ડીઝલની અછતના લીધે નાના રણના અગરિયાઓ પર માઠી અસર:મીઠું અગરથી ગંજા સુધી નથી પહોંચાડી શકતા, વરસાદ થાય તો 250 કરોડના નુકસાનની ભીતિ, કોંગ્રેસે અગરિયાઓને ડીઝલ આપવા માંગ કરી
યુદ્ધની અસરના કારણે પેટ્રોલ ડીઝલ સહિતના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તેમાં પણ ડીઝલ ન મળતા અગરિયાઓ ચિંતામાં મુકાયા છે. ડીઝલની અછતના કારણે મીઠું બહાર કાઢી ન શકતા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી હોવાથી અગરિયાઓ ચિંતામાં મુકાયા છે. જો યોગ્ય સમય મીઠું બહાર કાઢવામાં નહીં આવે અને વરસાદ આવે તો 250 કરોડ કરતા પણ વધુનું નુકસાન થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી કોંગ્રેસે સરકાર પાસે અગરિયાઓને પૂરતું ડીઝલ આપવાની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. 'અગરિયાઓને તાત્કાલિક ડીઝલ ઉપલબ્ધ કરાવો'
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં કુલ મીઠા ઉત્પાદનમાં 70 ટકાનો હિસ્સો ધરાવે છે. કચ્છના નાના રણમાં 3500 કરતા વધુ અગરો સાથે 50 હજાર જેટલા લોકો સીધી રીતે સંકળાયેલા છે. પરંતુ ડીઝલની અછતના કારણે તેમને માઠી અસર પડી છે. મીઠું અગરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી થઈ રહી. 60 લાખ ટન જેટલા ઉત્પાદન પર અસર થઈ રહી છે. જો વરસાદ આવી જશે તો અગરિયાઓને 250 કરોડ કરતાં પણ વધુનું નુકસાન થઈ શકે છે. ગુજરાત સરકારને વિનંતી છે કે અગરિયાઓને તાત્કાલિક ડીઝલ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 'અગરિયાઓને કરોડોના નુકસાનની ભીતિ'
વધુમાં પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટર અગરિયાઓને એવું કહે છે કે તમે ડીઝલ લઈને આપો તો અમે તમારું મીઠું ટ્રાન્સપોર્ટેશન કરી આપીએ. બીજી બાજુ મોટી કંપનીઓને પૂરતું ડીઝલ મળી રહે છે. પેટ્રોલ પંપ પરથી મોટી માત્રામાં ડીઝલ કોણ લઈ જઈ રહ્યું છે તેની પણ તપાસ થવી જોઈએ. જો ડીઝલ નહીં મળે અને વરસાદ આવી જશે તો અગરિયાઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. નાના રણના અગરિયાઓને ખૂબ અસર થઈ રહી છે. માત્ર મીઠાનું પ્રોડક્શન કરનાર અગરિયાઓ જ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટેશન સહિતના સેક્ટરના એક લાખથી પણ વધુ લોકો સીધા જોડાયેલા છે.
Read Original Article →