ગોતા અંડરપાસની ધીમી ગતિની કામગીરીથી સ્થાનિકોએ કંટાળી બેસણું કર્યું:મેયર સ્થાનિક લોકોને ન મળતા રોષ, ત્રણ વર્ષથી મંથરગતિએ કામ ને 5000થી વધારે લોકોને ભારે હાલાકી

Gujarat6/7/2026, 8:28:13 AM
ગોતા અંડરપાસની ધીમી ગતિની કામગીરીથી સ્થાનિકોએ કંટાળી બેસણું કર્યું:મેયર સ્થાનિક લોકોને ન મળતા રોષ, ત્રણ વર્ષથી મંથરગતિએ કામ ને 5000થી વધારે લોકોને ભારે હાલાકી
અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ ચાર રસ્તા નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા સંયુક્ત રીતે અંડરપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી અંડરપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ધીમી ગતિએ કામગીરી થઈ રહી છે. બ્રિજની કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટી જવાના કારણે નિર્માણાધીન અંડરપાસમાં પાણી ભરાતા સ્થાનિક લોકોમાં રોગચાળાનો ભય છે. જેના પગલે આજે રવિવારે સ્થાનિક લોકો દ્વારા અંડરપાસનું બેસણું રાખીને ઓમ શાંતિ ઓમ શાંતિના જાપ કર્યા હતાં. અવારનવાર રજૂઆત છતાં પણ ચોમાસા પહેલા અંડરપાસની કામગીરી પૂર્ણ નહીં થાય તો આસપાસમાં રહેતા 5000થી વધારે લોકોને ભારે હાલાકી પડશે. સ્થાનિકોના રોષને જોઈને શનિવારે(6 જૂન) મોડી સાંજે મેયર હિતેશ બારોટ ઉત્તર પશ્ચિમ ઝોનના અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. તાત્કાલિક ધોરણે મેયરે પાણીનો ભરાવો દૂર કરવા માટે ડીવોટરિંગ મશીન મુકાવ્યા હતા અને પાણી ખાલી કરાવવાની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. જોકે મેયર સ્થાનિક લોકોને મળીને વાતચીત ન કરતા સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે. 'રેલવેની મશીન હોલની દિવાલને નુકસાન, હજુ 6 મહિનાથી વધુ સમય લાગશે' અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.પી.જોશીના જણાવ્યા મુજબ રેલવે વિભાગ દ્વારા રેલવે પોર્શનની કામગીરી દરમિયાન 900 mmની લાઈન ઉપરના મશીન હોલની દિવાલને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે. અંડરપાસની કામગીરી રેલવેના ભાગમાં રેલ્વે દ્વારા તથા બંને એપ્રોચ બાજુ બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન કામગીરી ચાલુ છે. સદર કામગીરી પૂર્ણ કરવા હજુ અંદાજિત છ માસ જેટલો સમય થાય તેમ જણાય છે. હાલમાં અંડરપાસમાં ભરાયેલ પાણીને ખાલી કરવાની કામગીરી ચાલે છે તથા મશીન હોલની દિવાલનું રીપેરીંગ કરાવવામાં આવ્યું છે. 'ભાજપના કોર્પોરેટરો આવીને જતા રહે છે, કોઈ ધ્યાન આપતું નથી' શ્રીફળ એપાર્ટમેન્ટના ચેરમેન દ્વારકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી અંડર પાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડર પાસમાં પાણી ભરાઈ રહ્યા છે અને મચ્છરો ખૂબ જ થાય છે જેના કારણે લોકો બીમાર પડે છે. ભાજપના કોર્પોરેટરો આવી અને જતા રહે છે. કોઈપણ ધ્યાન આપવામાં આવતું નથી. અમે ખૂબ જ ત્રાસી ગયા છીએ. જો આ સમસ્યાનો જલ્દી નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરીશું. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી અને જતા રહે છે કરીશું એવું કહી દે છે. રોડ રસ્તાના પણ ઠેકાણા નથી. 'ત્રણ ચાર દિવસે લાઈન તૂટે અને તેમાં ગટરનું પાણી ભરાઈ છે' સ્થાનિક કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું અહીંયા છેલ્લા કેટલાય સમયથી રહું છું આ અંડર પાસની કામગીરી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ચાલી રહી રહી છે અને મંથરગતિએ કામગીરી થઈ રહી છે. ત્રણ ચાર દિવસે લાઈન તૂટી જાય અને તેમાં ગટરનું પાણી ભરાઈ જાય છે એના કારણે દુર્ગંધ આવે છે અને મચ્છરો થઈ રહ્યા છે. અત્યારે ઝડપી કામ કરી શકાય છે, ચોમાસા દરમિયાન કામગીરી ધીમી ગતિએ થશે. જેથી ઝડપી કામગીરી કરવામાં આવે એવી સ્થાનિક લોકોએ માગ કરી છે. 'મેયરને અંધારામાં આવીને જતા રહેવાનું શું મતલબ છે' સ્થાનિક બીપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી સાંજે મેયર હિતેશ બારોટ આવ્યા હતા પરંતુ અમને કોઈને ખબર જ નહોતી. હું તેમની પાછળ હતો મેં તેમને વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે અમે અમારી તકલીફ અંગેની રજૂઆત કરી શકીએ પરંતુ તેમની સાથે એન્જિનિયરો હતા અને તેમણે ચાન્સ આપ્યો નહીં. સાહેબો પાંચ- દસ મિનિટ ઊભા રહી અને જતા રહ્યા હતા. શહેરના મેયર આવતા હોય તો પાંચ દસ લોકોને મળવું જોઈએ. આવી રીતે અંધારામાં આવીને જતા રહેવાનું શું મતલબ છે. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ કોણ છે એની તમને ખબર જ નથી. મેયર જો આવ્યા હોય તો લોકોને મળવું જ જોઈએ. ડ્રેનેજ અથવા પાણીની લાઈન તૂટી જવાની ભૂતકાળમાં પણ ઘટનાઓ બની છેલ્લા ત્રણ વર્ષથી ગોતા વંદે માતરમ ચાર રસ્તા પાસે રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ખૂબ જ ધીમી ગતિએ આ કામગીરી થઈ રહી છે. અંડરપાસ બનાવવાની કામગીરી દરમિયાન ડ્રેનેજ અથવા પાણીની લાઈન તૂટી જવાની ભૂતકાળમાં પણ ઘટનાઓ બની છે જેના કારણે થઈ અને અંડરપાસમાં પાણી ભરાઈ જવાની ગત વર્ષે પણ ફરિયાદ તેને સ્થાનિક લોકો છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા ઝડપી કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે અને હવે જો કામગીરી નહીં થાય તો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પણ જવા માટેની ચીમકી ઉચ્ચારી છે.
Read Original Article →