ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આ વર્ષે નવી માકર્શીટ મળશે:CBSE જેવી માર્કશીટ આવશે, હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે; જાણો નવી-જૂની માર્કશીટની ખામી-વિશેષતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે જોકે હજુ સુધી માર્કશીટ આપવામાં આવી નથી જે આવવામાં હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગશે. આ વર્ષની માર્કશીટમાં મોટા ફેરફાર પણ જોવા મળશે. ગુજરાત બોર્ડની માર્કશીટ પણ હવે CBSE બોર્ડની માર્કશીટ જેવી જ દેખાશે. જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે. તો આવો જાણીએ નવી-જૂની માર્કશીટની ખામી અને વિશેષતા… આ વર્ષથી માર્કશીટમાં 3 મોટા બદલાવ
ગુજરાત બોર્ડના સચિવ આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા આ વર્ષથી માર્કશીટમાં 3 મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. માર્કશીટની સાઈઝ, QR કોડ, નામ સહિતના કોલમ વધશે. વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં નવી માર્કશીટ પણ મળી જશે. પહેલાં નામ પછી અટક આવશે
અત્યાર સુધી ગુજરાત બોર્ડની માર્કશીટના પહેલા વિદ્યાર્થીની અટક અને બાદમાં વિદ્યાર્થીનું નામ આવતું હતું, પરંતુ આ વર્ષથી બદલાવ કરવામાં આવતા હવેથી માર્કશીટમાં પહેલા વિદ્યાર્થીનું નામ અને બાદમાં વિદ્યાર્થીની અટક આવશે. CBSE બોર્ડમાં આ ફોર્મેટથી જ માર્કશીટ આપવામાં આવે છે. નામ, પિતાનું નામ અને અટક એમ મથાળું આવશે
બીજો બદલાવ હશે જેમાં અત્યાર સુધી વિદ્યાર્થીના નામનું મથાળું જેની બાજુમાં વિદ્યાર્થીની અટક અને પિતાના નામ સાથેનું આખું નામ લખાઈને આવતું હતું. જેની જગ્યાએ હવે નામ, પિતાનું નામ અને અટક એમ મથાળું આવશે અને મથાળાની નીચે વિદ્યાર્થીની વિગત આવશે. ઉદાહરણ તરીકે નામ:ABC પિતાનું નામ:XYZ અને અટક: OPQ. આ પ્રકારનો બદલાવ પણ કરવાથી વિદ્યાર્થી ભવિષ્યમાં બહારના રાજ્ય કે દેશમાં અભ્યાસ અર્થે અથવા તો અન્ય કોઈ કામે જાય તો ત્યાં તેનું નામ પિતાનું નામ કે અટક સરળતાથી ઓળખાઈ શકે. માર્કશીટમાં QR કોડ હશે
ત્રીજો મોટો બદલાવ એ થશે કે આ વર્ષથી માર્કશીટમાં QR કોડ આપવામાં આવશે. જે પ્રમાણે સરકારી દાખલામાં QR કોડ હોય છે તે જ રીતે માર્કશીટમાં QR કોડ હશે જે સ્કેન કરવાથી માર્કશીટ વેરીફાઈ પણ થશે.આ માર્કશીટની ડુપ્લીકેટ માર્કશીટ પણ હવેથી નહીં બનાવી શકાય કારણ કે ડુપ્લીકેટ માર્કશીટ સ્કેન થતા જ નકલી હોવાનું જાણી શકાશે. માર્કશીટના કલરમાં પણ સામાન્ય બદલાવ હશે
આ ઉપરાંત CBSE માર્કશીટની જેમ ગુજરાત બોર્ડની માર્કશીટની સાઈઝ પણ આર સાઇઝની હશે. જે દર વર્ષની સાઇઝ કરતા વધારે હશે. માર્કશીટના કલરમાં પણ સામાન્ય બદલાવ હશે જે દર વર્ષે કરવામાં આવે છે. આમ ગુજરાત બોર્ડની માર્કશીટ CBSE બોર્ડની જેવી જ હશે.નવી માર્કશીટમાં ખાસ સિક્યુરિટી ફિચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. માર્કશીટ-સર્ટિફિકેટમાં સિક્યોરિટી હોલોગ્રામનો ઉપયોગ થતો હતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઘણાં વર્ષોથી માર્કશીટ અને સર્ટિફિકેટમાં સિક્યોરિટી હોલોગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ હોલોગ્રામમાં અનેક સિક્યોરિટી ફીચર્સ હોય છે. તેમાં પણ એક -બે ફીચર્સ એવી રીતે મૂકવામાં આવતાં હતા કે તેનું ડુપ્લીકેશન થવું અશક્ય હતું. આ હોલોગ્રામ દસ્તાવેજોની વિશ્વસનીયતા અને સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેના કારણે જ સમગ્ર ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતમાં માર્કશીટ અને સર્ટિફિકેટમાં પાસ અને નાપાસ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કલરના સિક્યોરિટી હોલોગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સિસ્ટમથી ડુપ્લીકેશન થવાની શક્યતા લગભગ નહિવત છે. સર્ટિફિકેટમાંથી હોલોગ્રામ દૂર કરવાનો બોર્ડે નિર્ણય લીધો હતો
આ ઉપરાંત બોર્ડમાં માર્કશીટ અને સર્ટિફિકેટનું ડુપ્લીકેશન ન થાય તે હેતુસર માર્કશીટ અને સર્ટિફિકેટમાં લેમિનેશન ફિલ્મ પીળા કલરની સિક્યોરિટી ફિલ્મ વપરાતી હતી. આવા પ્રકારની ફિલ્મ ફક્ત ગુજરાત રાજયના બોર્ડમાં જ વપરાતી હતી. આ સીસ્ટમને કેનેડા સહિત અન્ય દેશોના ડેલીગેટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ ચેરમેન એ.જે. શાહને મળીને વખાણી હતી. છતાં તેને તાજેતરમાં આ સર્ટિફિકેટમાંથી હોલોગ્રામ દૂર કરવાનો બોર્ડ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફૂલપ્રૂફ સીસ્ટમ હોવા છતાં તેને દૂર કરવાના નિર્ણયથી અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાં છે. ચાલુ વર્ષના ટેન્ડરમાં અનુભવ અને મશીનરીની ચકાસણીની શરતો અવગણવાની ચર્ચા
અત્રે ઉલ્લેખનીય છે કે 2015માં ગુજરાતમાં લેમિનેશનની કામગીરી ન થવાના કારણે ભારે હોબાળો થયો હતો. એટલું જ નહીં પરંતુ તેની ગુજરાત સરકારની જાહેર હિસાબ સમિતિમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2015માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ માર્કશીટની સલામતિને લઇને રજૂઆત થઈ હતી. આ રજૂઆતની ગંભીરતાને ધ્યાનમાં લઇને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભવિષ્યમાં આવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કામો સોંપતી વખતે એજન્સી પાસે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઇએ. સાથે સાથે એજન્સી પાસે જરૂરી મશીનરી અને તકનીકી સાધનો ઉપલબ્ધ છે કે નહીં તેની યોગ્ય ચકાસણી કરવી. પરંતુ ચાલુ વર્ષના ટેન્ડરમાં અનુભવ અને મશીનરીની ચકાસણી જેવી મહત્વપૂર્ણ શરતોને અવગણવામાં આવી હોય તેવી ચર્ચા ઉઠવા પામી છે. ચકાસણી કર્યા વગર જ એજન્સીને કવોલીફાઇડ કરાઈ હોવાના આક્ષેપો
આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્રારા માર્કશીટ અને સર્ટિફિકેટના લેમિનેશન અંગેના બહાર પાડવામાં આવેલાં ટેન્ડરમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યાં સુધી કે ટેન્ડરમાં મશીનરીની વિગત જેવી કે પોતાની કે ભાડાની જગ્યા વગેરેની ચકાસણી કર્યા વગર જ એજન્સીને કવોલીફાઇડ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા છે.
Read Original Article →