કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની SOP બનશે:ગોતા વિસ્તારમાં ચાની દુકાનવાળાએ નવો રોડ ખોદીને તોડી નાખતાં AMCએ 1 લાખનો દંડ ફટકાર્યો

Gujarat4/8/2026, 3:32:05 PM
કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની SOP બનશે:ગોતા વિસ્તારમાં ચાની દુકાનવાળાએ નવો રોડ ખોદીને તોડી નાખતાં AMCએ 1 લાખનો દંડ ફટકાર્યો
શહેરના ગોતા વિસ્તારમાં બજરંગ ટી સ્ટોલના માલિક દ્વારા નવો બનાવવામાં આવેલો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, જે બાબત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના ધ્યાને આવી હતી. આ અંગે બજરંગ ટી સ્ટોલના માલિકને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર રોડને મંજૂરી વિના તોડી નાખી અને ગંદકી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરોની સામે પગલાં લેવા માટેની SOP બનાવવા સૂચના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે રીવ્યુ બેઠક લીધી હતી. આ બેઠકમાં હાટકેશ્વર બ્રિજ હવે તૂટવાની અંતિમ સ્થિતિમાં છે ત્યારે હાટકેશ્વર બ્રિજ તોડવામાં કોન્ટ્રાક્ટર દ્વારા બેથી ત્રણ જગ્યાએ પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે ત્યારે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી? તે અંગેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરોની સામે શું પગલાં લેવા તે અંગેની SOP બનાવવા માટેની સૂચના આપી હતી. એક અઠવાડિયામાં રજુ કરવા સૂચના આપી શહેરમાં કેટલાક બગીચાઓની સ્થિતિ બાબતે પણ પ્રશ્ન કર્યો હતો કે, બગીચાઓની ખરાબ સ્થિતિના સમાચાર છપાયા છે તેનું શું સ્ટેટસ છે ત્યારે અધિકારીએ જવાબ આપ્યો હતો કે, આ બગીચાઓ PPP ધોરણે ચલાવવા માટે આપેલા છે. ત્યારે સીધો સવાલ કર્યો હતો કે, કેટલા PPP ધોરણે ચાલી રહ્યા છે. જોકે તેનો જવાબ આપી શક્યા ન હતા. ત્યારે અધિકારીને સ્પષ્ટતા કરી હતી કે, તમારે PPP ધોરણે ચાલતા બગીચાઓની પણ યોગ્ય તપાસ રાખ‌વી જોઇએ. PPP ધોરણે જે પણ બગીચા, હોલ, સ્મશાનો આપેલા છે તેનો રિપોર્ટ એક અઠવાડિયામાં રજુ કરવા સુચના આપી છે. 154 સ્થળે એર ક્વોલીટી સિસ્ટમ લગાવવામાં આવી હોવાનું કમિશનરને જણાવ્યું હતું. 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો 15 ટકા રિબેટ ચૂકવવામાં આવશે AMC પ્રોપર્ટી ટેકસ ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર નાણાંકીય વર્ષ 2026-27માટે આવતીકાલ 9મી એપ્રિલથી 31મી મે સુધી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં રહેશે, જેમાં સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેકસ ભર્યો હશે તેવા નાગરિકને 12 ટકા વત્તા વધુ બે ટકા મળી કુલ 14 ટકા રિબેટ આપવામાં આવશે અને જે કરદાતાએ અગાઉ સળંગ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તેને 14 ટકા તથા એડવાન્સ ટેક્સ ઓનલાઇન ભરપાઇ કરે તો વધુ એક ટકો મળી કુલ 15 ટકા રિબેટ ચૂકવવામાં આવશે. જ્યારે ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનાર નાગરિકને વધુ એક ટકો રિબેટ અપાતુ હતુ તે ચાલુ રાખવામાં આવશે એટલે કે ઓનલાઇન ટેક્સ ભરનારને 13 ટકા રિબેટ મળશે.
Read Original Article →