ધો.12 સાયન્સનું પરિણામ આવ્યું પણ માર્કશીટના ઠેકાણાં નથી:માર્કશીટના અભાવે પ્રવેશ તેમજ વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ અટવાયા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી ધો.10 તેમ જ ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થઇ ગયા છે. આ પરિણામ જાહેર થયાને ઘણાં દિવસો વીતી જવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓ તો ઠીક પણ શાળાઓમાં પણ પરિણામની માર્કશીટ પહોંચી નથી. ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની વાત કરીએ તો સૌથી પહેલું ધો.12 સાયન્સનું પરિણામ તા. 4થી મેના રોજ જાહેર થયું હતું. અત્યારસુધીના બોર્ડનો ઇતિહાસ તપાસીએ તો ત્રણથી ચાર દિવસમાં માર્કશીટ તૈયાર થઇને સ્કૂલોને મળી જતી હતી. પરંતુ ધો.12 સાયન્સના પરિણામ જાહેર થયાને આઠ દિવસ થવા છતાં હજુ સુધી સ્કૂલોને માર્કશીટ પહોંચી નથી. આ માર્કશીટ અને સર્ટીફીકેટ બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશ-વિદેશમાં પ્રવેશ મેળવતાં હોય છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નહીં હોવાથી તેમનું પ્રવેશ કાર્ય અટકી પડયું હોવાની સ્થિતિ સર્જાઇ છે. બોર્ડ દ્વારા વર્ષોથી આ કામગીરી કરવામાં આવતી હોવા છતાં આ વખતે વિલંબ થવા પાછળ અનેક તર્ક-વિતર્કો થવા લાગ્યાં છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા દર વર્ષે ધો.10 અને ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાના પરિણામો મહત્તમ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આવતાં હોય છે. છેલ્લાં ત્રણ વર્ષના આંકડા તપાસીએ તો ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.10માં 10થી 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોય છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 8થી 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોય છે. પરંતુ ધો.12 સાયન્સની પરીક્ષા તો અંદાજે 2 લાખની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોય છે. પરિણામ જાહેર થયાના 2-3 દિવસમાં માર્કશીટ મળી જાય
આ પરીક્ષાર્થીની સંખ્યાને ધ્યાનમાં લઇને જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને સમયસર માર્કશીટ મળી જાય અને વિદ્યાર્થીઓના પ્રવેશથી માંડીને વિદેશ જવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ અટવાઇ ના જાય તે હેતુસર દર વર્ષે માર્કશીટ તેમજ સર્ટીફિકેટ છાપવા માટેની કામગીરી જે પણ બીડર (કોન્ટ્રાકટરને ) આપે તેમાં ટેન્ડરમાં દરરોજ દોઢ લાખ માર્કશીટ તથા સર્ટીફીકેટ છાપવાની શરતની જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇ મુજબ ધો.12 સાયન્સની માર્કશીટ પરિણામ જાહેર થયા બાદ બીડરને આપવામાં આવી હોય તો બેથી ત્રણ દિવસમાં માર્કશીટ તૈયાર થઇને શાળાને મળી જાય. માર્કશીટ તૈયાર થવામાં કેટલો સમય લાગે?
તે જ રીતે ધો.12 સાયન્સની સરખામણીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા છ લાખ વધુ હોય છે.એટલે કે અંદાજે આઠથી નવ લાખ વિદ્યાર્થીઓ હોય છે. તેને ધ્યાનમાં લઇને જ ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થવામાં દરરોજના દોઢ લાખ લેખે ગણીએ તો સાતથી આઠ દિવસ લાગે. જયારે ધો.10માં અંદાજે 15 લાખ જેટલાં વિદ્યાર્થીઓ ગણવામાં આવે તો દોઢ લાખ લેખે 15 દિવસ જેટલો સમય લાગે. ધો.12 સાયન્સની વાત કરીએ તો ધો.12 સાયન્સનું 4થી મેના રોજ પરિણામ જાહેર થઇ ગયું છે. તેની માર્કશીટ બેથી ત્રણ દિવસમાં તૈયાર થઇ જવી જોઇએ પરંતુ તે આજે 8 દિવસથી વધુ સમય જવા છતાંય હજુ માર્કશીટ સ્કૂલ સુધી પહોંચી નહીં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આમ એવું તે શું થયું કે હજુ સુધી માર્કશીટ વિદ્યાર્થીઓને મળી નથી. આ માર્કશીટ નહીં મળવાના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશથી માંડીને વિદેશમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને અસર પહોંચે છે. જેના કારણે વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં બોર્ડના પદાધિકારીઓ સામે ભારોભાર રોષ ફેલાયો છે.
Read Original Article →