29મીએ આરોગ્ય વિભાગ, 30મીએ ગૃહ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઓનલાઇન ફોર્મ ભરશે:વસ્તી ગણતરીના ઓનલાઇન ફોર્મ માટે 31મી તારીખે છેલ્લો દિવસ, QR કોડ સ્કેન કરો અને ફોર્મ ભરો

Gujarat5/28/2026, 10:33:54 AM
29મીએ આરોગ્ય વિભાગ, 30મીએ ગૃહ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઓનલાઇન ફોર્મ ભરશે:વસ્તી ગણતરીના ઓનલાઇન ફોર્મ માટે 31મી તારીખે છેલ્લો દિવસ, QR કોડ સ્કેન કરો અને ફોર્મ ભરો
ગુજરાતમાં 17મી મેથી વસ્તી ગણતરીના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ કામગીરી આગામી તા. 31મી મેના રોજ પૂર્ણ થશે. જો કે આજ સુધીમાં 2.5 લાખથી વધુ લોકોએ ઓનલાઇન ફોર્મ ભરી દીધું હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. કર્મચારીઓ-અધિકારીઓ ઓનલાઇન ફોર્મ ભરશે 29મી તારીખે રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ ઓનલાઇન ફોર્મ ભરશે. તે જ રીતે રાજ્યના ગૃહ વિભાગના કર્મચારી-અધિકારીઓ 30મી મેના રોજ ઓનલાઇન ફોર્મ ભરવાના હોવાનું કમિટમેન્ટ ડીજીપી ઓફિસ તરફથી જનગણના કાર્ય નિર્દેશાલયને આપવામાં આવ્યું છે. તેની સામે જનગણના કાર્ય નિર્દેશાલય તરફથી તેમને જરૂરિયાત મુજબની મદદ પૂરી પાડવાની ખાતરી અપાઇ છે. ઉદાહરણ તરીકે પોલીસ લાઇનમાં કામગીરી ગોઠવવામાં આવે તો જનગણના કાર્ય નિર્દેશાલયના તાલીમબદ્ધ કર્મચારીઓ તેમને ત્યાં જઇને ઓનલાઇન ફોર્મ ભરવામાં માર્ગદર્શન પૂરું પાડશે. અન્ય વિભાગોને પણ પત્ર લખ્યો બીજી તરફ જનગણના કાર્ય નિર્દેશાલય દ્રારા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગને અન્ય વિભાગોને પણ ઓનલાઇન પ્રક્રિયામાં જોડાવવા માટે પત્ર લખ્યો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે. આ પત્રના આધારે સામાન્ય વહીવટ વિભાગ દ્રારા પણ અન્ય વિભાગોને ઓનલાઇન પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ અથવા સૂચના આપવામાં આવે તો નવાઇ નહીં. માહિતી ખાતાના કર્મચારીઓને પણ કામગીરી સોંપાતા આશ્ચર્ય સરકારના કોઇપણ વિભાગની કામગીરીને મીડિયા સમક્ષ રજૂ કરવાનું કાર્ય સરકારના માહિતી ખાતા દ્રારા કરવામાં આવે છે. જેથી તેમને વસ્તી ગણતરી કે પછી ચૂંટણીને લગતી કોઇ અન્ય કામગીરીમાં જોડવામાં આવતાં નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ વસ્તી ગણતરીની કામગીરીમાં અમદાવાદ માહિતી ખાતાના 11 જેટલાં કર્મચારીઓને જોતરવામાં આવ્યાં છે. જેના કારણે સરકારની પ્રચાર અને પ્રસારની કામગીરીને અસર પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા રહેલી છે. જેથી માહિતી કમિશનર તરફથી આ કામગીરીમાંથી માહિતી ખાતાના કર્મચારીને મુક્ત કરવામાં આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે. લીવ ઇનમાં રહેતી વ્યક્તિઓની હાલ કોઇ ચકાસણી નહીં 1 થી 30 જૂન સુધી જનગણના કાર્ય નિર્દેશાલયના કર્મચારીઓ દ્રારા ઘરે ઘરે વસ્તી ગણતરીના ફોર્મ ભરવા જવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે હાલ માત્ર ઘરના મોભીની સાથે ઘરની વિગતો જ ભરવામાં આવશે. જેથી લીવ ઇનમાં રહેતાં વ્યક્તિઓની વિગતોની હાલ કોઇ ચકાસણી કે ચર્ચા થશે નહીં તેવું સૂત્રોએ જણાવ્યું છે. ફ્રેબ્રુઆરી-2027માં બીજા તબક્કાની ગણતરી ચાલુ થશે. તેમાં ઝીણવટભરી વિગતો પૂછવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. હાલ મકાન સહિતની વિગતો જ ભરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
Read Original Article →