ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સરકારી ચોપડે બ્લેક લિસ્ટ એજન્સીને ધોરણ 10-12ની માર્કશીટ છાપવાનું 4 કરોડનું કામ, બોર્ડને ખબર નથી!
જયદીપ પરમાર ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા વીતી ગયા પછી પણ 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ હજુ માર્કશીટની રાહ જોઈ રહ્યા છે. આ વિલંબ ટેકનિકલ ખામી છે કે ટેન્ડર સિસ્ટમની ચૂક? તેને લઈને ભાસ્કરની તપાસમાં સામે આવ્યું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ માર્કશીટ પ્રિન્ટિંગ અને લેમીનેશનનું 4 કરોડનું ટેન્ડર ડેટા પ્રોસેસીંગ ફોર્મ્સ પ્રા.લિ. નામની એજન્સીને આપ્યું, જેને 2023માં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તલાટી પેપરલીક કાંડ બાદ 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી હતી. ત્યારે સવાલ એ છે કે, બ્લેકલિસ્ટેડ એજન્સીને ફરી સરકારી કામ કેવી રીતે ફાળવાયું? આ એજન્સી બ્લેકલિસ્ટ હોવાની જાણ નહોતી એવો બચાવ શિક્ષણ બોર્ડના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. સ્કેમને 10 પોઈન્ટમાં સમજો; એક જ એજન્સીને વારંવાર કામ અપાયાની ચર્ચા 1. 13 લાખ વિદ્યાર્થીઓ અટવાયા: ધોરણ 10-12ના મળીને 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને હજુ માર્કશીટ મળી નથી. જેના કારણે એડમિશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને આગળના કોર્સની કાર્યવાહી અટકી પડી છે. 2. 4 કરોડનું ટેન્ડર: GSEBએ માર્કશીટ પ્રિન્ટિંગ માટે 4 કરોડનું કામ ડેટા પ્રોસેસીંગ ફોર્મ્સ પ્રા.લિ.ને આપ્યું. 3. બ્લેકલિસ્ટેડ હોવા છતાં કામ: એજન્સીને GPSSBએ 2023માં 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી હતી. 4. કારણ શું? પંચાયત તલાટીના પેપરકાંડ બાદ જવાબદારી અને ગડબડીના મુદ્દે કાર્યવાહી થઈ. 5. ટેન્ડરની શરત શું કહે છે? દરરોજ 1.5 લાખ માર્કશીટ પ્રિન્ટ કરવી ફરજિયાત, એટલે મહત્તમ 10 દિવસમાં કામ પૂરું થઈ શકે. હકીકતમાં 14 દિવસે પણ માર્કશીટ નથી મળી. 6. મોટો સવાલ: ટેન્ડર ફાળવતાં પહેલાં સંપૂર્ણ તપાસ કરાઈ છે કે નહીં? 7. એક સરકારી બોર્ડને ખબર, બીજાને નહીં? GPSSBને બ્લેકલિસ્ટની જાણ હતી, જ્યારે GSEBને ખબર ન હતી? 8. અહીં પેટર્ન દેખાય છે: એક જ એજન્સી સરકારી એક્ઝામ સિસ્ટમમાં પ્રવેશ મેળવીને બ્લેકલિસ્ટ હોવા છતાં વારંવાર કામ મેળવતી હોવાનું જોવાં મળ્યું છે. 9. વિદ્યાર્થીઓ પર અસર માર્કશીટ વિના: ■ UG/ડિપ્લોમા એડમિશન અટકે ■ સ્કોલરશિપ પ્રક્રિયા અટકે ■ માઇગ્રેશન/બોર્ડ ચેન્જ અટકે ■ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અટકે 10. સિસ્ટમેટીક સ્કેમ કે ટેન્ડર ફેલ્યોર? સવાલ માત્ર વિલંબનો નથી. પરંતુ આ સિસ્ટમેટીક રીતે બ્લેક લિસ્ટેડ એજન્સીને જ કામ આપવાનું સ્કેમ કે ટેન્ડર ફેલ્યોર? (ડેટા પ્રોસેસીંગ એજન્સીના મુકેશભાઈ સાથે ભાસ્કરે સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે જવાબ આપવાનો ટાળ્યો હતો.) 5 સવાલ, જે સરકારને જવાબ આપવા પડશે અમને ખબર જ નથી કે એજન્સી બ્લેક લિસ્ટેડ છે: GSEB
દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી થોડા દિવસોમાં જ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જશે. પંચાયત સેવા પસંદગી મંડળે ડેટા પ્રોસેસીંગ એજન્સીને બ્લેક લિસ્ટ કરી છે તેની વિશે મને માહિતી નથી.- મુકેશ પંડ્યા, અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 2023માં ડેટા પ્રોસેસીંગ અમે બ્લેક લિસ્ટ કરેલી: GPSSB વર્ષ 2023માં પંચાયત તલાટીની પરીક્ષાનું પેપર ફૂટતાં ડેટા પ્રોસેસીંગ એજન્સીને દંડ ફટકારીને ઓક્ટોબર-ડિસેમ્બર 2023 દરમિયાન બ્લેકલિસ્ટ કરાઈ છે. હાલ વિભાગમાં રિનોવેશન થતું હોવાથી બધા દસ્તાવેજો લોક એન્ડ કીમાં રાખ્યા છે. પરંતુ એજન્સી બ્લેકલિસ્ટ કરેલી છે.- તુષાર ધોળકીયા, કાર્યકારી ચેરમેન, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભાસ્કર ઇનસાઇડ - એક જ એજન્સી, ત્રણ સરકારી સિસ્ટમ અને સતત એન્ટ્રી!
ભાસ્કરની તપાસ મુજબ, બ્લેકલિસ્ટ એજન્સીને GSEB દ્વારા 4 કરોડનું માર્કશીટ ટેન્ડર મળ્યું એ ઘટના ટેન્ડર સ્ક્રુટિની અને સિસ્ટમની ગોબાચારી પર સવાલો સર્જે છે. શું સરકારી વિભાગોમાં બ્લેકલિસ્ટ એજન્સીનો રેકોર્ડ નોંધાતો નથી? જીટીયુએ પણ 2023માં બ્લેકલિસ્ટ થયેલી એજન્સીને ફેબ્ર. 2024માં પરીક્ષાની કામગીરી સોંપી હતી. જેના બચાવમાં જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરે જણાવ્યું કે તેમને એજન્સી બ્લેકલિસ્ટ હોવાની જાણ નહોતી.
Read Original Article →