એરફોર્સ-આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી પાક્કી:અમદાવાદની ગુજરાત કોલેજના પ્રોફેસરે જોબ ટ્રેનિંગના નામે 30 વિદ્યાર્થીઓ પાસેથી 8 લાખ પડાવ્યા, ફોન સ્વીચઓફ કરી ફરાર

Gujarat5/14/2026, 2:24:57 PM
એરફોર્સ-આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી પાક્કી:અમદાવાદની ગુજરાત કોલેજના પ્રોફેસરે જોબ ટ્રેનિંગના નામે 30 વિદ્યાર્થીઓ પાસેથી 8 લાખ પડાવ્યા, ફોન સ્વીચઓફ કરી ફરાર
ગુજરાત કોલેજ કરી એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એરફોર્સમાં અને આર્મીના સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરતા ભરત પ્રજ્ઞેશ હનુભા દ્વારા વિદ્યાર્થીઓને નોકરી લાલચ આપીને 8 લાખથી પણ વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે નોકરી ન મળતા વિદ્યાર્થીઓએ જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે ભરત પ્રજ્ઞેશ હનુભા રૂપિયા લઈને ભાગી ગયો છે. જેથી તેને લઈને NSUI દ્વારા વિરોધ નોંધાવી પ્રિન્સિપાલ ખૂબ ફરિયાદી બની વિદ્યાર્થીઓને ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ પર ભરત પ્રજ્ઞેશ હનુભાની ભરતી થઈ હતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલા કોન્ટ્રાક્ટ પર ભરત પ્રજ્ઞેશ હનુભાની ભરતી કરવામાં આવી છે. જેને સ્પોર્ટ્સના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ લેવલ સારી તાલીમ મળી રહે તેવા આશય સાથે ભરતી કરવામાં આવી છે. પરંતુ આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા એવો ખેલ કરવામાં આવ્યો છે કે જેના કારણે હવે બીજો કોઈ વિદ્યાર્થી પ્રોફેસર પર વિશ્વાસ કરતા 100 વખત વિચાર કરશે. આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરત પ્રજ્ઞેશ હનુભા દ્વારા સ્પોર્ટ્સની તાલીમ આપવાના બદલે વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપવામાં આવી હતી. એરફોર્સ અને આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપવામાં આવી છે. સ્પોર્ટ્સના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી આપવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓ વિશ્વાસમાં આવી ગયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવવા ટ્રેનિંગ માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી. જો કે ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ જે પણ પૈસા લીધા હશે તે પરત આપવાનું પણ વચન આપવામાં આવ્યું હતું. સંબંધીઓ પાસેથી અને વ્યાજે પૈસા ભેગા કરી ઓનલાઇન ચૂકવ્યા વિદ્યાર્થીઓએ નોકરી મળી જશે તેવી આશા સાથે સંબંધીઓ પાસેથી અને વ્યાજે પૈસા ભેગા કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર ભરત પ્રજ્ઞેશ હનુભાને ઓનલાઈન મોકલી આપ્યા હતા. કુલ 30 જેટલા વિદ્યાર્થીઓ એક લાખ, 30 હજાર એમ કુલ 8 લાખથી પણ વધુ રૂપિયા આપ્યા હતા. જો કે થોડા સમય સુધી નોકરી ન મળતા વિદ્યાર્થીઓએ ભરત પ્રજ્ઞેશ હનુભાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રૂપિયા મળ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો. જેથી વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં અરજી પણ લખાવી છે. પરંતુ ગુજરાત કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સાથે NSUI ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલને મળવા પહોંચ્યા હતા. ઉગ્ર નારા લગાવી પ્રિન્સિપાલ ખુદ ફરિયાદી બને તેવી માંગ કરવામાં આવી છે. જો કે પ્રિન્સિપાલ હાજર રજા પર હોવાથી વિદ્યાર્થીઓને મળી શક્યા નહોતા. કોલેજમાં પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી: વિદ્યાર્થી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા જયદીપ નાઈએ જણાવ્યું હતું કે, ભરત પ્રજ્ઞેશ હનુભા નામના સર દ્વારા નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. હું સ્પોર્ટ્સમાં હતો એટલા માટે સ્પોર્ટ્સ થ્રુ નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. એરફોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી આપવાનું કહેવામાં આવ્યું હતું. જેની ટ્રેનિંગ માટે 30 હજાર લેવામાં આવ્યા હતા. તેમજ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ પૈસા પરત આપવાનું પણ વચન આપવામાં આવ્યું હતું. સંબંધીઓ પાસેથી એકઠા કરી અને કેટલાક રૂપિયા વ્યાજે લઈને ઓનલાઈન સરને મોકલી આપ્યા હતા. જોકે તે બાદ સરે ફોન સ્વીચ ઓફ કરી દીધો અને કોલેજમાં પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી. અમારા સિવાય પણ કેટલાક લોકો છે કે જેને એક એક લાખ રૂપિયા આપેલા છે. તમારી એક જ માંગ છે કે અમારા રૂપિયા પરત આપવામાં આવે. 30થી 40 જેટલા વિદ્યાર્થીઓને પોતાના સકંજામાં લીધા: NSUI ગુજરાત કોલેજ NSUI ઉપપ્રમુખ વિજય રાજપૂતે જણાવ્યું હતું કે, ભરત પ્રજ્ઞેશ હનુભા નામના વ્યક્તિ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરીએ લાગ્યો હતો. જે સ્પોર્ટના વિદ્યાર્થીઓ સાથે કામ કરતો હતો. જેને 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓને પોતાના સકંજામાં લીધા હતા. ઇન્ડિયન એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવા લઈ જવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. કુલ 7થી 8 લાખ રૂપિયા પડાવીને ગુજરાત કોલેજમાંથી ફરાર થઈ ગયો છે. જ્યારે અમે પ્રિન્સિપાલને ફરિયાદી બનવા માટે રજૂઆત કરવા આવ્યા ત્યારે તે વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેથી અમારી માંગણી છે કે પ્રિન્સિપાલ ખુદ ફરિયાદી બને અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવે. પરંતુ અત્યારે કોઈપણ વ્યક્તિ જવાબ આપવા માટે હાજર નથી.
Read Original Article →