ઋતુચક્રના બદલાવમાં ટાઇમ ટેબલ આધારિત ખેતી જોખમી બની:ધાન્ય પાકોમાં 50 ટકા સુધી ઘટાડાની શક્યતા, ટૂંકાગાળાના પાકો એકમાત્ર ઉપાય
ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં આશરે 16% અને કૃષિ ઉત્પાદનમાં લગભગ 12% ફાળો આપે છે. રાજ્યની 51% જેટલી જમીન ખેતી હેઠળ છે અને GDPમાં કૃષિનો ફાળો 18.3% જેટલો છે. તેથી ક્લાઇમેટ ચેન્જની સીધી અસર રાજ્યની અર્થવ્યવસ્થા અને ખેડૂતોના જીવન પર પડી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતમાં કઠોળ, દીવેલા અને શાકભાજીના ઉત્પાદનમાં 50થી 60% સુધી ઘટાડો નોંધાયો છે. અચાનક વરસાદ, લાંબા સમય સુધી ગરમી અને વધતી ભેજને કારણે પાકોમાં રોગ-જીવાતનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. હવામાનની વધતી અનિશ્ચિતતાને કારણે પરંપરાગત સમયપત્રક આધારિત ખેતી વધુ જોખમી બની રહી છે. આવનારા સમયમાં બદલાતા હવામાનને સમજીને વૈજ્ઞાનિક પદ્ધતિ, ટેક્નોલોજી અને સમયસર હવામાન માહિતીના આધારે ખેતી કરનાર ખેડૂતો જ વધુ સફળ અને સુરક્ષિત રહી શકશે. 1. તાપમાનમાં વધારો અને પાકો પર અસરો :
ભારતમાં છેલ્લા 100 વર્ષમાં સરેરાશ તાપમાન 0.56 ડિગ્રી વધ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ વર્ષ 2071થી 2100 દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 2.8થી 7.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.8થી 5.2 ડિગ્રી સુધી વધી શકે છે, જ્યારે વરસાદમાં 15થી 101 ટકા સુધી વધારો થવાની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદી ફેરફારો વધુ જોવા મળી શકે છે. આ હવામાન પરિવર્તનની અસરથી ઘઉંના ઉત્પાદનમાં 61%, ખરીફ મકાઈમાં 47%, ડાંગરમાં 32%, મગફળીમાં 24% અને બાજરીમાં 14% સુધી ઘટાડો થઈ શકે છે. વધતું તાપમાન પાણીની માંગ અને જીવાત-રોગનું પ્રમાણ વધારી શકે છે. IPCCના અંદાજ મુજબ વર્ષ 2080થી 2100 દરમિયાન ભારતમાં પાક ઉત્પાદનમાં 10થી 40% સુધી ઘટાડો થઈ શકે છે, જે ખાદ્ય સુરક્ષા માટે પડકારરૂપ બનશે. 2. ક્લાઇમેટ ચેન્જમાં ખેડૂતોએ યોગ્ય પાક પસંદગી કેવી રીતે કરવી?
- હવામાન પરિવર્તનના આ સમયમાં ખેડૂતોએ એક પાક, એક સમય અને એક જ પદ્ધતિની જૂની માન્યતા છોડવી જ પડશે.
- બદલાતા હવામાન પ્રમાણે પાક પસંદગી, માઇક્રો ઇરિગેશન અને પાક વૈવિધ્યીકરણ અપનાવવું એ સમયની માંગ છે.
- ઓછા પાણીના પાકો: જુવાર, બાજરી, મગ, મઠ, ગવાર અને તલ જેવા પાકો પસંદ કરવા જે ઓછા વરસાદમાં પણ સારું ઉત્પાદન આપી શકે.
- કઠોળ અને તેલીબિયાં: CO₂ ના વધતા સ્તરને ધ્યાને રાખી કઠોળ, તેલીબિયાંને પ્રોત્સાહન આપવું જેથી 10 થી 20 ટકા સુધી ઉત્પાદન વધી શકે.
- ટૂંકા ગાળાના પાકો: ટૂંકી ઋતુને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળામાં તૈયાર થતા પાકો વાવવા, જેથી વરસાદ મોડો પડે કે વહેલો બંધ થાય તો પણ નુકસાન ઓછું રહે.
- ખારાશ સહનશીલ પાકો: જમીનની વધતી ખારાશ મુજબ દીવેલા, કપાસ અને ખારેક જેવા પાકો પસંદ કરવા.
- ઔષધિય અને બાગાયતી પાકો: સૂકા અને અર્ધશુષ્ક વિસ્તારો માટે અશ્વગંધા, સરગવો, દાડમ, ડ્રેગન ફ્રૂટ અને એલોવેરા અપનાવવા.
- મિલેટ આધારિત પાકો: બાજરી અને મિલેટ પાકો ઊંચા તાપમાન અને ઓછા પાણીની સ્થિતિમાં વધુ ટકાઉ સાબિત થાય છે. 3. પહેલાં આગાહી જાણો, પછી તે મુજબ વાવેતર કરો
- - કૃષિ યુનિ.એ ભલામણ કરેલી જાતો, પાક પદ્ધતિઓ અને હવામાન વિભાગની માહિતીનો ચુસ્ત ઉપયોગ કરવો.
- ડ્રીપ અને સ્પ્રિંકલર જેવી માઇક્રો ઇરિગેશન પદ્ધતિઓ અપનાવવી.
- જમીનમાં ભેજ જાળવવા મલ્ચિંગ કરવું અને પ્રોટેક્ટેડ ખેતી કરવી.
- જમીનની ફળદ્રુપતા માટે તેમાં ઓર્ગેનિક કાર્બન વધારવું.
- વાતાવરણ બદલાતા જ જીવાત અને રોગનું સમયસર નિયંત્રણ કરવું. Mausam (મૌસમ) અને Meghdoot(મેઘદૂત) એપ ખેડૂતોના કામની
1. Mausam (મૌસમ): ખેડૂતો પોતાના વિસ્તારમાં ચાલુ સમયનું તથા સપ્તાહ સુધીનું તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિની માહિતી લાઈવ જોઈ શકતા હોવાથી તે મુજબ વાવણી, લણણીનું આયોજન કરી શકે છે.
2. Meghdoot(મેઘદૂત): બદલાતા હવામાનમાં કયા પાકમાં કઈ જીવાત કે રોગ આવી શકે અને તેના નિયંત્રણ માટે કઈ દવા કરવી તેની સલાહ આપાય. પશુઓને બીમારીથી બચાવાની જાણકારી પણ અપાય છે.
નોંધ : બંને એપ્લીકેશન પ્લે સ્ટોર / એપ સ્ટોરીથી ડાઉનલોડ કરી શકાય છે. ભાસ્કર એક્સપર્ટ
ડૉ.રાજદીપસિંહ જાડેજા
(સહ સંશોધક-કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ભચાઉ-કચ્છ)
Read Original Article →