રોગોના જીવનચક્રમાં વિક્ષેપ સર્જાય છે અને ઉત્પાદન વધે છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા જળવાય છે, નાઇટ્રોજનની ઉપલબ્ધતા વધવા સાથે ખાતરનો ખર્ચ ઘટી શકે છે. એટલું જ નહીં આ પદ્ધતિ અપનાવાથી ઉત્પાદન 15 થી 35 ટકા સુધી વધી શકે છે. -પાક ફેરબદલીનું ઉદાહરણ : મગફળી→ ઘઉં→ ઉનાળુ મગ - કપાસ - ચણા ટકાઉ ખેતી માટે આ બાબતો અપનાવો : ગુણવત્તાસભર અને પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો. સમતોલ ખાતર વ્યવસ્થાપન, નિયમિત જમીન પરીક્ષણ, પાક ફેરબદલી અને યોગ્ય બીજ માવજત શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિના ઉદાહણ છે. ટૂંકમાં કહી શકાય કે ગુણવત્તાયુક્ત બીજ અને વૈજ્ઞાનિક ખેતીમાં કરવામાં આવેલ રોકાણ એ કૃષિના ઉજ્જવળ ભવિષ્યમાં કરવામાં આવેલ મહત્વપૂર્ણ રોકાણ સમાન છે. જો ખેડૂત આયુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવે તો ટકાઉ કૃષિ અને સમૃદ્ધ ખેડૂતનું સ્વપ્ન અવશ્ય સાકાર થઈ શકે.
Read Original Article →