ડિપ્લોમાના પ્રથમ વર્ષ માટે 69 હજારથી વધુ બેઠક પર પ્રવેશ:કમ્પ્યૂટર, IT અને ICT બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધુ, ઓટોમેશન રોબોટિકસ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો રસ ઓછો

Gujarat5/27/2026, 10:58:05 AM
ડિપ્લોમાના પ્રથમ વર્ષ માટે 69 હજારથી વધુ બેઠક પર પ્રવેશ:કમ્પ્યૂટર, IT અને ICT બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધુ, ઓટોમેશન રોબોટિકસ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો રસ ઓછો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરાયા બાદ હવે રાજ્યભરમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સીસમાં પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળની 'એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ' (ACPDC) દ્વારા પ્રથમ વર્ષ ડિપ્લોમા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યની સરકારી, ગ્રાન્ટ-ઇન-એડ અને સ્વનિર્ભર (સેલ્ફ-ફાઇનાન્સ) પોલિટેકનિક કોલેજોની અંદાજે 69 હજારથી વધુ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. 29 જૂને જાહેર થશે પ્રોવિઝનલ મેરિટ યાદી એડમિશન કમિટીના જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આગામી 19 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ 29 જૂને કામચલાઉ (પ્રોવિઝનલ) મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. મેરિટ યાદી આવ્યા બાદ દસ્તાવેજ ચકાસણી, મોક રાઉન્ડ, ચોઈસ ફિલિંગ અને ફાઈનલ સીટ એલોટમેન્ટની પ્રક્રિયા હાથ ધરાશે. સત્તાવાર માહિતી મુજબ, પ્રક્રિયા શરૂ થતાની સાથે જ અત્યાર સુધીમાં અંદાજે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. કમ્પ્યુટર, IT અને ICT બ્રાન્ચમાં ભારે ડિમાન્ડ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સોફ્ટ બ્રાન્ચ તરફ ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બ્રાન્ચમાં સૌથી વધુ ડિમાન્ડ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા સાયન્સ અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં વધતી રોજગારી આ પાછળનું મુખ્ય કારણ છે. ACPDCના મેમ્બર સેક્રેટરી ભાસ્કર ઐયરે જણાવ્યું હતું કે, "અત્યારે કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રીકલ, મિકેનિકલ અને ઓટોમોબાઇલ બ્રાન્ચમાં સારી ડિમાન્ડ છે. ખાસ કરીને સરકારની નવી સેમિકન્ડક્ટર પ્રોત્સાહન નીતિને કારણે સાણંદ અને ધોલેરામાં મોટું રોકાણ થઈ રહ્યું છે, જેના લીધે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન (EC) બ્રાન્ચના પ્લેસમેન્ટમાં મોટો ઉછાળો આવતા વિદ્યાર્થીઓ તેમાં ભારે રસ દાખવી રહ્યા છે." અર્બન અને રૂરલ વિસ્તારમાં પસંદગીનો મોટો તફાવત ડિપ્લોમા પ્રવેશમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ તદ્દન અલગ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મેટ્રો શહેરોમાં IT આધારિત કોર્સીસ તરફ ભારે ઝોક છે, જ્યાં તમામ બેઠકો ઝડપથી ફુલ થઈ જાય છે. તેની સામે ગ્રામ્ય અથવા નાના કેન્દ્રો જેવા કે ગોધરા અને દાહોદ વગેરે વિસ્તારોમાં આ જ કોર્સોની ડિમાન્ડ ઓછી જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ આજે પણ પરંપરાગત ગણાતી મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચોને વધુ પ્રથમ પસંદગી આપી રહ્યા છે. અવેરનેસના અભાવે રોબોટિક્સ અને પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં બેઠકો ખાલી રહેવાનો પડકાર સરકાર દ્વારા ઉદ્યોગોની જરૂરિયાત મુજબના અદ્યતન કોર્સીસ શરૂ કરવામાં આવ્યા હોવા છતાં, વિદ્યાર્થીઓમાં પૂરતી માહિતી અને જોબ પ્લેસમેન્ટ અંગે ક્લેરિફિકેશન ન હોવાથી મોટો પડકાર ઊભો થયો છે. ઓટોમેશન એન્ડ રોબોટિક્સ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને એન્વાયરમેન્ટલ ટેક્નોલોજી જેવી નવી બ્રાન્ચોમાં વિદ્યાર્થીઓ ઓછો રસ દાખવી રહ્યા છે. વિતેલા વર્ષોમાં અનેક પોલિટેકનિકોમાં આ બ્રાન્ચોની અંદર 40થી 60 ટકા સુધીની બેઠકો ખાલી રહી ગઈ હોવાનું સામે આવ્યું છે. ગર્લ્સ પોલિટેકનિકના ક્રિએટિવ કોર્સ સુપરહિટ બીજી તરફ, ડિઝાઇન અને ક્રિએટિવિટી આધારિત કોર્સમાં મહિલા વિદ્યાર્થીઓનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ અને ફેશન ટેક્નોલોજી જેવા કોર્સમાં મોટો ટ્રેન્ડ છે. અમદાવાદની ગર્લ્સ પોલિટેકનિકમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર કોર્સમાં દર વર્ષે ૧૦૦ ટકા બેઠકો ભરાઈ જાય છે, કારણ કે આ વિસ્તારોમાં બિઝનેસ અને જોબની તકો અંગે અવેરનેસ વધુ છે. જો કે, આ જ કોર્સ જ્યારે ભાવનગર કે હિંમતનગર જેવા શહેરોમાં ચલાવવામાં આવે છે ત્યારે જાગૃતિના અભાવે બેઠકો ખાલી રહી જતી હોય છે. છેલ્લા 3 વર્ષથી એડમિશન ગ્રાફ ઊંચકાયો ટેકનિકલ શિક્ષણ વિભાગના આંકડા અનુસાર, ટકાવારીની દ્રષ્ટિએ છેલ્લા ત્રણ વર્ષમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સાતત્યપૂર્ણ વધારો થયો છે. ગયા વર્ષે રાજ્યની સરકારી કોલેજોમાં અંદાજે 87 ટકા જેટલી બેઠકો ભરાઈ ગઈ હતી. હજુ પણ ઘણી ખરી કોલેજોની એપ્રુવલ બેઠકોની આખરી યાદી આવવાની બાકી છે, પરંતુ એકંદરે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ રેકોર્ડબ્રેક એડમિશન થાય અને ગયા વર્ષ કરતાં વધુ બેઠકો ભરાય તેવી પ્રબળ શક્યતા કમિટી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Read Original Article →